બજારની નબળી શરૂઆતનો અંત પણ નબળો રહ્યો, સુધારો આભાસી નીવડ્યો

24 October, 2024 08:31 AM IST  |  Mumbai | Anil Patel

નવા બુલરનમાં પાકિસ્તાની શૅરબજાર નવા શિખર સાથે ૮૭,૦૦૦ની પાર ગયું: બજાર બંધ થયા પછી હિન્દુસ્તાન યુનિલીવરે નબળાં પરિણામ આપ્યાં: બ્રોકરેજ હાઉસની બુલિશ વ્યુની ભરમારમાં હ્યુન્દાઇ સવાચાર ટકા વધ્યો: અમદાવાદી લક્ષ્ય પાવરટેકમાં લગભગ ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન

બોમ્બે સ્ટોક એક્સચેન્જ

નબળા વલણમાં સેન્સેક્સ બુધવારે ૨૯૯ પૉઇન્ટ નીચે, ૭૯,૯૨૧ ખૂલી છેવટે ૧૩૯ પૉઇન્ટના ઘટાડે ૮૦,૦૮૨ તો નિફ્ટી ૩૬ પૉઇન્ટ ઘટી ૨૪,૪૩૫ બંધ થયો છે. નબળા આરંભ બાદ બજાર દિવસના મોટા ભાગે પૉઝિટિવ ઝોનમાં હતું. પાછળથી બે વાગ્યે યુ-ટર્ન લીધો હતો. શૅર આંક ઉપરમાં ૮૦,૬૫૬ અને નીચામાં ૭૯,૮૯૧ થયો હતો. માર્કેટકૅપ ૮૬,૦૦૦ કરોડ વધી ૪૪૫.૩૧ લાખ કરોડ રૂપિયા થયું છે. બજારના સેક્ટોરલ મિશ્ર વલણમાં હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સવાબે ટકા ઝળક્યો હતો. સામે નિફ્ટી ફાર્મા અને હેલ્થકૅરમાં દોઢ ટકાની ખરાબી હતી. રોકડું પ્રમાણમાં સારું રહેતાં માર્કેટ બ્રેડ્થ સારી રહી છે. NSE ખાતે વધેલા ૧૬૩૦ શૅર સામે ૧૧૪૫ જાતો માઇનસ હતી. એશિયા ખાતે હૉન્ગકૉન્ગ સવા ટકો, સાઉથ કોરિયા એક ટકો, ચાઇના અડધો ટકો પ્લસ હતાં. જપાન અને તાઇવાન પોણા ટકાથી વધુ ઢીલાં થયાં હતાં. યુરોપ રનિંગમાં સાધારણથી માંડી અડધા ટકા આસપાસ નરમ હતું. પાકિસ્તાનનું શૅરબજાર નવા બુલરનમાં ૮૭,૩૦૯ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૭૦૭ પૉઇન્ટની આગેકૂચમાં ૮૭,૩૦૯ થયું છે. સોના-ચાંદીમાં જબરી તેજી ચાલે છે. ભાવ નવા શિખર બનાવી રહ્યા છે. વિશ્લેષકો જણાવે છે કે સોનાના ભાવ ચાલુ વર્ષે વિશ્વબજારમાં ૩૨.૫ ટકા વધી ગયા છે જે ૧૯૭૯ પછીનાં ૪૫ વર્ષનો વિક્રમ કહી શકાય. MCX ગોલ્ડ ૨૪ ટકા જેવું અને સિલ્વર ૩૩ ટકા આ વર્ષે વધ્યાં છે. ઘરઆંગણે સોનું ૮૦ હજાર અને ચાંદી એક લાખ રૂપિયા બોલાઈ ચૂક્યાં છે. 

