અને લંડનની કૉલેજ બની ‘મોહબ્બતેં’નું ગુરુકુળ

01 September, 2023 12:31 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

સાંભળવામાં ફિલ્મનો સબ્જેક્ટ ડલ લાગતો હોવાથી ઍક્ટર્સના લુકની સાથોસાથ લોકેશન પર પણ પુષ્કળ કામ કરવામાં આવ્યું, જેને કારણે ફિલ્મ જબરદસ્ત જાજરમાન બની ગઈ અને નાનામાં નાની વાત ઑડિયન્સની આંખોમાં વસી ગઈ

ફાઇલ તસવીર

આપણે વાત કરીએ છીએ ફિલ્મ ‘મોહબ્બતેં’ની.

યશ ચોપડાએ સ્ક્રિપ્ટ અને કૅરૅક્ટરનાં ખૂબ વખાણ કર્યાં હતાં એટલે બિગ બી પણ એ સાંભળવા માટે ઉત્સાહી હતા. હકીકત એ પણ હતી કે અમિતાભ બચ્ચનને એ દિવસોમાં ‘એ’ ગ્રેડના પ્રોડ્યુસરોને ત્યાંથી કૉલ આવવાના બંધ થઈ ગયા હતા. સ્ક્રિપ્ટ તૈયાર થઈ એટલે બિગ બી પહોંચ્યા યશ ચોપડાની ઑફિસે અને આદિત્યએ તેમને ડાયલૉગ વર્ઝન સાથેની આખી સ્ક્રિપ્ટ સંભળાવી. બચ્ચનસાહેબની રીતસરની બોલતી બંધ થઈ ગઈ. સ્ક્રિપ્ટ જે લેવલ પર લખાઈ હતી, જે પ્રકારે આદિત્ય ચોપડાએ નૅરેશન આપ્યું હતું અને જે રીતે આખું કૅરૅક્ટર બિલ્ટ-અપ થતું હતું એ જોઈ-સાંભળીને કોઈની પણ એ જ હાલત થાય.

એ દિવસોમાં જયા બચ્ચન અમેરિકામાં હતાં. બિગ બીએ ઘરે પાછા જઈને પહેલો કૉલ જયાજીને કર્યો અને તેમની સાથે ‘મોહબ્બતેં’ની વાત કરી, કહ્યું પણ ખરું કે મે બી આ ફિલ્મ પછી કરીઅર એક નવા જ માઇલસ્ટોન પર પહોંચી જાય અને લાઇફનો નવો દોર શરૂ થાય. જયાજીને જેકંઈ બચ્ચનસાહેબે સંભળાવ્યું હતું એ સાંભળીને તો જયાજીને પણ લાગ્યું હતું કે આ ફિલ્મ બિગ બીએ કરવી જ જોઈએ. એમ છતાં બીજા દિવસે ફોન કરીને ગ્રીન લાઇટ દર્શાવવાને બદલે અમિતાભ બચ્ચને એક વીક લીધું અને તેમણે પોતાના બીજા બેચાર ફ્રેન્ડ્સને વાત કરી. બધાનું કહેવું હતું કે ઍન્ગ્રી યંગમૅનનો યુગ પૂરો થાય છે. આવતા સમયમાં આ જ પ્રકારના કૅરૅક્ટરની બોલબાલા રહેશે, બિગ બીએ આ તક જતી ન કરવી જોઈએ અને ફાઇનલી, અમિતાભ બચ્ચને ફિલ્મ માટે હા પાડી દીધી. જોકે એ પછી પણ તેમના લુકથી માંડીને કૉસ્ચ્યુમ ડિઝાઇનિંગ ચેક કરવાની વાત આદિત્ય ચોપડાએ મૂકી હતી. અફકોર્સ બિગ બી ફિલ્મમાં ફાઇનલ હતા, પણ આદિત્યને ખબર હતી કે તે અમિતાભ બચ્ચનને જો નવી સ્ટાઇલથી નહીં લઈ આવે તો ઑડિયન્સ પેલી જૂની ઇમેજવાળા બિગ બીની જ રાહ જોશે અને જે સમયે ઑડિયન્સ તમારી સાથે કનેક્ટ નથી થતી એ સમયથી તમે રિજેક્ટ થવાના શરૂ થઈ જાઓ છો.

