01 June, 2025 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરિજિત સિંહ
સિંગર અરિજિત સિંહ નજીકના ભવિષ્યમાં મોટી સિદ્ધિ મેળવશે. પાંચ સપ્ટેમ્બરે અરિજિતનો લાઇવ શો બ્રિટનના ટૉટનમ હૉટ્સ્પર સ્ટેડિયમમાં યોજાવાનો છે અને તે અહીં લાઇવ પર્ફોર્મન્સ કરનાર પ્રથમ ભારતીય સિંગર બનશે. અરિજિતની આ સફળતા વિશે જાણીને તેના ફૅન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. પોતાની આ સિદ્ધિ વિશે વાત કરતાં અરિજિતે કહ્યું કે ‘હું ફક્ત એક સામાન્ય માણસ છું જે ગીતો ગાય છે. મને ખૂબ જ ખુશી અને ગર્વ છે કે મને ફરીથી લંડનમાં ગાવાની તક મળી રહી છે. જો આ ઇતિહાસ રચાય છે તો એ મારા માટે ખૂબ મોટી વાત હશે.’
અરિજિત સિંહે છેલ્લે ૨૦૨૪માં લંડનના The O2 Arenaમાં પર્ફોર્મ કર્યું હતું, એ શો હાઉસફુલ હતો. એ શોની ખાસ વાત એ હતી કે અરિજિતે એમાં બ્રિટિશ પૉપ-સ્ટાર એડ શીરન સાથે જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યો હતો. અરિજિત સિંહ હાલમાં સ્પૉટિફાય પર સૌથી વધારે સ્ટ્રીમ્ડ ભારતીય આર્ટિસ્ટ છે અને તેના ફૉલોઅર્સની સંખ્યા ૧૪૦ મિલ્યન કરતાં વધારે છે.