14 January, 2020 01:16 PM IST | Mumbai Desk | Ashu Patel
મોટા ભાઈ અને નામાંકિત અભિનેતા અશોકકુમારના આગ્રહથી કહો કે દુરાગ્રહથી, કિશોરકુમાર અભિનેતા બન્યા હતા. કિશોરકુમારે ગાયન માટે કોઈ પ્રકારની તાલીમ લીધી ન હોવાથી તેમને ગાયક તરીકે સ્વીકારવામાં પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સને વાંધો હતો. ખુદ અશોકકુમાર કહેતા હતા કે કિશોરકુમારે ગાવાના ચાળે ન ચડવું જોઈએ, તેણે માત્ર અભિનય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અશોકકુમાર જેને ગાયકને બદલે અભિનેતા જ બનાવવા માગતા હતા એ કિશોરકુમારે વર્ષો પછી ગાયક તરીકે પોતાના નામનો સિક્કો જમાવી દીધો અને એક તબક્કે તે ગાયક તરીકે હિન્દી ફિલ્મના ઘણા હીરો કરતાં વધુ ફી લેતા થઈ ગયા હતા.
અશોકકુમારને રૂપેરી પડદે ગાતા જોઈને કિશોરકુમારને થતું કે મોટા ભાઈ કરતાં તો હું અનેકગણું સારું ગાઈ શકું એમ છું. જોકે કિશોરકુમારને અશોકકુમારથી ડર લાગતો હતો એટલે એવું મોઢે કહેવાની તેમની હિંમત નહોતી. અશોકકુમાર કિશોરકુમારથી ૧૮ વર્ષ મોટા હતા એટલે એક પ્રકારની આમન્યા પણ કિશોરકુમારને નડતી હતી.
જોકે બીજા ભાઈ અનુપકુમાર સાથે (નવી જનરેશનના રીડરને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે અનુપકુમાર પણ જાણીતા અભિનેતા હતા) કિશોરકુમારનું જામતું હતું. એટલે કિશોરકુમાર અનુપકુમારને કહેતા હતા કે ‘ભાઈ કરતાં તો હું વધારે સારું ગાઈ શકું છું, તેમને બરાબર ગાતાં આવડતું નથી. ગાયક તો કુંદનલાલ સૈગલને કહેવાય, શું ગાય છે એ માણસ!’
અશોકકુમારે કહી દીધું કે ‘તારે ગાયક નહીં અભિનેતા જ બનવાનું છે, તું ગાયક તરીકે ન ચાલે’ એ વખતે કિશોરકુમાર ગાયક બનવા માટે જીદ કરવા ઇચ્છતા હતા, પણ મોટા ભાઈના ચહેરા પર મક્કમતા જોઈને તેમની હિંમત ન ચાલી. મોટા ભાઈની સામે બળવો કરવાની તેમની હિંમત નહોતી એટલે નીચી મૂંડીએ તેમણે મોટા ભાઈની વાત માની લીધી.
અશોકકુમારે જોયું હતું કે નાનો ભાઈ કૉમેડી સારી કરી શકે એમ છે એટલે એ પ્રકારની ફિલ્મ તેને મળે એ માટે ભલામણ કરી અને કિશોરકુમારની અભિનેતા તરીકે કરીઅર શરૂ થઈ. કિશોરકુમારને મોટા ભાઈએ અભિનેતા બનાવ્યા, ગાયક નહીં. અશોકકુમારે અભિનેતા તરીકે નાના ભાઈ આભાસકુમારને નવું નામ પણ આપ્યું : કિશોરકુમાર.
અશોકકુમારે ગાયક બનવા માગતા નાના ભાઈને જબરદસ્તી અભિનેતા બનાવી દીધો. કિશોરકુમારે મોટા ભાઈની વાત માની લીધી, પણ તેઓ ગાયનની તક મળે એ માટે કોશિશ કરતા રહેતા હતા. અનુપકુમારને લાગતું હતું કે આ ભાઈ સારો ગાયક બની શકે એમ છે એટલે અનુપકુમાર મોટા ભાઈ અશોકકુમારની ગેરહાજરીમાં કિશોરકુમારને પ્રોત્સાહન આપતા રહેતા.
અનુપકુમાર વિદેશ જાય ત્યારે વિદેશી ગાયકોની રેકૉર્ડ્સ પણ કિશોરકુમાર માટે લાવતા હતા. આવી રીતે એક વાર તેઓ ઑસ્ટ્રિયાથી કિશોરકુમાર માટે રેકૉર્ડ્સ લાવ્યા એની ખબર અશોકકુમારને પડી ત્યારે અશોકકુમારે અનુપકુમારને કહ્યું કે કિશોરને અભિનયમાં જ કરીઅર બનાવવા દે. આ રીતે ગાવાના ચાળે ચડવા જશે તો તે ગાયક પણ નહીં બની શકે અને અભિનેતા તરીકે પણ નહીં જામી શકે.
કિશોરકુમારના બનેવી અને ફિલ્મમેકર શશધર મુખરજી પણ કિશોરકુમારને કહેતા કે તું ગાયક બનવાના ઉધામા રહેવા દે, તારો અવાજ બહુ જ ખરાબ અને બેસૂરો છે.
‘નૌકરી’ (૧૯૫૪, હીરો કિશોરકુમાર અને હિરોઇન શીલા રામાણી) ફિલ્મમાં હેમંતકુમારે કિશોરકુમારને એક ગીતમાં અવાજ આપ્યો હતો. એ ગીતનાં બે વર્ઝન હતાં. એમાંનું એક કિશોરકુમારે પોતે પણ ગાયું હતું. ડિરેક્ટર બિમલ રૉય એ ગીત પણ કિશોરકુમારના અવાજમાં રાખવા ઇચ્છતા હતા, પણ સંગીતકાર સલિલ ચૌધરીએ હેમંતકુમારના અવાજમાં એ ગીત રખાવ્યું હતું. કિશોરકુમારે ‘નૌકરી’માં ઉષા મંગેશકર સાથે ગાયેલા એ ગીતની લિન્ક આ રહી.