04 November, 2024 05:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હમણાં-હમણાં વિધાનસભાની ચૂંટણી બાબતે ઘણી વાર AB ફૉર્મની વાત વાંચવામાં આવી. કુતૂહલથી તપાસ કરતાં જાણવા મળ્યું કે A ભાગમાં પસંદગી પામેલા ઉમેદવારની પક્ષને લગતી વિગતો આપવામાં આવી હોય છે. B ભાગ વધુ રસપ્રદ છે. એટલા માટે કે પહેલી ચાર કૉલમમાં નિયુક્ત ઉમેદવારની વ્યક્તિગત વિગતો ભર્યા પછી બાકીની ચાર કૉલમમાં સબ્સ્ટિટ્યૂટ / વૈકલ્પિક ઉમેદવારની વિગતો આપવામાં આવી હોય છે. કોઈ કારણસર ચૂંટણી અધિકારી પ્રથમ નામને રિજેક્ટ કરે તો બીજું અધિકૃત નામ તૈયાર હોય જ એટલે ચૂંટણીરથ અટકે નહીં.
જીવનના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર કૉલમી જવાબદારી દંપતીની સહિયારી હોય છે. બન્નેનું સિલેક્શન ઉપરવાળા પક્ષપ્રમુખે કરી રાખ્યું જ છે. આ રણમેદાનમાં સંજોગવશાત્ કોઈ એક સફળ ન થાય કે રિજેક્ટ થઈ જાય તો બીજા વિકલ્પે પડકાર ઝીલીને જીવનરથને અટકવા નહીં દેવાનો. સપ્તપદીના ચાર ફેરા પછી પત્ની આગળ આવે છે, એ જ દર્શાવવા કે બન્ને સરખા છે. એકબીજાના અનુયાયી બનવાની તૈયારી રાખે તો જીવનરથને કોઈ રોકી ન શકે. ઉપરવાળાના AB ફૉર્મમાં બન્ને એકબીજાના વિકલ્પ જ છે.
રાજકારણની કે જીવનની ચૂંટણીમાં મળતી નિષ્ફળતા બદલાતા સંજોગોને કારણે પણ હોઈ શકે. કોઈ ત્રીજો પક્ષ અણધાર્યો ઊભો થઈ જાય કે પછી કોઈ અણધારી સાચીખોટી વાત ફેલાવવામાં આવે. આવામાં હતોત્સાહ નહીં થઈ જવાનું ને કોઈનો આધાર નહીં શોધવાનો. કોઈનું તેજ ઉછીનું ન જ લઈ શકાય, જાતે જ ફાનસની જેમ બળવું પડે. સુનીતા વિલિયમ્સનો ઉત્સાહ જુઓ. સ્પેસ-સ્ટેશનમાંથી દિવાળીની શુભેચ્છાઓ મોકલે છે. પૃથ્વી પર પાછા આવી શકાશે કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી છતાંય! એની સામે આપણાં મગતરાં જેવાં દુઃખોની શી વિસાત?
જીવન-નૃત્યને ભજવવા સૃષ્ટિના સંગીત સાથે તાલ મેળવતા રહેવાનો છે. ક્યારેક તાલ ચૂકી જવાય, પડી જવાય તો પણ એને અંગભંગીના એક પ્રકાર તરીકે જ ગણાવી નૃત્ય સહજ જ ચાલુ રાખવાનું છે. માધુરી દીક્ષિત સાથે નૃત્ય કરતાં-કરતાં વિદ્યા બાલન ભલે પડી ગઈ, પણ એ જાણે રજૂઆતનો જ એક ભાગ હોય એમ ગણાવીને જે ગ્રેસફુલ પર્ફોર્મન્સ આપ્યો અને નૃત્ય ચાલુ રાખ્યું એ અદા પર પ્રેક્ષકો આફરીન પોકારી ગયા. જીવનમાં ક્યારેક આપણે આમ પડી જઈએ તો પણ અદાથી તાલ જાળવી રાખવાનો છે. નવા વિક્રમ સંવતમાં આપના AB ફૉર્મમાં સહિયારા સાફલ્યની શરણાઈ ગૂંજતી રહે એવી અનેકાનેક શુભકામનાઓ. -યોગેશ શાહ