શાહરુખ અને અમિતાભ એમ બે લેજન્ડ આવી જવાથી સબ્જેક્ટની ઇમ્પોર્ટન્સ બહુ વધી ગઈ. જોકે હજી પણ એક મોટો ડ્રૉબૅક હતો. સ્ક્રિપ્ટ વાંચ્યા પછી જે વિઝ્‍યુઅલ્સ આંખ સામે આવતાં હતાં એ બહુ બોરિંગ હતાં. ગુરુકુળ, ખડૂસ સંચાલક, ટશન અને ગુરુકુળના છોકરાઓનું બહાર જવું અને એવું બધું સદીઓ પહેલાંનું લાગતું હતું એટલે આદિત્ય ચોપડાએ કૅન્વસને મોટું કરવાનું નક્કી કર્યું. ફિલ્મ ‘મોહબ્બતેં’માં જે ગુરુકુળ દેખાડવામાં આવ્યું છે એ ગુરુકુળ માટે આદિત્ય ચોપડાએ ચાર દેશમાં ટૂર કરી હતી અને ફાઇનલી લંડનની એક કૉલેજને ગુરુકુળ તરીકે પસંદ કરવામાં આવી! હા, આ લંડનની કૉલેજ છે, એવી જ રીતે, જે રીતે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં સિંગાપોરની કૉલેજ લેવામાં આવી છે! ઍનીવેઝ, આપણે આવી જઈએ આપણી ‘મોહબ્બતેં’ની વાતો પર.

ફિલ્મમાં ત્રણ નવા છોકરાઓ અને ત્રણ નવી છોકરીઓ લેવામાં આવી. છોકરાઓમાં જુગલ હંસરાજ, જિમી શેરગિલ અને ઉદય ચોપડા હતા, તો ત્રણ નવી છોકરીઓમાં પ્રીતિ જાંગિયાની, કિમ શર્મા અને શમિતા શેટ્ટી હતી. યશરાજ ફિલ્મ્સના બૅનરમાં બનેલી આ પહેલી ફિલ્મ જેમાં ચોપડા ફૅમિલી આખેઆખી સંકળાયેલી હતી. માબાપ એટલે કે યશ અને પમેલા ચોપડા પ્રોડ્યુસર હતાં તો મોટો દીકરો ફિલ્મ ડિરેક્ટ કરતો હતો અને નાનો દીકરો આ ફિલ્મથી ઍક્ટર તરીકે લૉન્ચ થયો હતો. એ પછી ‘ધૂમ’ સમયે એ બન્યું પણ એ સમયે ત્રણ ચોપડા એટલે કે યશ, પમેલા અને આદિત્ય ચોપડા પ્રોડ્યુસર હતાં અને ફિલ્મ સંજય ગઢવીએ ડિરેક્ટ કરી હતી.

‘મોહબ્બતેં’ આમ તો એક લવસ્ટોરી હતી, પણ એ માત્ર લવસ્ટોરી નહીં, ડ્રામા-લવસ્ટોરી હતી. ફિલ્મમાં મ્યુઝિક ક્યાં-ક્યાં હોઈ શકે એની દરેક સિચુએશન આદિત્ય ચોપડાએ તૈયાર રાખી હતી. એક આડવાત, આદિત્ય ચોપડાની મ્યુઝિકલ સેન્સ જબરદસ્ત છે, જેમ કે ‘મોહબ્બતેં’માં ‘આંખેં ખૂલી હો યા હો બંધ...’ સૉન્ગ પૂરું થશે એ સમયે લેડીઝ કૉલેજની મેટ્રન ત્યાં આવશે અને શાહરુખ ખાન તેને ડાન્સ માટે ઑફર કરશે. થોડી આનાકાની પછી મેટ્રન ડાન્સ કરશે. આ ડાન્સ શરૂ થશે ત્યારે બૅકગ્રાઉન્ડમાં કયું જૂનું ગીત વાગતું હશે એ પણ આદિત્યની સ્ક્રિપ્ટમાં લખાયેલું હતું. એ સૉન્ગ છે, ‘ઓ હસીના ઝુલ્ફોંવાલી જાને જહાં...’ અને એ સૉન્ગ પર બીજું કોઈ ડાન્સ કરી જ ન શકે, જ્યારે હેલનજી હયાત હોય.

આદિત્ય ચોપડાએ એ પણ નક્કી રાખ્યું હતું કે જો કોઈક કારણસર હેલન આ ફિલ્મ કરવા તૈયાર ન થાય તો પોતે જૂના સમયની કઈ ડાન્સરને લાવશે અને જો એવું બન્યું તો બૅકગ્રાઉન્ડમાં કયું સૉન્ગ વાગશે. ફિલ્મ-મેકિંગની એક ખાસ વાત કહું.

