મેરાવાલા પીત્ઝા

18 November, 2020 02:54 PM IST  |  Mumbai | Rashmin Shah

મેરાવાલા પીત્ઝા

આરોહી પટેલ રસોડામાં

હા, આરોહી પટેલ ઘરે જે પીત્ઝા બનાવે એનું નામ જ આ પડી ગયું છે. ‘લવની ભવાઈ’થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર છવાઈ ગયેલી આરોહીએ કરીઅરની શરૂઆત ‘પ્રેમજી’થી કરી અને એ પછી તેણે ‘ચાલ જિંદગી જીવીએ’ અને ‘મોન્ટુની બીટ્ટુ’ જેવી હિટ ફિલ્મો આપી. આરોહી આખો દિવસ કૉફી પર કાઢી શકે અને કૉફી વિના તેનાથી એક દિવસ પણ નીકળે નહીં. આરોહી પોતાની ફૂડ-હૅબિટ અને પોતાના ફૂડ-મેકિંગ એક્સ્પીરિયન્સની વાતો મિડ-ડેના રશ્મિન શાહ સાથે મન ખોલીને કરે છે

લગભગ ૧૮ વર્ષની હું હતી ત્યારે મેં મારા ફ્રેન્ડ્સ માટે પહેલી વાર રસોઈ બનાવી હતી. દાલફ્રાય, પરાઠાં, પનીરનું શાક અને ભાત. બધું ખરેખર બહુ ટેસ્ટી બન્યું હતું. એ પહેલાં મેં મમ્મીને કિચનમાં કામ કરતાં જોઈ હતી. તેની સાથે કામ કર્યું છે, કિચનમાં હેલ્પ કરી છે પણ એકલા હાથે કિચનમાં રસોઈ બનાવવાનું આવડું મોટું સાહસ ક્યારેય કર્યું નહોતું. જે દિવસે પહેલી વાર રસોઈ બનાવી એ દિવસથી સાચે જ મારામાં એવો તો કૉન્ફિડન્સ આવી ગયો કે ન પૂછો વાત. મને વિશ્વાસ આવી ગયો કે રસોઈ મારા હાથે પણ બને અને સરસ બને. આ વાત છે હું ૧૮ની હતી ત્યારની, હવે તો મારી પણ કિચનમાં મમ્મી જેટલી જ માસ્ટરી આવી ગઈ છે.
હું રસોઈ બનાવતી હોઉં તો મારા માટે કોઈ પ્રમાણ ન હોય, એવું નહીં કે મીઠું આટલું જ નાખવું કે પછી લીંબુ આટલું જ નાખવાનું. આ પ્રમાણભાન મને મારી ઇનર ગટ્સથી મળી જાય. ભલે તમને હસવું આવે, નવાઈ લાગતી પણ મને એવું લાગે કે આટલું નિમક બરાબર છે એટલે હું એટલું નિમક નાખી દઉં અને પછી ચાખું ત્યારે ખરેખર એ પર્ફેક્ટ જ હોય. મારી તમને બીજી ખાસિયત કહું. હું કોઈ ફૂડ આઇટમ ટેસ્ટ કરું તો મને તરત ખબર પડી જાય કે એ ફૂડ આઇટમમાં કઈ-કઈ આઇટમનો ઉપયોગ થયો છે કે પછી કયા-કયા મસાલા એમાં નાખવામાં આવ્યા છે. સુંગધ ઉપરથી પણ ખબર પડી જાય કે એમાં ગરમ મસાલો વધારે છે કે હિંગ વધારે નાખી છે.
મારા ઘરમાં બધા ફૂડી છે. મમ્મી આરતીબહેન ખૂબ જ સારી કુક અને કુકિંગનો શોખ પણ ખરો એટલે ઘરમાં ઘણી નવી આઇટમ બનતી રહે. ઘરમાં કુકિંગની ઘણી બુક પણ છે જ અને મેં વાંચી પણ છે. એ બુક્સમાંથી ઘણી રેસિપી ઘરમાં બનતી રહે અને મેં પણ બનાવી છે. જોકે હવે તો ઑનલાઇન રેસિપી અવેલેબલ છે એટલે ત્યાંથી જે બનાવવું હોય એ બની શકે પણ એ બધી વાત પછી પણ હું કહીશ કે ફૂડ બનાવવાનું જો મનથી થાય, અંદરથી ઇચ્છા થાય તો જ ફૂડ સારું બની શકે.
મારી અને મમ્મીની જુગલબંધી
