02 October, 2023 07:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન રામપાલ
અર્જુન રામપાલે રવિવારે ગોવાના મીરામાર બીચની સાફસફાઈ કરી હતી. આ સ્વચ્છતા અભિયાનને પ્રિન્સિપલ ડિરેક્ટર ઑફ ઇન્કમ ટૅક્સ પણજીએ ગોવા ટુરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, રોટરી ક્લબ ઍન્ડ અલ શદ્દાઈએ સાથે મળીને આયોજિત કર્યું હતું. એક કલાકના આ શ્રમદાનમાં ફિલ્મમેકર-ઍક્ટર રાહુલ મિત્ર પણ જોડાયો હતો. સાથે જ પર્યાવરણની જાળવણી રાખનારા સેવાભાવી લોકો, સ્કૂલનાં બાળકો અને યુવાઓએ પણ એમાં આગળ હાથ બઢાવ્યો હતો. સાફસફાઈ વિશે અર્જુન રામપાલે કહ્યું કે ‘આપણી જવાબદારી બને છે કે ભવિષ્યની પેઢીને આપણે સ્વચ્છ પર્યાવરણ આપીએ.’
આ સ્વચ્છતા અભિયાનના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન રામપાલે કૅપ્શન આપી હતી, ‘આ સાફસફાઈ અભિયાનમાં સવાર સારી રીતે પસાર થઈ ગઈ. બીચની સાફસફાઈની પહેલ માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની સ્વચ્છતા માટેની ‘એક તારીખ એક ઘંટા એક સાથ’ શ્રમદાનથી પ્રેરિત છે. આ નેક કાર્યમાં સ્વયંસેવકો અને પર્યાવરણવિદોએ ભાગ લીધો હતો. દરેકે ખૂબ સરસ કામ કર્યું હતું. આશા છે કે દેશમાં અન્ય લોકો પણ તેમના તરફથી યોગદાન આપશે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આસપાસનો પરિસર સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો છે. ગઈ કાલે સેલિબ્રિટીઝે સાફસફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. અક્ષયકુમારે બીચની સાફસફાઈ કરીને આ પહેલમાં યોગદાન આપ્યું હતું. સફાઈ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘સ્વચ્છતા માત્ર ભૌતિક સ્થાનોની જ નથી. એ એક માનસિક સ્થિતિ પણ છે. દેશની બહાર છું, પરંતુ હું આ સાફસફાઈ અભિયાનમાં સામેલ થવાથી પોતાને રોકી ન શક્યો. એથી હું કહેવા માગું છું કે તમે જ્યાં પણ હો, તમારી આસપાસના પરિસર અને દિમાગને અવ્યવસ્થાથી મુક્ત રાખો.’
બીજી તરફ રાજકુમાર રાવ બીચની સફાઈ કરવા સવારમાં પહોંચી ગયો હતો. અગાઉ દસ દિવસના ગણપતિ વિસર્જન બાદ રાજકુમારે જુહુ બીચ પરના સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. ગઈ કાલે સવારે તે ઐરોલી પહોંચ્યો હતો. ત્યાંની સ્વચ્છતાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને રાજકુમારે કૅપ્શન આપી હતી, ‘ઐરોલીના મૅન્ગ્રોવ્ઝ ફૉરેસ્ટમાં સવારે મુંબઈના ઇન્કમ ટૅક્સ વિભાગ સાથે સાફસફાઈ કરવાનો અનુભવ સુખદ રહ્યો હતો. સ્વચ્છતા હી સેવા.’