નારીને શમણાં પણ મ્યાન કરવાં પડે

09 March, 2025 09:45 AM IST  |  Mumbai | Hiten Anandpara

સ્પષ્ટ સાચું બોલવા સધ્ધર થઈ છું છેવટે, હરઘડી હરપળ પછી નક્કર થઈ છું છેવટે! કેટલા સંબંધ છે ખખડે ખરા, પણ તૂટે નહીં, પ્રેમ માટે બહાર ને અંદર થઈ છું છેવટે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વ નારી દિવસ સૌપ્રથમ વાર ૨૦૧૧માં ઑસ્ટ્રિયા, ડેન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝરલૅન્ડમાં ઉજવાયેલો. મૂળ વિચાર ૧૯૦૮માં ન્યુ યૉર્કમાં કપડાઉદ્યોગમાં કાર્યરત મહિલા કર્મચારીઓની હડતાળમાંથી ઉદ્ભવેલો. ૧૯૧૭માં આ દિવસ માટે ૮ માર્ચ તારીખ નક્કી કરવામાં આવી. આજે નારીવેદના અને નારીસંવેદનાની વાત કવયિત્રીઓના કવન દ્વારા કરીએ. ભારતી ગડાની પંક્તિમાં આજની સદીનું પ્રતિબિંબ પડઘાતું જોવા મળે છે...

સ્પષ્ટ સાચું બોલવા સધ્ધર થઈ છું છેવટે

હરઘડી હરપળ પછી નક્કર થઈ છું છેવટે

કેટલા સંબંધ છે ખખડે ખરા, પણ તૂટે નહીં

પ્રેમ માટે બહાર ને અંદર થઈ છું છેવટે

સ્ત્રીની  સમસ્યા અને લાગણીને વાચા આપવા અનેક પ્રયત્નો થતા રહ્યા છે. મનુભાઈ જોધાણીએ ‘સ્ત્રીજીવન’ સામયિકની શરૂઆત કરેલી. એમાં ધૂમકેતુ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધીરજલાલ શાહ જેવા લેખકો વાર્તા અને લેખો લખતા. સુધા, ફેમિના, ગૃહલક્ષ્મી, ગૃહશોભા, કન્યકા, માનુષી, પ્રિયંવદા, સખી, સરસ સલિલ, શારદા, સ્ત્રીબોધ, લેખિની વગેરે અનેક સામયિકોએ સ્ત્રી-સંવેદનાને વાચા આપી છે. ઘરમાં શોભિત, પોષિત છતાં શોષિત સ્ત્રીની વેદના મીતા ગોર મેવાડા વ્યક્ત કરે છે...

તમે દીધા હતા જે જખ્મો સંતાડવા માટે

જરીવાળું તમે અચકન દીધું તમને ઘણી ખમ્મા

તમારું ઘર નથી કંઈ જેલ સાબિત કરવા ને

રહે જ્યાં બેડી ત્યાં કંગન દીધું તમને ઘણી ખમ્મા

કન્યા ન જોઈતી હોય અને જન્મે તો તેને દૂધપીતી કરવાનો આપણે ત્યાં રિવાજ હતો. સતીપ્રથામાં ચિતા પર બેઠેલી સ્ત્રીનું ચિત્ર જોઈએ તો પણ એની ઝાળ આપણને લાગી જાય. ઘૂંઘટમાં ગૂંગળાયેલી અભિવ્યક્તિ સદીઓ સુધી હિજરાતી રહી છે. હિજાબને ધર્મના રૂપાળા ઓઠા હેઠળ પહેરાવવામાં આવ્યો છે. ભારતી વોરા સ્વરા આ ઘૂટન વ્યક્ત કરે છે...  