હિન્દુસ્તાન યુનિલીવરે બજાર બંધ થયા પછી નબળાં પરિણામ જાહેર કર્યાં છે. પરિણામ પૂર્વે ઘટેલો શૅર ગુરુવારે વધુ ઢીલો પડી શકે છે. અમદાવાદી લક્ષ્ય પાવરટેક ૧૮૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૩૪૨ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટ સાથે ૩૫૯ બંધ થતાં એમાં ૯૯.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. લિસ્ટિંગમાં નબળો દેખાવ કરનારી હ્યુન્દાઇ મોટર્સ ગઈ કાલે સવાચાર ટકા જેવી વધીને ૧૮૯૭ નજીક બંધ રહી છે. 

ગોદાવરી બાયોરિફાઇનરીઝ પ્રથમ દિવસે માત્ર ૨૯ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પહેલેથી કોઈ કામકાજ નથી. વારિ એનર્જીસનો ઇશ્યુ ૭૯.૪ ગણા અને દીપક બિલ્ડર્સનો આઇપીઓ કુલ ૪૧ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. હાલ વારિમાં ૧૪૭૦ તો દીપકમાં ૫૦નું પ્રીમિયમ બોલાય છે. ૨૪મીએ SME સેગમેન્ટમાં ઉષા ફાઇનૅન્સ સર્વિસિસ શૅરદીઠ ૧૬૮ના ભાવે ૯૮૪૫ લાખનું ભરણું કરવાની છે. પ્રીમિયમ ૪૫ જેવું છે. ડેનિશ પાવર અત્યાર સુધીમાં ૨૧.૨ ગણો, યુનાઇટેડ હીટ ટ્રાન્સફર સવાનવ ગણો તો OBSC પર્ફેક્શન અઢી ગણો ભરાઈ ચૂક્યો છે. ગ્રે માર્કેટ ખાતે ડેનિશમાં ૨૯૦, યુનાઇટેડમાં ૩૧ તથા OBSCમાં ૨૫ના પ્રીમિયમ ક્વોટ થાય છે. એફકૉન્સનો ઇશ્યુ ૨૫મીએ ખૂલશે. પ્રીમિયમ ૪૫ હતું એ વધી હાલ પંચાવન બોલાય છે.

ચાર્ટ પર નબળાઈના સંકેત વચ્ચે આઇટી લાઇમલાઇટમાં

આઇટી ઇન્ડેક્સ ચાર્ટ ઉપર નબળો હોવાની વાતો વચ્ચે ગઈ કાલે સાર્વત્રિક મજબૂતીમાં બે ટકા કે ૮૨૧ ઊંચકાયો છે. અત્રે ૫૬માંથી ૫૦ શૅર વધ્યા હતા. હેવીવેઇટ એક ટકો તો ટીસીએસ સવા ટકો વધતાં બજારને ૧૧૩ પૉઇન્ટ મળી ગયા છે. HCL ટેક્નૉનો સવા ટકાનો સુધારો એમાં બીજા ૨૧ પૉઇન્ટના ઉમેરાનું કારણ બન્યો હતો. ટેક મહિન્દ્રની બે ટકાની તેજી બજારને બીજા ૨૧ પૉઇન્ટ ફળી હતી. વિપ્રો નજીવો સુધર્યો હતો. સાઇડ શૅરમાં સારાં પરિણામના જોરમાં કોફોર્જ ૭૬૩૩ના બેસ્ટ લેવલે જઈ ૧૧ ટકા કે ૭૫૦ની તેજીમાં ૭૫૪૫ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૫૭૬૬ના શિખરે જઈ ૧૧ ટકા નજીક કે ૫૬૪ રૂપિયાના ઉછાળે ૫૭૨૧ બંધ આવ્યો છે. ૬૩ મૂન્સ સાડાસાત ટકાના જમ્પમાં ૪૭૭ હતો. માસ્ટેક, બિરલા સૉફ્ટ, રામકો સિસ્ટમ્સ, સાસ્કેન, ન્યુજેન, એમ્ફાસિસ, ઝેનસાર ૪થી ૫ ટકા ઊચકાયા છે. લાટિમ એકાદ ટકો તો લાર્સન ટેક્નૉ ૩ ટકા અપ હતો. કે સૉલ્વ્સ, તાન્લા પ્લૅટફૉર્મ તથા KPIT ટેક્નૉ બેથી ત્રણ ટકા માઇનસ હતા.

