18 April, 2025 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન અને રજનીકાન્ત
હાલમાં બૉલીવુડ ઍક્ટર્સ સાઉથની ફિલ્મોમાં કામ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. સંજય દત્ત અને બૉબી દેઓલ જેવા અનેક જાણીતા ઍક્ટર્સ સાઉથની ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે અને હવે આ કલાકારોની યાદીમાં આમિર ખાનનો પણ સમાવેશ થયો છે. આમિર ખાન નજીકના ભવિષ્યમાં સાઉથની ફિલ્મ ‘કૂલી’માં રજનીકાન્ત અને નાગાર્જુન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં શ્રુતિ હાસન અને સત્યરાજ પણ કામ કરી રહ્યાં છે.
રજનીકાન્તની આગામી ફિલ્મ ‘કૂલી’ની હાલમાં જોરદાર ચર્ચા છે. આ ફિલ્મમાં રજનીકાન્ત સાથે કન્નડા ઍક્ટર ઉપેન્દ્ર પણ કામ કરી રહ્યો છે અને તેણે જ માહિતી આપી છે કે આ ફિલ્મમાં આમિર ખાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આમિર પોતાની કરીઅરમાં પહેલી વખત રજનીકાન્ત સાથે ફિલ્મમાં ઍક્ટિંગ કરશે. આ ફિલ્મમાં નાગાર્જુનનો પણ ખાસ રોલ છે.
‘કૂલી’ ૧૪ ઑગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મના મેકર્સે અત્યાર સુધી આમિર ખાનના નામની સરપ્રાઇઝ રાખી હતી. જોકે હવે તેમણે આમિરની સાથે નાગાર્જુનના નામનો પણ ખુલાસો કરી દીધો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં રજનીકાન્ત નેગેટિવ રોલમાં જોવા મળશે.