11 February, 2024 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યુત જામવાલની ગજબની ફિટનેસ પર અર્જુન રામપાલ ફિદા
અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલ ‘ક્રૅક ઃ જીતેગા તો જિયેગા’ ફિલ્મમાં સાથે દેખાવાના છે. આ ફિલ્મને આદિત્ય દત્તે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં તેમની સાથે નોરા ફતેહી અને ઍમી જૅક્સન પણ જોવા મળશે. આ ફિલ્મ શાનદાર ઍક્શનથી ભરપૂર છે. સ્ટન્ટ કરતી વખતે સ્લીપ ડિસ્ક થયું હોવાનું જણાવતાં અર્જુન રામપાલે કહ્યું કે ‘મેં મારા સ્ટન્ટ્સ પોતે જ કરવાનો પ્રયાસ કર્યો છે. મારા માટે આ અતિશય ફિઝિકલી ચૅલેન્જિંગ ફિલ્મ છે. શૂટિંગ કરતી વખતે મારે સ્લીપ ડિસ્કનો સામનો કરવો પડ્યો હતો, એથી જ્યાં સુધી હું સ્વસ્થ ન થાઉં ત્યાં સુધી બે-ત્રણ અઠવાડિયાં શૂટિંગ કૅન્સલ કરવું પડ્યું હતું. બીજી વખત પણ મને સ્લીપ ડિસ્ક થયું હતું. મારા માટે ‘ક્રૅક’ એટલે હાડકાં ક્રૅક કરવા જેવું છે.’
સાથે જ વિદ્યુત વિશે અર્જુન રામપાલે કહ્યું કે ‘તમને વિદ્યુત મળે તો તમે તેને ગળે મળશો. તમને એવો એહસાસ થશે કે કેવો ગજબનો ફિટ માણસ છે આ. દેશભરના ટ્રેઇન્ડ ઍથ્લીટ્સને સેટ પર બોલાવવામાં આવ્યા હતા. મેં સતત મારી મર્યાદાઓને વટાવવાનો પ્રયત્ન કર્યો છે.’
વિદ્યુતે રેલવે પોલીસ સમક્ષ શું કામ થવું પડ્યું હાજર?
રેલવે સુરક્ષા દળે વિદ્યુત જામવાલને હાજર થવાનું ફરમાન કર્યું હતું. એનું કારણ છે કે તે ફિલ્મોમાં જોખમી સ્ટન્ટ કરે છે. તે બાંદરાની ઑફિસમાં પોલીસ સામે બેઠેલો દેખાય છે એના ફોટો વાઇરલ થયા છે. આ એક પ્રમોશનલ સ્ટન્ટ છે. આ ઑફિસ બાંદરા સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર-૧ પાસે છે.