14 April, 2024 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતીશ કૌશિક
સતીશ કૌશિકની ગઈ કાલે ૬૮મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે તેમને યાદ કરીને અનુપમ ખેર ઇમોશનલ થયા છે. બન્ને ખાસ ફ્રેન્ડ હતા. સતીશ કૌશિક અને અનુપમ ખેરે સાથે ‘રામ લખન’, ‘હમ આપકે દિલ મેં રહતે હૈ’ અને ‘કાગઝ 2’ સહિત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ગયા વર્ષે ૯ માર્ચે સતીશ કૌશિકના અચાનક નિધનથી સૌ કોઈ ચોંકી ગયા હતા. ગુરુગ્રામમાં તેમને હાર્ટ-અટૅક આવતાં તેમનું અવસાન થયુ હતું. હવે તેમની સાથે વિતાવેલી યાદગાર પળોનો એક મૉન્ટાજ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી કે ‘હૅપી બર્થ-ડે માય ડિયરેસ્ટ સતીશ. તુ જ્યાં પણ હોય ભગવાન તને તમામ ખુશીઓ આપે. મારા માટે તું હંમેશાં મારી આસપાસ છે. તું ફોટોમાં, ફૂડમાં, ચર્ચામાં, મારી સાથે, હું જ્યારે અન્ય લોકો સાથે હોઉં એ બધામાં તું હાજર છે. તારી સાથે જોડાયેલી યાદો ઇન્ફેક્શિયસ છે. અહીં હું મારી આગામી ફિલ્મ ‘તન્વી: ધ ગ્રેટ’ની માહિતી આપું છું. આજે અમે ૩૪મા દિવસે એનું શૂટિંગ કરી રહ્યા છીએ. તારી તમામ સારી સલાહોનું હું પાલન કરી રહ્યો છું. ખરાબ સલાહને મેં બાજુએ મૂકી છે. તારી શારીરિક હાજરી, તારા ફોન-કૉલ્સ, તારી મજાકમસ્તી, તારી સાથેનાં ગૉસિપ-સેશન અને તારું અદ્ભુત સેન્સ-ઑફ-હ્યુમર હું મિસ કરી રહ્યો છું. તને હંમેશાં પ્રેમ કરતા રહીશું.’