08 August, 2024 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હું ખાવાની બહુ શોખીન છું એ પહેલાં કહી દઉં. હવે મારે જે વાત કરવી છે એ કહું. મને જ્યારે એવો સવાલ પુછાય કે તને કુક કરતાં આવડે છે ત્યારે મને બહુ નવાઈ લાગે કે આવું શું કામ પુછાતું હશે? એનું કારણ એ કે હું નાની હતી ત્યારથી જ માનું છું કે બધાને કુક કરતાં તો આવડવું જ જોઈએ. ઇટ્સ ઓકે કે તમે શેફ જેટલી આઇટમો ન બનાવી શકતા હો, પણ તમે યુઝ્અલ ફૂડ તો બનાવી શકતા હોવા જ જોઈએ. પહેલાં પણ એવું હતું અને આજે પણ એવું જ છે, પણ મોટા ભાગના લોકોના મનમાં એ મિથ છે કે કામ કરતા હોય કે પછી ઍક્ટિંગ ફીલ્ડમાં હોય તેમને આવાં નાનાં કામ નથી આવડતાં.
ના, કુકિંગ નાનું કામ છે જ નહીં. એ પણ એટલું જ અગત્યનું કામ છે જેટલું આપણું પ્રોફેશનલ કામ અગત્યનું છે. મારી વાત કરું તો મને કામચલાઉ ફૂડ બનાવતાં આવડતું, પણ કોરોનાએ વધારે હેલ્પ કરી. એ સમયે ઘરમાં હતી તો મને ઘણું શીખવા મળ્યું અને મેં એને કન્ટિન્યુ પણ રાખ્યું. આપણે ત્યાં મેં એક ઑબ્ઝર્વ કર્યું છે કે મોટા ભાગના લોકો એવું માને છે કે પુરુષો ફૂડ ન બનાવે, કારણ કે એ તો છોકરીઓનું કામ છે. અહીં કૉન્ટ્રાડિક્શન છે.
જો આ છોકરીઓનું કામ હોય તો પછી વર્કિંગ-ગર્લને શું કામ એવું પૂછવામાં આવે કે તને ફૂડ બનાવતાં આવડે કે નહીં? સિમ્પલ છે કે લોકોએ સમજી જવું જોઈએ કે એ આવડતું જ હોય અને મને લાગે પણ છે કે તમે કામ કરતા હો તો પણ ઘરનાં કામોને તમારે જવાબદારી સાથે પૂરાં કરવાં જ જોઈએ. મે બી, મારો આવો સ્વભાવ એટલે હશે કે મેં નાનપણથી મારાં મમ્મી આરતી પટેલને વર્કિંગ વુમન તરીકે જોયાં છે. તે ઍક્ટ્રેસ હતાં, ઍન્કરિંગ કરતાં અને બીજી બધી ઍક્ટિવિટીમાં બહુ ઇન્વૉલ્વ હતાં અને એ પછી પણ તે ક્યારેય ઘરની જવાબદારીઓ ભૂલતાં નહીં. તે ઘરનાં બધાં કામો બહુ સરસ રીતે કરે અને કોઈને એવું પણ ન લાગે કે તે ઉપકાર કરે છે કે વધારે પડતાં ખેંચાય છે.
આજે જ્યારે મને મારી કોઈ ફૅન મળે અને વાતવાતમાં મને તેની પાસેથી ખબર પડે કે તે તો ઘરના કામમાં પહોંચી નથી શકતી એટલે કંઈ કરતી નથી તો સાચે જ મને બહુ નવાઈ લાગે કે આવું કેમ? હું પોતે મારાં અનેક કામ જાતે કરું છું અને ઘરના કામમાં પણ ઇન્વૉલ્વ હોઉં છું. મને તો એમાં ક્યાંય મારું સ્ટારડમ વચ્ચે નથી આવતું તો પછી વર્કિંગ વુમનને શું કામ એવું થવું જોઈએ? મને લાગે છે કે આપણે ત્યાં બે પ્રકારની વર્કિંગ વુમન કદાચ બની ગઈ છે. એક જે છે તે મારા જેવી મેન્ટાલિટી ધરાવે છે અને બીજી જે છે તે એવું માને છે કે ઘરના કામમાં શું કામ સમય બગાડવો. જોકે મને લાગે છે કે પહેલા પ્રકારની વર્કિંગ વુમન હોવું વધારે ઇમ્પોર્ટન્ટ છે.
- આરોહી પટેલ (જાણીતી ઍક્ટ્રેસ આરોહી પટેલ ‘લવની ભવાઈ’ અને ‘મૉન્ટુની બિટ્ટુ’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.)