10 February, 2025 01:31 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ડૉનલ્ડ ટ્રમ્પનો કન્ટ્રોવર્શિયલ અપ્રોચ સતત આગળ વધતો હોવાથી સોના-ચાંદીમાં વણથંભી તેજીની આગેકૂચ જોવા મળી હતી. કૅનેડા, મેક્સિકો અને ચીન સાથે ટૅરિફનો મામલો નીપટ્યા બાદ હવે નવા ટાર્ગેટમાં ઈરાન પર પ્રતિબંધ હોવાથી સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ સતત વધી રહી છે. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને નવી ઊંચાઈએ ૨૮૭૪.૩૦ ડૉલર અને ચાંદી વધીને ૩૨.૪૮ ડૉલરે પહોંચી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું ચાલુ સપ્તાહે સતત છઠ્ઠે સપ્તાહે વધ્યું હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૨૯ રૂપિયા વધ્યો હતો. ચાંદીનો ભાવ ૯૫ હજાર રૂપિયાની સપાટીને પાર કરી ગયો હતો જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ૧૧ હજાર વધીને ૨.૧૯ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ૨.૧૩ લાખની ધારણા કરતાં વધુ રહ્યા હતા. એક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૧૧,૩૭૦ વધીને ૨.૩૯ લાખે પહોંચ્યા હતા. અમેરિકાની લેબરકૉસ્ટ ચોથા ક્વૉર્ટરમાં ત્રણ ટકા વધી હતી જે ત્રીજા ક્વૉર્ટરમાં ૦.૫ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૩.૪ ટકા વધવાની હતી. લેબરકૉસ્ટ વધતાં પ્રતિ કલાકનું વેતન ૪.૨ ટકા વધ્યું હતું એની સામે પ્રોડક્ટિવિટી માત્ર ૧.૨ ટકા જ વધી હતી.
અમેરિકાના ચાલુ સપ્તાહે જાહેર થયેલા ઇકૉનૉમિક ડેટા મિક્સ રહ્યા હોવાથી અને રેટ-કટ વિશે હજી પણ અનિશ્ચિતતા બની રહી હોવાથી ડૉલર ઇન્ડેક્સ ૧૦૭.૫૯થી ૧૦૭.૮૪ પૉઇન્ટની રેન્જમાં હતો. ડૉલર ઇન્ડેક્સમાં પણ નજીવી વધ-ઘટ રહી હોવાથી ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૪.૪૩૬ ટકાએ સ્ટેડી રહ્યાં હતાં.
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે સતત ત્રીજા રેટ-કટ અંતર્ગત પચીસ બેસિસ પૉઇન્ટ ઘટાડીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૪.૫ ટકાએ પહોંચાડ્યા હતા. બ્રિટનનું ઇન્ફ્લેશન સતત ઘટી રહ્યું હોવાથી માર્કેટની ધારણા અનુસાર રેટ-કટ આવ્યો હતો. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના નવ મેમ્બરોમાંથી બે મેમ્બરોએ ૫૦ બેસિસ પૉઇન્ટના રેટ-કટની તરફેણ કરી હતી. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે બ્રિટિનના ગ્રોથરેટ અંદાજમાં ઘટાડો કર્યો હતો.
ચીનની ફૉરેક્સ એક્સચેન્જ રિઝર્વ જાન્યુઆરીના અંતે ૩.૨૦૯ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલર હતી જે ડિસેમ્બરના અંતે ૩.૨૦૨ ટ્રિલ્યન ડૉલર હતી અને માર્કેટની ૩.૨૦ ટ્રિલ્યન ડૉલરની ધારણા કરતાં વધુ હતી. ગોલ્ડ રિઝર્વ ૭.૩૨૯ કરોડ ઔંસ વધીને ૭.૩૪૫ કરોડ ઔંસે પહોંચી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ટ્રમ્પ દ્વારા ઇઝરાયલના આક્રમણથી અસરગ્રસ્ત થયેલા ગાઝાને રિસૉર્ટ સેન્ટર બનાવવાની હાસ્યાસ્પદ કમેન્ટ બાદ હવે ઈરાન પર પ્રેશર લાવવા માટે કોઈ નવી જાહેરાત બેથી ત્રણ દિવસમાં આવવાની શક્યતા દેખાઈ રહી હોવાથી સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ડૉનલ્ડ ટ્રમ્પની જીત બાદ શરૂ થયેલી સોના-ચાંદીની તેજી શપથવિધિ બાદ વધુ ઝડપથી આગળ વધી રહી છે. સોનું અત્યારે ઑલટાઇમ હાઈ સપાટીએ ચાલી રહ્યું છે. ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ કમેન્ટની હારમાળા ચાલુ હોવાથી ઍનલિસ્ટો સોનાને ઝડપથી ૩૦૦૦ ડૉલરની સપાટી સુધી વધતું જોઈ રહ્યા છે. સોનું સતત છઠ્ઠે સપ્તાહે વધ્યું છે અને ડૉનલ્ડ ટ્રમ્પ હંમેશાં અનપ્રિડિક્ટેબલ રહ્યા છે. આથી પ્રૉફિટ ઘરભેગો કર્યા બાદ આગળ વધવું જરૂરી છે, કારણ કે ઝડપી તેજી બાદ કરેક્શન હાલ ડગ્યું છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૮૪,૬૯૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૮૪,૩૬૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૫,૩૯૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)