બીજી વાર પ્રમુખ બનતા ડોનલ્ડ ટ્રમ્પ હવે ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સ સામે શું કરશે?

01 January, 2025 07:56 AM IST  |  Mumbai | Dr. Sudhir Shah

અમેરિકા ભલે ઇમિગ્રન્ટ્સનો દેશ છે, પણ એ દેશને ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સ ન પસંદ આવે એ સ્વાભાવિક છે

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના નવા પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ પ્રત્યેની નીતિ વિશે તો સૌને જાણકારી છે, પણ ટ્રમ્પની જાતીય ઓળખ બહુ ઓછા લોકોને છે.
મૅરી ઍન મૅકલોડ-ટ્રમ્પે ૧૯૪૬ની ૧૪ જૂને ન્યુ યૉર્કના ક્વીન્સ વિસ્તારમાં ડોનલ્ડ ટ્રમ્પને જન્મ આપ્યો. તેમના પતિનું નામ ફ્રેડ ટ્રમ્પ છે. ડોનલ્ડ ટ્રમ્પે ૧૯૬૮માં ‘યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા’ની વૉર્ટન સ્કૂલમાંથી ઇકૉનૉમિક્સમાં બૅચલરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમણે ત્રણ વખત લગ્ન કર્યાં છે. પ્રથમ લગ્ન ઝેક મૉડલ ઇવાના ઝેલનિકોવા સાથે ૧૯૭૭માં કર્યાં હતાં. એ લગ્નથી તેમને ત્રણ સંતાન પ્રાપ્ત થયાં. ૧૯૯૦માં ઇવાના ઝેલનિકોવાથી છૂટાછેડા મેળવ્યા અને ૧૯૯૩માં ઍક્ટ્રેસ માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યાં. એ લગ્નથી તેમને એક સંતાન છે. માર્લા મેપલ્સથી પણ ૧૯૯૯માં છૂટાછેડા લઈ લીધા અને ૨૦૦૫માં સ્લોવેનિયન મૉડલ મિલાનિયા સાથે લગ્ન કર્યાં છે. એ લગ્નથી એક સંતાનની પ્રાપ્તિ થઈ છે.

ડોનલ્ડનું કહેવું છે કે તેમણે જિંદગીમાં ક્યારેય મદ્યપાન કર્યું નથી, સિગારેટ ફૂંકી નથી કે ડ્રગ્સનું સેવન પણ નથી કર્યું. તેમને ગૉલ્ફ રમવાનો શોખ છે, પણ ગૉલ્ફના ગ્રાઉન્ડ પર તેઓ ચાલતા નથી, રમતવીરો માટે જે ખાસ કાર બનેલી છે એમાં જ તેઓ પ્રવાસ કરે છે. જોકે આમ છતાં ડોનલ્ડ ટ્રમ્પ કહે છે કે ગૉલ્ફની રમત એ મારી કસરત છે. ૨૦૦૪થી ૨૦૧૫ સુધી તેમણે ‘ધ ઍપ્રેન્ટિસ’ અને ‘ધ સેલિબ્રિટી ઍપ્રેન્ટિસ’ શીર્ષક ધરાવતા બે રિયલિટી ટીવી-શો કર્યા અને એ બન્ને રિયલિટી શોના તેઓ હોસ્ટ પણ બન્યા હતા. હરહંમેશ વિવાદમાં રહેનારા ડોનલ્ડ ટ્રમ્પ વિશે જાણીતા લેખકો અને પ્રખ્યાત જર્નલિસ્ટોએ અસંખ્ય પુસ્તકો લખ્યાં છે.

ઇમિગ્રન્ટ્સ પ્રત્યે અને ખાસ કરીને ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સ પ્રત્યે ડોનલ્ડ ટ્રમ્પને અત્યંત ઘૃણા છે. તેમની માન્યતા એવી પણ છે કે બધા જ ઇમિગ્રન્ટ્સ ‘ક્રિમિનલ’ હોય છે. તેઓ બીજી વાર અમેરિકાનું પ્રેસિડન્ટપદ સંભાળતાં જ અમેરિકામાં વસતા ૫૦ લાખથી વધુ ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સ અને એમાં પણ જેઓ ક્રિમિનલ છે તેમને તરત જ અમેરિકાની બહાર મોકલી દેવાની ઇચ્છા ધરાવે છે.

અમેરિકા ભલે ઇમિગ્રન્ટ્સનો દેશ છે, પણ એ દેશને ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સ ન પસંદ આવે એ સ્વાભાવિક છે. આમ છતાં આજે અમેરિકાને પરદેશી ભણેલાગણેલા ગ્રૅજ્યુએટ્સની તેમ જ હલકું કાર્ય કરનારા મજૂરોની પુષ્કળ જરૂરિયાત છે એટલે એ જરૂરિયાતને પહોંચી વળવા અમેરિકા તેમ જ અમેરિકનો ખુદ ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સને પાળે-પોષે છે. હવે ડોનલ્ડ ટ્રમ્પ આ બાબતમાં કેવાં પગલાં લે છે એ જોવા-જાણવા સમગ્ર વિશ્વના અમેરિકન સપના સેવતા લોકો વાટ જોઈ રહ્યા છે.

columnists gujarati mid-day donald trump united states of america