23 June, 2023 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણ ગોવિલ
‘રામાયણ’ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલે જણાવ્યું છે કે ‘આદિપુરુષ’ના મેકર્સને પણ એ વાતનો એહસાસ છે કે તેમણે કાંઈક તો ખોટું કર્યું છે. ફિલ્મનું ટીઝર અને ટ્રેલર રિલીઝ થતાં જ એની ખૂબ નિંદા કરવામાં આવી હતી. એથી મેકર્સને અંદાજ આવી ગયો હતો કે ફિલ્મ પર વિવાદ થશે. એથી લોકોનું ધ્યાન દોરવા માટે થિયેટર્સમાં ભગવાન હનુમાનની સીટ રિઝર્વ રાખીને વિવિધ યુક્તિઓ અજમાવવાની શરૂઆત કરી હતી. તેમનું કહેવું છે કે મેકર્સે બીજેપીના મિનિસ્ટર્સ સાથે મુલાકાત કરી હતી. ભારતીયો પોતાના ધર્મને લઈને ખૂબ સંવેદનશીલ હોય છે. એથી આવી રીતે ગેરફાયદો ન લેવો જોઈએ. આવું કરીને તેઓ લોકોને મૂરખ બનાવી રહ્યા છે. આ ફિલ્મને લઈને લોકો ખૂબ વિરોધ કરી રહ્યા છે. એ વિશે અરુણ ગોવિલે કહ્યું કે ‘તેઓ લોકોને શું કામ મૂરખ બનાવી રહ્યા છે? તેઓ શું કામ નવી-નવી વસ્તુઓ લાવવા માગે છે? આવી ફૅશનેબલ રીતે ભગવાનને દેખાડવાની શી જરૂર છે? પ્લીઝ આવું ન કરો. એની શી જરૂર છે?’