સમયસર ટૅક્સ ભરીને સારા નાગરિક તરીકેનું કહેવાતું સ્ટેટસ ક્યાં સુધી માણીશું?

15 August, 2024 07:00 AM IST  |  Mumbai | Manoj Joshi

દેશવાસીઓ પોતાને યાદ કરશે કે નહીં એવું તેમણે વિચાર્યું પણ નહોતું અને આ દેશની, ભારતમાની આઝાદી કાજે તેમણે સ્વંતત્રતાની ચળવળમાં પોતાનું માથું ઉતારી દીધું હતું

પ્રતીકાત્મક તસવીર

આજે પણ મને નાનપણના એ દિવસો યાદ છે જ્યારે હું સ્કૂલમાં ભણતો અને પંદરમી ઑગસ્ટની સવારે અમારે સ્કૂલમાં ધ્વજવંદન કરવા જવાનું બનતું. કેવો ઉત્સાહ રહેતો, કેવી ખુશી મળતી એ સમયે અને આજે, આજે મને લાગે છે કે મોટા ભાગના લોકો માટે આજનો આ દિવસ એક સામાન્ય રજાના દિવસ જેવો બની ગયો છે. આ વર્ષની આ ૧૫ ઑગસ્ટની વાત કરું તો અત્યારે મોટા ભાગનાં કૉર્પોરેટ હાઉસ અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીવાળાઓએ તો લૉન્ગ વીક-એન્ડના નામે પ્રોગ્રામ બનાવી લીધા છે. આજની રજા, શુક્રવારની રજા લેવાની. પછી વીક-એન્ડ અને એના પછી રક્ષાબંધનની રજા. ચાલો, પાંચ દિવસની રજા મળી છે તો ફરી આવીએ. પરંતુ આ જે પ્રોગ્રામ બનાવવાની આઝાદી મળી છે એ આજના આ દિવસને આભારી છે એ કેવી રીતે ભૂલી શકાય? કેવી રીતે ભૂલી શકાય દેશ માટે પોતાનો જીવ ન્યોછાવર કરનારા એ હજારો શહીદોને જેની કોઈ ઓળખ નથી. દેશવાસીઓ પોતાને યાદ કરશે કે નહીં એવું તેમણે વિચાર્યું પણ નહોતું અને આ દેશની, ભારતમાની આઝાદી કાજે તેમણે સ્વંતત્રતાની ચળવળમાં પોતાનું માથું ઉતારી દીધું હતું.

આજના દિવસે સોશ્યલ મીડિયા પર ડિસ્પ્લે પિક્ચર (DP) રાખવા કે પછી સવારના પહોરમાં આઝાદી પર્વને લગતો એકાદ સંદેશ ફૉર્વર્ડ કરી દેવાથી દેશ પ્રત્યેની આપણી ફરજ પૂરી નથી થવાની. તમે સમજો અને તમે ઉપાડી લો એ તમારી જવાબદારી. સ્વચ્છતા અભિયાનમાં તમે સાથ આપો તો એ પણ દેશભક્તિનો જ એક ભાગ છે અને સિગ્નલ પર દયામણી નજર સાથે આજે તિરંગો વેચતા બાળકને સારું જીવન મળે એ માટે પગલાં લો તો એ પણ દેશભક્તિનો જ એક ભાગ છે. ડ્રાઇવરને, મેઇડને કે પછી તમારે માટે કામ કરતા નાના વર્ગના લોકોના જીવનમાં આવતી તકલીફોને દૂર કરવા માટે પ્રયાસ કરશો તો એ અને અન્ય કોઈને નડતર ન બનો એવું જીવન જીવશો એ પણ દેશસેવા જ છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે કેવી રીતે આ દેશને બેટર, બહેતર બનાવી શકીએ અને એ કામનો આરંભ ક્યારથી કરીએ?

વાતો બહુ કરી, બણગાં બહુ ફૂંક્યાં. સમય આવી ગયો છે નક્કર કામ કરવાનો અને પુરવાર કરવાનો કે અમે બોલબચ્ચન નથી. બીજા કરશે એવું ધારવાને બદલે શું કામ એવું ન વિચારીએ કે એ ‘બીજા’ આપણે જ છીએ. આપણે જ આગળ આવવું પડશે. સમયસર ટૅક્સ ભરી દેવાથી સારા નાગરરિકનું આભાષી સ્ટેટસ ભોગવવાનું છોડીને હવે સાચા અર્થમાં સારા નાગરિક બનીને દેશ પ્રત્યેની જવાબદારીઓ સમજી એનું અનુકરણ કરીએ એવી જ આજના દિવસે સૌને અભ્યર્થના.

columnists manoj joshi