તમે પેપર પર જેટલા સ્ટ્રૉન્ગ હો એટલી જ સ્ટ્રૉન્ગ ફિલ્મ તમારી સ્ક્રીન પર આવે. બીજો થમરૂલ, જો પેપર પર રહેલી ફિલ્મ તમને ખુશી આપતી હોય, તમને મજા કરાવતી હોય તો એ ઑડિયન્સને પણ સ્પર્શે જ. આદિત્ય ચોપડા આ વાતોને રીતસર ઘોળીને પી ગયો છે. એ નૅરેશન માટે બેસે ત્યારે તેને સ્ક્રિપ્ટની જરૂર નથી પડતી. તેનું નૅરેશન એ જ હોય જે નૅરેશન પેપર પર હોય. એકેક લાઇન ડિટ્ટો સેમ જ તેના મોઢામાંથી નીકળે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે તમે એ સ્ક્રિપ્ટ સાથે જીવી ચૂક્યા હો. તમે જુઓ, આદિત્યએ જ બનાવેલી ફિલ્મ ‘રબને બના દી જોડી’, બહુ પાતળી સ્ટોરીલાઇન અને એ પછી પણ ફિલ્મ રીતસર લોકોને સ્પર્શે. ‘બેફિકરે’માં કેમ એવું ન થયું એનો જવાબ પણ આપું. એ ફિલ્મનો સબ્જેક્ટ, એ ફિલ્મની વાત ક્યાંય આદિત્યની સાથે જોડાયેલી નહોતી. જો તમે વિષયવસ્તુ સાથે જોડાયેલા ન હો, જો તમે એને જીવી ન શકતા હો તો તમે કંઈ પણ કરી લો, તમારી ફિલ્મ ઑડિયન્સ સુધી પહોંચે જ નહીં. આ જ વાત કરણ જોહર સાથે પણ બની છે. હમણાં રિલીઝ થયેલી કરણની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’ ઑડિયન્સને બહુ ગમી, પણ અગાઉની તેની ફિલ્મો લોકોને નહોતી ગમી. કારણ, કરણ ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ કે પછી ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’ માટે જ સર્જાયેલો છે. ‘કભી અલવિદા ના કહેના’ કે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’નાં જે ઇમોશન્સ છે એ ઇમોશન્સ કરણ જોહર સુધી પહોંચતાં નથી એટલે જ તો કરણ એ ઇમોશન્સ ઑડિયન્સ સુધી પહોંચાડવામાં ફેલ ગયો હતો. બૉક્સ-ઑફિસ ભૂલી જજો. ત્યાં કેવી ઘાલમેલ ચાલે છે અને કેવી રીતે આંકડાઓમાં વધારો કરી શકાય છે એ જુદો જ વિષય છે અને આપણે એ વિષયમાં જવાનું નથી.

ત્રણ નવી પૅર માટે ૬ ઍક્ટર-ઍક્ટ્રેસ ફાઇનલ થયા પછી જે કામ શરૂ થયું એ કામ હતું મ્યુઝિકનું. મ્યુઝિક માટે જતિન-લલિતની પહેલી વાત હતી કે આપણે નવા સિંગર્સને લાવીએ, જે રીતે નવા ઍક્ટરને ટ્રેઇન કરવામાં આવશે એ જ રીતે અમે એ નવા સિંગર્સને પણ ટ્રેઇન કરીશું. આદિત્ય ચોપડા તૈયાર થયા અને જુહુમાં આશા પારેખનો જે બંગલો છે એની સામે એક સ્ટુડિયો હતો એ આદિત્ય ચોપડાએ બે મહિના માટે ભાડે રાખી લીધો. આ સ્ટુડિયો પર ૬ નવાં ઍક્ટર-ઍક્ટ્રેસ અને ફિલ્મ માટે લેવામાં આવેલા ૬ નવા સિંગર્સ સવાર-સાંજ મળે, વાતો કરે અને જતિન-લલિત પાસેથી ટ્રેઇનિંગ પણ લે. ઍક્ટરને લિપ્સિંગ શીખવવાનું અને સિંગર્સને ઍક્ટરની બૉડી-લૅન્ગ્વેજ સમજાવવાનું કામ જતિન-લલિત કરતા અને એ કામ એટલું બખૂબી થયું કે...

કહેવાની જરૂર નથી, તમે એક વાર ‘મોહબ્બતેં’નું ‘પૈરોં મેં બંધન હૈ...’ કે પછી ‘આંખેં ખૂલી હો યા બંધ...’ સૉન્ગ યુટ્યુબ પર જોઈ લો. તમને સમજાઈ જશે.

મળીએ આવતા શુક્રવારે, ‘મોહબ્બતેં’ની વધારે અનસૂની વાતો સાથે...

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists mohabbatein bollywood bollywood news entertainment news amitabh bachchan Shah Rukh Khan uday chopra aishwarya rai bachchan jugal hansraj preeti jhangiani jimmy shergill kim sharma shamita shetty archana puran singh anupam kher