કિચનમાં મારી અને મમ્મીની જુગલબંધી હોય. રસોઈમાં અમે સાથે મળીને બધું બનાવીએ અને નવા-નવા એક્સપરિમેન્ટ્સ પણ કરીએ. મમ્મીની એક આઇટમ એવી છે કે જેમાં હું કોઈ જાતના એક્સપરિમેન્ટ્સ ન કરું અને એ છે સૅન્ડવિચ. મમ્મી જે સૅન્ડવિચ બનાવે છે એ સુપર્બ છે અને ઇન્ટરેસ્ટિંગ શું છે ખબર છે, મમ્મી દરેક વખતે સૅન્ડવિચમાં નવા-નવા સુધારા કરતી રહે. મમ્મીના હાથની સૅન્ડવિચ મને એવી તે ભાવી ગઈ છે કે હવે મને તેના હાથ સિવાયની બીજા કોઈની સૅન્ડવિચ ભાવતી નથી, કોઈના હાથની પણ અને કોઈ જગ્યાની પણ. સૅન્ડવિચ સિવાય હું કૉફીથી માંડીને પીત્ઝા સુધી અખતરા કરું અને પરાઠાંથી લઈને પૂરી સુધી બધામાં કોઈ ને કોઈ ગતકડાં કરું. ગતકડાં પણ એવાં હોય કે જે બધાને ભાવે.
આમ તો અમારા ઘરે કુક છે એટલે બધાની ચૉઇસ મુજબનું ફૂડ બનતું રહે પણ એ રજા પર હોય કે તેને વીકલી ઑફ હોય ત્યારે મોટા ભાગે ફૂડ બનાવવાનો વારો મારો આવે. હમણાં લૉકડાઉનમાં તો મેં ઘણી વાર કિચનમાં ડ્યુટી કરી અને ઑનલાઇન શીખી-શીખીને વરાઇટી પણ બનાવી. ઘણાં વર્ષે, કદાચ લાઇફમાં પહેલી વાર એવું બન્યું કે લૉકડાઉનને લીધે હું, મમ્મી અને પપ્પા આટલો લાંબો સમય સાથે રહ્યાં હોઈએ. અમે બહુ મજા કરી. ખાસ કરીને ખાવાપીવાની બાબતમાં. સૌથી સારી વાત એ કે મારા ઘરના બધાને મારા હાથની વરાઇટી ભાવે છે અને એમાં પણ ખાસ તો મારાવાળો પીત્ઝા.
મેરાવાલા પીત્ઝા.
યસ, આ નામ જ પડી ગયું છે હું બનાવું છું એ પીત્ઝાનું. આ પીત્ઝા પૉપ્યુલર હોવાનું ખાસ કારણ એક જ, એમાં તમે ધાર્યું ન હોય એટલું ચીઝ હોય. કહો કે ત્રણ પીત્ઝાનું ચીઝ એક પીત્ઝામાં હોય છે. આ પીત્ઝામાં બહારથી કશું લઈ આવવાનું નહીં. બધેબધું ઘરનું જ વાપરવાનું. એનો બેઝ પણ હું જાતે ઘરે બનાવું અને એમાં પણ અલગ-અલગ પ્રકારના બેઝ હોય. બધાને બહુ ભાવે છે એ મારો ક્રસ્ટ પીત્ઝા છે. વેજિટેબલ્સ, જુદા-જુદા સૉસ, ટમેટો કેચપ અને ચીઝ. કહ્યું એમ ઑલમોસ્ટ ત્રણગણું ચીઝ. નૅચરલી, મને ચીઝ બહુ ભાવે છે એટલે એ પીત્ઝામાં વધારે યુઝ કરું. બીજી એક વાત કહું, મારી બૉડી છે જ એવી કે હું ચીઝ વધારે ખાઉં તો પણ એમાં વેઇટ વધી જવાનું મને ટેન્શન નથી રહેતું એટલે મને ચીઝ ખાવામાં કોઈ રોકતું પણ નથી અને દરરોજ તો મારા હાથે પીત્ઝા બનતા ન હોય એટલે મમ્મી-પપ્પા કે સિસ્ટર પણ મસ્ત રીતે પીત્ઝા ખાઈ લે. મારા હાથના પીત્ઝા સિવાય મગ કેકના પણ બહુ બધા ફૅન્સ છે. મારી સિસ્ટરના ફ્રેન્ડ્સ ઘરે આવ્યા હોય એટલે એ લોકોની ફરમાઈશ આવે જ આવે કે તારા હાથની મગ કેક ખાવી છે. મગ કેક આપણે ત્યાં ઓછી બને છે પણ ફૉરેનમાં એ બહુ ખવાય છે. ચૉકલેટ ચિપ્સ અને ઓરિયો મગ કેક મારા હાથે સરસ બને છે.