ટેલિકૉમમાં MTNL ૯ ટકાના ઉછાળે ૫૧ વટાવી ગયો છે. HFCL સાડાપાંચ ટકા, તેજસ નેટ સવાચાર ટકા અને સ્ટરલાઇટ ટેક્નૉ પોણાત્રણ ટકા રણક્યા છે. ઇન્ડ્સ ટાવર પરિણામ પાછળ અઢી ટકા ઘટી ૩૫૭ બંધ થતાં પહેલાં ઉપરમાં ૩૮૧ વટાવી ગયો હતો. ભારતી ઍરટેલ નજીવો ઘટ્યો છે. પરિણામ ૨૮મીએ છે. આઇટીની હૂંફમાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક સવા ટકો પ્લસ હતો. ઝી એન્ટરપ્રાઇઝિસ ૧૨૩ના લેવલે જૈસે થે રહ્યો છે. જસ્ટ ડાયલ તથા નેટવર્ક-૧૮માં ચાર-ચાર ટકાની તેજી હતી. સનટીવી સવા ટકો ઢીલો થયો છે.

MCXમાં નવી વિક્રમી સપાટી, BSEનો શૅર ઝળક્યો

આગલા દિવસના ઑલરાઉન્ડ ધબડકા પછી ગઈ કાલે બૅન્કિંગ મિશ્ર વલણમાં જોવાયું છે. બૅન્કિંગના ૪૧માંથી ૨૧ શૅર પ્લસ હતા. આઇઓબી ૫.૪ ટકા, બંધન બૅન્ક પોણાપાંચ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ચાર ટકા, ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક સાડાપાંચ ટકા ઝળક્યા હતા. IDFC ફર્સ્ટ બૅન્ક પોણાત્રણ ટકાની નબળાઈમાં અત્રે ટૉપ લૂઝર બન્યો છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના સુધારા વચ્ચે ૧૮ પૉઇન્ટ જેવો પરચૂરણ ઘટ્યો છે. અત્રે એયુ બૅન્ક સવાબે ટકાના સુધારા સાથે ડિમાન્ડમાં રહ્યો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી મંગળવારના સવાચાર ટકાના ધબડકા પછી ગઈ કાલે અડધો ટકો સુધર્યો છે. અત્રે ૧૨માંથી ૭ શૅર પ્લસ હતા. સ્ટેટ બૅન્કનાં પરિણામ છેક ૮ નવેમ્બરે છે. શૅર અડધો ટકો વધુ ઘટ્યો છે. બૅન્ક ઑફ બરોડાનાં રિઝલ્ટ ૨૫મીએ છે. શૅર પોણાબે ટકા વધી ૨૩૮ થયો છે.

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૪૫ પૉઇન્ટ જેવો સામાન્ય સુધર્યો છે. જોકે અત્રે ૧૫૧માંથી ૯૬ શૅર પૉઝિટિવ ઝોનમાં હતા. PNB હાઉસિંગ ફાઇનૅન્સ પરિણામની પૂર્વસંધ્યાએ અઢી ગણા કામકાજે સાડાઆઠ ટકાની તેજીમાં ૯૪૮ વટાવી ગયો છે. પેટીએમનાં પરિણામમાં વાસ્તવિક રીતે કોઈ ભલીવાર નથી, પણ નૅશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા તરફથી કંપનીને યુપીઆઇ ઍપ્લિકેશન ઉપર નવા ગ્રાહક લેવાની છૂટ આપવામાં આવતાં ભાવ પાંચ ગણા વૉલ્યુમે ૮.૪ ટકા ઊચકાઈ ૭૪૫ થયો છે. મેક્સ ફાઇનૅન્સ સર્વિસિસ રિઝલ્ટ પાછળ આઠ ટકાના ઉછાળે ૧૨૫૫ જોવાયો છે. જિયોજિત ફાઇનૅન્સ સાત ટકા મજબૂત હતો. MCX ૬૯૦૯ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ચાર ટકા કે ૨૫૧ના જમ્પમાં ૬૬૮૩ રહ્યો છે. BSE લિમિટેડ સાડાચાર ટકાના જોરમાં ૪૨૭૩ વટાવી ગયો છે. કેનફીન હોમ્સ, એડલવીસ, મનપ્પુરમ, દૌલત અલ્ગો, નિપ્પોન લાઇફ પોણાચારથી પાંચ ટકા વધ્યા છે.

