11 September, 2023 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહિત રૈના
મોહિત રૈનાએ કાશ્મીરમાં પસાર કરેલા તેના બાળપણ વિશે જણાવ્યું કે તેણે પોતાની સ્કૂલને સળગતી જોઈ હતી. તે જ્યારે નવ વર્ષનો થયો ત્યાર બાદ તેને કાશ્મીર છોડવું પડ્યું હતું. ‘દેવોં કે દેવ મહાદેવ’માં શંકર ભગવાનનો રોલ ભજવીને તેને ખૂબ પ્રસિદ્ધિ મળી છે. બાદમાં તેણે વિકી કૌશલ સાથે ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’, બાદમાં ‘શિદ્દત’ અને ‘મિસિસ સિરિયલ કિલર’ જેવા પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. બાળપણના કપરા સમય વિશે મોહિત રૈનાએ કહ્યું કે ‘કાશ્મીરમાં જ્યારે વિવાદ શરૂ થયો ત્યારે હું ૮-૯ વર્ષનો હતો અને ત્યારે જ અમે કાશ્મીરથી નીકળી ગયા હતા. દરેક માટે એ કપરો સમય હતો. એથી જ્યારે પણ એવી સ્થિતિ હું જોઉં છું તો મને ફરીથી એ બધું યાદ આવી જાય છે. ઉદાહરણ તરીકે મેં મારી સ્કૂલને સળગતી જોઈ હતી. સવારે સ્કૂલમાં જવાનું અને જાણ નહોતી કે ઘરે પાછા કેવી રીતે આવીશું. તમે જ્યારે ૮ વર્ષના હો અને રસ્તા પર પેરન્ટ્સ અને ભાઈ-બહેન સાથે ઊભાં હો અને તમારી સામેની બાજુએ તમે આગ જોઈ હોય તો સમજી શકો છો કે લાઇફમાં ઘણુંબધું જોયું છે.’