બ્લન્ડર ભાગ્યે જ...
દરેક ભૂલનો એક રસ્તો હોય જ હોય. દાખલા તરીકે બટાટાના શાકમાં પાણી વધારે પડી ગયું હોય તો એ વધારાના પાણીને સોસી લેવા માટે ચણાના લોટનો ઉપયોગ થઈ શકે, બ્રેડના ટુકડા પણ તમે શાકમાં નાખીને વધારેના પાણીને ગ્રેવીમાં ફેરવી શકો. દરેક આઇટમમાં એવું થઈ શકે છે. મરચું વધારે પડી ગયું હોય તો પણ આઇટમ સુધારવાના રસ્તાઓ છે અને નિમક પણ વધારે પડી જાય તો એના પણ રસ્તા છે. ગુજરાતીઓને તો વધારે સારી વાત એ કે આપણે બધામાં ગળપણ નાખીએ એટલે ખાંડ નાખીને પણ સ્વાદને બૅલૅન્સ કરવાનો રસ્તો અપનાવી શકીએ.
આ તો થઈ બ્લન્ડર સુધારવાની વાત, પણ સાચું કહું તો મારાથી બ્લન્ડર થતાં જ નથી. શરૂઆતના સમયમાં હું કંઈ પણ નવું ઍડ કરતી તો પ્રમાણ જરાક ઓછું જ રાખતી. ઓછું હોય તો પછી ઍડ કરી શકાશે એવું સિમ્પલ કૅલ્ક્યુલેશન હું રાખતી, પણ પછી મને માપમાં ફાવટ આવી ગઈ એટલે ટેન્શન નીકળી ગયું.
ખાવાની બાબતમાં ઑલ્વેઝ રેડી
સુરતીઓ ખાવાના શોખીન હોય છે એવું તો બધા કહે છે પણ હું કહીશ કે સુરતીઓને ટક્કર મારી શકે એવો ખાવાનો શોખ અમદાવાદીઓને હોય છે. આજે આખા ગુજરાતમાં બેસ્ટ ફૂડ અમદાવાદમાં મળતું હોય છે. નવી-નવી વરાઇટીની રેસ્ટોરન્ટ ઝડપથી અમદાવાદમાં શરૂ થાય. મારી વાત કહું તો હું ખાવાની શોખીન છું. મેં સિટીવાઇઝ લિસ્ટ તૈયાર કરી રાખ્યું હોય કે અહીં જઈશ ત્યારે આ ખાઈશ અને ત્યાં જઈશ એટલે પેલું ખાઈશ. રાજકોટ જવાનું થાય તો પટેલ વિહાર રેસ્ટોરન્ટની ગુજરાતી થાળી ચોક્કસ ખાવાની, મોરબી જવાનું બને તો ઠાકરમાં જ બપોરે જમવાનું. ઠાકર લૉજ હવે રાજકોટમાં પણ છે અને એનો ટેસ્ટ એવો જ છે પણ છતાં મોરબીની ઠાકરની વાત જુદી જ છે. મુંબઈ આવી હોઉં તો બન્ને ટાઇમ ઉડિપી પીત્ઝા ખાવાના. સુરત હોઉં તો લોચો અને વલસાડ હોઉં તો શિયાળામાં ઉંબાડિયું અને બાકી ઊંધિંયું. કાઠિયાવાડી ફૂડ મારું સૌથી ફેવરિટ, પણ જે ગુજરાતી ઢાબાનું હોય એ. દેશી જગ્યા અને દેશી ખાણું. વઘારેલો રોટલો, માખણ, ગોળ, લસણિયા બટાટા, સેવ-ટમેટાનું શામ મારી સૌથી પસંદીદા આઇટમ. તીખું મારું સૌથી ફેવરિટ અને તીખું ન હોય તો હું મરચાં સાથે ખાવાનું રાખું પણ તીખું તો મને જોઈએ જ. ગળપણમાં મને રાજકોટનો શ્રીખંડ બહુ ભાવે. રાજકોટ જેવો શ્રીખંડ મેં ક્યાંય જોયો નથી. એકદમ ક્રીમી અને ફ્રૂટ્સથી ભરેલો હોય.