કેટલાંય સમાધાન કરવાં પડે

નારીને શમણાં પણ મ્યાન કરવાં પડે

જો કરે કોઈ તો ઠીક છે; અન્યથા

નારીને ખુદનાં સન્માન કરવાં પડે

સન્માનની તો વાત જવા દો, અપમાન કોને કહેવાય એ જાણવું હોય તો અફઘાનિસ્તાનનો અભ્યાસ કરવો જોઈએ. તાલિબાની શાસનમાં સ્ત્રીઓને શિક્ષણથી વંચિત કરી દેવામાં આવી છે. ૧૦ લાખથી વધુ બાલિકાઓને સ્કૂલમાંથી અને એક લાખથી વધુ યુવતીઓને યુનિવર્સિટીમાંથી કાઢી મુકાઈ છે. સ્ત્રી વકીલ અને જજને ન્યાયપ્રણાલીમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. ૨૦૨૩ના આંકડા મુજબ ૨૮.૭ ટકા અફઘાન છોકરીઓને ૧૮ વર્ષની ઉંમર થાય એ પહેલાં જ પરણાવી દેવામાં આવી. આમાંથી ઘણી છોકરીઓ ૧૫ વર્ષની નીચે પણ હતી. જુદાં-જુદાં ૭૦ જેટલાં ફરમાન-ફતવા બહાર પાડીને સ્ત્રીના જીવનમાં પાનખર રોપવામાં આવી છે. ગીતા પંડ્યા લખે છે...

ખુશીની લહેર પણ આંગણ મહીં પળપળ નથી મળતી

ઉદાસી આંખમાં ઝાંખી રહે, ઝળહળ નથી મળતી

જમાનાએ મર્યાદા નામથી એનાં ચરણ બાંધ્યાં

પ્રયાસો લક્ષ છતાં, હરણી પછી ચંચળ નથી મળતી

વિશ્વ નારી દિવસ બળાપો કાઢવા માટે નથી, પણ નારીત્વના સન્માન માટે છે એ ખ્યાલ છે છતાં વાસ્તવિકતા જ એવી વિદારક છે કે કલમમાં શાહીને બદલે લોહી ધસી આવે. સ્ત્રી પર અત્યાચારના મામલા એકવીસમી સદીને લજવે છે. પીડિતા અને ગુનેગારનાં નામ બદલાતાં રહે છે, ગુનો યથાવત્ રહે છે. ઘરેલુ હિંસાના અનેક કિસ્સા વૉશ-બેસિનમાં જ ધોવાઈને વહી જાય છે. પલ્લવી ચૌધરી લખે છે એવું નસીબ સૌને મુબારક હો...

રાતના કાળા ફલક પર હું ફરું છું

હું મારી આંખમાં સપનાં ભરું છું

ભાત નોખી રોજ આકાશે બિછાવી

મન ભરીને સાંજમાં રંગો કરું છું

સ્વામી આનંદે એક પુસ્તકમાં લખ્યું હતું : ‘પતિસેવા એ સ્ત્રીનું કર્તવ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, પણ પત્ની પાસેથી સેવા લેવાનો હક છે એવો નિર્દેશ કોઈ જગ્યાએ નથી. ગડદાપાટુ મારી એના જોરે પત્નીને કર્તવ્યતત્પર બનાવવાનો માર્ગ તો કોઈએ પણ સૂચવેલો નથી. પુરુષનું અનુકરણ કરી તેમની પદ્ધતિ સ્વીકારી પોતાના અર્ધાંગ જેવા પતિરાજને કર્તવ્યતત્પર બનાવવાનું જો અમારા સમાજની સ્ત્રીઓ યોજે, અને યોજના પ્રત્યક્ષમાં મૂકવા જેટલી શક્તિ તેમને મળે, તો હિન્દુસ્તાનમાં મતાભિલાષિ સ્ત્રી-આંદોલન કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન જાગે.’

લાસ્ટ લાઇન

છે ઘણીયે હામ એના માંહ્યલામાં છતાં

જિંદગી જીવી રહી છે દાયરામાં છતાં

            ટુકડો આકાશ ને, અવકાશ પણ હો બે ઘડી

            નામ ખુદનું લખે છે વાયરામાં છતાં

ઝાંઝવાં ચારે તરફ ઘેરી વળે સુખ-ચેનનાં

જળ સપાટી સાચવી છે ધારણામાં છતાં

            હોય છે વિકલ્પ ક્યાં! પણ આવડતના જોરથી

            રંગ પૂરે છે મજાના આયખામાં છતાં

જાત આખી ઘસી નાખે છે પૂરી હોંશથી

ના કશુંય હોય એના ફાયદામાં છતાં

- ભાવના ‘પ્રિયજન’, જામનગર

 

columnists gujarati mid-day gujarati medium school