10 April, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેતન મહેતા આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે
સવારે અલાર્મ વાગે ત્યારથી રાત્રે આંખ મીંચાય ત્યાં સુધી આપણે સતત દોડતા રહીએ છીએ. આ વ્યસ્તતાની વચ્ચે જ્યારે કોઈ વૈષ્ણવને પૂછવામાં આવે કે ઠાકોરજીની સેવા કરો છો? ત્યારે મોટા ભાગે એક જ જવાબ મળે છે કે ઇચ્છા તો બહુ છે, પણ સમય જ ક્યાં મળે છે? ઘણાને એવું લાગે છે કે પ્રભુની સેવા એટલે માત્ર નિવૃત્ત લોકોનું કામ અથવા તો આખો દિવસ સેવાઘરમાં બેસી રહેવું. જોકે એક વાત સમજી લો કે પુષ્ટિમાર્ગ એ પ્રેમનો માર્ગ છે, એ બંધન કે નિયમોના ભારણનો માર્ગ નથી. શ્રી મહાપ્રભુજીએ આપણને જે માર્ગ બતાવ્યો છે એ સંસારમાં રહીને સંસારનાં કાર્યો કરતાં-કરતાં પ્રભુમય બનવાનો માર્ગ છે.
આપણે સોશ્યલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલિંગ કરીએ છીએ, પણ ઠાકોરજી પાસે બેસવા માટે ૧૫ મિનિટ મળતી નથી? અહીં પ્રશ્ન સમયનો નથી, પ્રાથમિકતાનો છે. મારી દૃષ્ટિએ જો તમે ક્વૉન્ટિટીને બદલે ક્વૉલિટી પર ધ્યાન આપો તો આધુનિક જીવનમાં પણ સેવા સહજ બની જાય છે. જો તમે ઑફિસ જાઓ છો તો સવારે પૂરી એકાગ્રતાથી માત્ર ૧૫ મિનિટ ઠાકોરજી સન્મુખ બેસો, તેમના સ્વરૂપનું સુખ લો. આ ભાવપૂર્ણ ૧૫ મિનિટ આખા દિવસની અનિચ્છનીય સેવા કરતાં અનેકગણી શ્રેષ્ઠ છે.
હું માઇક્રો સેવાનો કન્સેપ્ટ સમજાવવા માગું છું. તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હો ત્યારે FM સાંભળવાને બદલે કીર્તન કે વચનામૃત સાંભળો. રસોઈ કરતી વખતે એવો ભાવ રાખો કે આ સામગ્રી મારા વહાલા પ્રભુ માટે બની રહી છે. તમારા પ્રોફેશનલ કામને પણ સેવા માનો. જો તમે ગ્રાહકો સાથે પ્રામાણિકતાથી અને પ્રેમથી વર્તો છો તો એ પણ ઠાકોરજીની જ સેવા છે, કારણ કે પ્રભુ તો કણેકણમાં બિરાજમાન છે.
આપણી પાસે ટેક્નૉલૉજી છે જેનો સકારાત્મક ઉપયોગ થઈ શકે છે. બાળકોને સેવાના કડક નિયમો કહીને ગભરાવવાને બદલે તેમને ઠાકોરજીની વાર્તાઓ કહો. તેમને આધુનિક વસ્ત્રો કે શૃંગારની પસંદગીમાં સાથે રાખો. બાળકોને ઠાકોરજી સાથે કનેક્ટ કરો, તેમના પર નિયમો ન લાદો.
સેવાનો અર્થ માત્ર ઠાકોરજીને જગાડવા કે જમાડવા પૂરતો મર્યાદિત નથી. તમારા ઘરમાં વસતા વડીલોની સેવા એ પણ સાક્ષાત્ પ્રભુસેવા જ છે. જો ઘરમાં ક્લેશ હોય અને મંદિરમાં સેવા હોય તો પ્રભુ ક્યારેય રાજી થતા નથી. તેથી આધુનિકતાની સાથે વિવેક અને પરોપકારને વણી લો. તમારી આવકનો અમુક હિસ્સો દીનદુખિયા કે ગૌસેવામાં વાપરવો એ પણ પુષ્ટિમાર્ગીય જીવનશૈલીનો જ એક અભિન્ન ભાગ છે. અંતે તો જેની દૃષ્ટિમાં કરુણા અને વ્યવહારમાં નમ્રતા છે તેના હૃદયમાં શ્રીનાથજી સદાય બિરાજમાન રહે છે.