હેલ્થ ઇઝ વેલ્થ
હું આ બધું જ ખાઉં છું, હું કોઈ પ્રકારની ડાયટ ફૉલો કરતી નથી. મારા માટે ડાયટ ફૉલો કરવી શક્ય જ નથી અને મને એની જરૂર પણ નથી પડતી. બીજી વાત, ભૂખ મારવી કે પછી ઓછું ખાવું એ મારા માટે શક્ય પણ નથી. હા, બહુ અનિવાર્ય હોય તો હું એકાદ આઇટમ સ્કિપ કરું. રોટલી લઉં તો રાઇસ છોડું અને રાઇસ લઉં તો સ્વીટ્સ છોડી દઉં પણ આઇટમ સ્કિપ કરવા સિવાય હું કંઈ ન કરું. અડધું જમવું કે પછી જમવાનું છોડીને માત્ર મખાના કે પ્રોટીન બાર કે ફ્રૂટસ ખાવાં મારા માટે શક્ય નથી. ઘરમાં બધા ફૂડી, બધા પેટ ભરીને જમે અને એવા સમયે મારે એ લોકોને જોઈને પેટ ભરવાનું એ મને ન ફાવે. હું તમને પણ કહીશ કે એવું કરવાને બદલે કે ભૂખ્યા રહેવાને બદલે હેલ્ધી ફૂડ ખાવાનું રાખો. હેલ્થને તમારી ફૂડ-હૅબિટ્સ સાથે સીધો સંબંધ છે. બે વાત નક્કી રાખવાની. એક, બહારનું ખાવા પર કન્ટ્રોલ રાખવાનો. બને તો બહારનું ખાવાનું ટાળો જ અને બીજી અગત્યની વાત, ઓવર ઈટિંગ નહીં કરવાનું.


કૉફી બેબી
કૉફી મને અનહદ વહાલી. મારે આખા દિવસમાં ખાલી કૉફી જ પીવાની હોય તો ચાલે પણ જો એક દિવસ પણ કૉફી વિના ચલાવવાનું હોય તો ન ચાલે.

 

Rashmin Shah indian food aarohi patel columnists