એકસાથે ૩૦-૩૫ સૂર્યનમસ્કાર તો આરામથી કરું

14 March, 2023 05:11 PM IST  |  Mumbai | Rashmin Shah

ગોલ્ડન મંત્ર : ફિટનેસ એ માત્ર શરીર સાથે સંકળાયેલી બાબત નથી, બૉડી કે ફિગર સાથે સંકળાયેલી બાબત નથી. બૉડી વર્કઆઉટ સાથે મનની એક્સરસાઇઝનું વર્કઆઉટ પણ કરવું જોઈએ અને એમાં ગોટાળો થયો એટલે સંપૂર્ણ હેલ્થમાં ગોટાળો સમજજો.

નેહા જોશી

હિન્દી, મરાઠી અને ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચૂકેલી ઍક્ટ્રેસ નેહા જોશી ફિટનેસ માટે આ નિયમ તેના પિતાજી પાસેથી શીખી છે. અત્યારે ‘દૂસરી માં’ નામની સિરિયલમાં લીડ કિરદાર ભજવી રહેલી આ અભિનેત્રી કહે છે કે ફિટનેસ એટલે મન, બુદ્ધિ અને શરીર એમ ત્રણેયથી સ્વસ્થ રહેવું

મારા મોસ્ટ ઇન્સ્પાયરિંગ ફિટનેસ આઇડૉલ છે મારા પિતાજી. યસ, આ ઉંમરમાં પણ તેઓ જે રીતે ફિટનેસને લઈને ઍક્ટિવ હોય છે એ જોતાં મને પસીનો થઈ જાય છે. રોજ રનિંગ કરવાનું, સાઇક્લિંગ પર જવાનું અને પાછું ઘરે આવીને સ્ટ્રેચિંગ પણ કરવાનું. તેઓ મને વર્ષોથી કંઈક તો કર એવું કહ્યા કરતા, પરંતુ મારો કોઈ મેળ જ પડતો નહોતો. મારાં નસીબ એટલાં સારાં કે મારા શરીરનો બાંધો જ એવો છે કે હું ગમે તેટલું ખાઉં કે વર્કઆઉટ ન પણ કરું તોય એ શરીર પર રિફ્લેક્ટ નથી થતું. બહુ જ લકી છું એ બાબતમાં. જોકે એ પછીયે મારા પિતાજી ઓવરહેલ્થને ધ્યાનમાં રાખીને પણ કંઈક તો કર, થોડુંક હેલ્ધી રહેવા માટે સતર્ક થા એવું પ્રેશર આપ્યા કરતા અને હું સાંભળ્યા કરતી.

આ પણ વાંચો: પાતળા એટલે ફિટ અને જાડા એટલે અનફિટ એ માનસિકતા છોડી દો

લૉકડાઉન ઇફેક્ટ | વર્કઆઉટની વાતથી આમ મને કંટાળો આવતો. જોકે લૉકડાઉનમાં જ્યારે કંઈ જ કરવા માટે નહોતું અને બધા જ ઘરે બેઠા હતા ત્યારે ફિઝિકલી હવે કંઈ નહીં કરું તો ગાંડી થઈ જઈશ એવું લાગતું હતું અને એમાં જ મેં પાવર યોગ શરૂ કર્યા. લગભગ દોઢ વર્ષ એક પણ દિવસનો બ્રેક લીધા વિના લાગલગાટ કર્યા અને એનું એ પરિણામ આવ્યું કે બૉડીમાં ચેન્જ બાકાયદા દેખાવા માંડ્યો. સમજણ પડવા માંડી કે હા, ફિટનેસ ઍક્ટિવિટીની પૉઝિટિવ અસર શું હોય છે. જોકે પાછું શુટિંગ ચાલુ થયું અને રૂટીનમાં બ્રેક લાગવા માંડ્યો. પણ આ ઑનલાઇન ક્લાસે મારી લાઇફ બદલી નાખી. હું માનું છું કે જ્યારે તમે ખૂબ થાકેલા હો ત્યારે પણ શરીરને થોડાક એક્સ્ટ્રા ટાસ્ક સર્વ કરવામાં આવે તો એને બાખૂબી નિભાવી શકે. પાવર યોગે એ સ્ટ્રેંગ્થ, સ્ટૅમિના, એન્ડ્યૉરન્સ અને એનર્જેટિક લેવલ ઊભું કરી આપ્યું. મારા એ ટીચર પણ એવા ફૅન્ટૅસ્ટિક હતા કે તેમણે ઑનલાઇન પણ અમારો ઇન્ટરેસ્ટ જાળવી રાખ્યો. 

બધું જ ભાવે | ફૂડની બાબતમાં હું જરાય ફસી નથી પરંતુ હા, જો વાત ચૉકલેટની હોય તો છું. મને ચૉકલેટની લગભગ દરેક વાનગી ભાવતી હોય છે. જેમ કે ચૉકલેટ કેક, મૂઝ, આઇસક્રીમ વગેરે આઇટમો મળે તો મને સ્વર્ગનું સુખ મળ્યાની લાગણી થાય. એ સિવાય બીજા કોઈ એવા પ્રેફરન્સિસ નથી. ફૂડ અને ડાયટ એ બન્ને મહત્ત્વનાં છે અને એ  લગભગ બધા જ ડૉક્ટરો પણ હવે કહી રહ્યા છે. તમે સારું ખાઓ, હેલ્ધી ખાઓ એ મહત્ત્વનું છે. ગાંડા જેવા ક્રેઝી ડાયટ પ્લાનને હું ફૉલો નથી કરતી. મારી દૃષ્ટિએ જે એક્સરસાઇઝ તમને સારું શરીર અને જે આહાર તમને સારું મન આપે તો એ વધુ પ્રભાવશાળી માનજો. હું એક જ વારમાં ત્રીસ-પાંત્રીસ સૂર્યનમસ્કાર આરામથી કરી શકતી હોઉં છું.     

 

columnists Rashmin Shah