05 December, 2022 02:13 PM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
માણસ જ્યારે પદ પર આવે ત્યારે તેને સત્તાની લાલચ નથી હોતી, પણ સત્તા ભોગવવાનું શરૂ થયા પછી આ સત્તાનો મોહ શરૂ થતો હોય છે. સત્તાની લાલસા જ્યારે તીવ્રતા પર પહોંચે ત્યારે તકલીફોની શરૂઆત થતી હોય છે અને ત્યાંથી જ રાજકારણનો પણ પ્રારંભ થતો હોય છે. રાજનીતિ અને રાજકારણ વચ્ચે સામાન્ય, પણ મહત્ત્વનો ફરક છે. રાજનીતિ એટલે નીતિ સાથે આગળ વધવામાં આવતી એક પ્રક્રિયા અને રાજકારણ એટલે રાજ કરવા માટે શોધવામાં આવતાં કારણો અને એ કારણોને યોગ્ય ઠરાવવાની પ્રક્રિયા. ચાણક્ય કહેતા કે ‘રાજ કરવું ઉત્તમ છે, પણ રાજને હાથમાં રાખવા માટે નીતિઓ બદલવી એ ખરાબ છે.’
આપણે ત્યાં રાજ કરવા માટેની નહીં, પણ રાજને હાથમાં રાખવામાં આવતી નીતિ-રીતિઓ હોય છે, જેને લીધે ઉચિત લાગે એવાં તમામ પગલાંઓ લેવામાં આવે છે. નાની સરખી વાતમાં પણ સંપ્રદાયનો લાભ લેવા માટે લોકો દોટ મૂકીને સીધા જ મતોની પેટીને સાચવવા માટે નીકળી જાય છે. લોકસભાનું ઇલેક્શન જેમ-જેમ નજીક આવશે એમ-એમ આક્ષેપ, પ્રતિઆક્ષેપો શરૂ થશે અને એ એકધારા ચાલુ પણ રહેશે. હેતુ એક જ હશે કે કોઈ પણ ભોગે મતદારો પોતાની તરફ આવી જાય. કોઈ સવર્ણને પોતાની તરફ ખેંચશે તો કોઈ દલિતોને પોતાની તરફ કરશે. કોઈ ખેડૂતો માટે લડશે તો કોઈ બ્રાહ્મણને પોતાના પક્ષે લઈ લેશે. કેવી ખરાબ માનસિકતા છે આ. એક આખા વર્ગને માણસ નહીં, પણ મતની પેટી તરીકે જોવામાં આવે છે અને એ જ રીતે તેમની સાથે સંબંધો રાખવામાં આવે છે. મારે પૂછવું છે એ સૌને જેમણે આ પ્રકારના જાતિવાદના વાડાઓને મોટા કરવાનું કામ કર્યું છે.
માણસ મહત્ત્વનો કે પછી તે કઈ જ્ઞાતિ, કયા સમુદાયમાંથી આવે છે એ મહત્ત્વનું? દલિતો સાથે થયેલા અત્યાચારોની વાતો બધા કરવા દોડે છે અને દલિતો બહાર રસ્તા પર ઊતરી આવે છે, પણ આ જ દલિતોને મદદ કરવા માટે કેમ બીજી કોઈ રીતે દલિતો બહાર નથી આવતા? આપણે ધારીએ તો કોઈ પણ જાતના રાજકીય સાથ-સગવડ વિના પણ એકબીજાને સાચવી શકીએ છીએ અને એમ છતાં પણ આપણે નેતાઓની ઓથમાં રહીએ છીએ, તેના સાથસહકારની અપેક્ષા રાખીએ છીએ. રાજકારણ સમાજકારણના હેતુથી જ બનતું હોય છે અને એવા જ ભાવ સાથે એની રચના થઈ હોય છે, પણ એમ છતાં પણ રાજકારણનો ભાવાર્થ આખો બદલાઈ ગયો છે. આ પાછળનું કારણ પણ માત્ર એક જ છે; સત્તા હાથવગી રાખવી છે અને સત્તાને કબજામાં રાખવી છે. સત્તાનો મોહ કોઈનો પણ ભોગ લઈ શકે છે અને લેવામાં આવે જ છે. આ મોહને ઓળખશો તો એમાં હિત તમારું જ સચવાઈ રહેશે અને હિત સાચવી રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે. જો આ જવાબદારી તમે નિભાવશો તો એનો એક દેખીતો ફાયદો થશે, તમારો જ દુરુપયોગ થતો બંધ થઈ જશે.