28 May, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુ કપૂર
અનુ કપૂરની આગામી ફિલ્મ ‘હમારે બારહ’ને લઈને ફિલ્મમેકર અને કલાકારોને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એને જોતાં અનુ કપૂરે પોલીસ-પ્રોટેક્શનની માગણી કરી છે. સાથે જ જણાવ્યું કે તેમની આ ફિલ્મ સામાજિક મુદ્દા પર સજાગતા લાવવા પર પ્રકાશ પાડશે. ફિલ્મ કોઈ જાતિ કે ધર્મની નિંદા નથી કરી રહી. ફિલ્મમાં મહિલાઓને સન્માન આપવાની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ ૭ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે એથી ફિલ્મ જોયા વગર કોઈ નિર્ણય ન લેવો. એને લઈને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાનો એક વિડિયો શૅર કરીને અનુ કપૂર કહી રહ્યા છે કે ‘ફિલ્મના ડિરેક્ટર અને એના કલાકારોને સોશ્યલ મીડિયામાં અને કૉલ્સ દ્વારા મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. હું સૌને કહેવા માગું છું કે ડરવાની જરૂર નથી, આવી ધમકીઓ અગાઉ પણ આપવામાં આવી છે. આવી ધમકીઓથી અમે ડરવાના નથી. હું મહારાષ્ટ્ર પોલીસને, ગૃહ મંત્રાલયને નમ્ર વિનંતી કરવા માગું છું કે અમને મારવાની ધમકીઓ આપવામાં આવે છે તો તમારી ફરજ બને છે કે આ ફિલ્મના તમામ કલાકારો અને ડિરેક્ટરને પ્રોટેક્શન આપવામાં આવે. શાંતિપૂર્વક અમારી સાથે વાતચીત કરો, નહીં તો હમ ચુપ નહીં બૈઠેંગે.’