પરિણામ પાછળ બજાજ ફાઇનૅન્સ ટ્રિપલ સેન્ચુરી મારી ટૉપ ગેઇનર 

અગ્રણી FMCG કંપની આઇટીસીનાં પરિણામ ગુરુવારે છે. કંપની ૧૭,૭૧૦ કરોડની આવક પર માંડ બે ટકાના વૃદ્ધિદરમાં ૫૦૨૩ કરોડ નેટ નફો કરે એવી એકંદર ધારણા છે. શૅર ગઈ કાલે સાંકડી વધઘટે અથડાઈ નહીંવત ઘટીને ૪૮૦ પર બંધ હતો. બજાજ ફીનસર્વએ ૮ ટકાના વધારામાં ૨૦૮૭ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. આવક ૨૯ ટકા વધી છે. શૅર એકાદ ટકો પ્લસ હતો તો એની સબસિડિયરી બજાજ ફાઇનૅન્સે મંગળવારે બજાર બંધ થયા પછી ૨૭.૭ ટકાના વધારામાં ૧૭,૦૯૫ કરોડની આવક પર ૧૩ ટકાના વૃદ્ધિદરથી ૪૦૪૧ કરોડ નફો કર્યો છે. NPA થોડીક વધી છે. આમ છતાં ગઈ કાલે ભાવ ઉપરમાં ૭૦૯૯ થઈ પાંચેક ટકા કે ૩૩૦ રૂપિયાની તેજીમાં ૭૦૦૮ બંધ સાથે બન્ને મેઇન બેન્ચમાર્કમાં ટૉપ ગેઇનર રહ્યો છે. અન્યમાં ટેક મહિન્દ્ર બે ટકા, બજાજ ઑટો ૨.૧ ટકા, તાતા કન્ઝ્યુમર દોઢ ટકા, કોલ ઇન્ડિયા સવા ટકો પ્લસ હતા. HDFC બૅન્ક સવા ટકો વધી ૧૭૩૬ના બંધમાં બજારને સર્વાધિક ૧૪૧ પૉઇન્ટ ફળી છે. ICICI બૅન્ક ૧.૩ ટકા ઘટી ૯૯ પૉઇન્ટ નડી છે.

મહિન્દ્ર ૩.૩ ટકા ખરડાઈ ૨૭૯૦ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. સનફાર્મા ૨.૮ ટકા, પાવર ગ્રીડ ૧.૯ ટકા, લાર્સન ૧.૬ ટકા, NTPC પોણાબે ટકા, અદાણી પોર્ટ્સ ૧.૬ ટકા, ઍક્સિસ બૅન્ક સવા ટકો, આઇશર મોટર્સ ૧.૭ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ પોણાબે ટકા, સિપ્લા ૧.૬ ટકા ડાઉન હતા. માથે પરિણામ વચ્ચે હિન્દુસ્તાન લીવર એકાદ ટકો ઘટી ૨૬૫૮ હતો. રિલાયન્સ સાધારણ ઘટી ૨૬૭૮ રહ્યો છે. મારુતિ ફ્લૅટ હતો. નેસ્લે એક ટકો નરમ પડ્યો છે.

અનિલ અંબાણીનો સિતારો ગર્દિશમાંથી બહાર આવી રહ્યો છે

અનિલ અંબાણીનો સિતારો બદલાઈ રહ્યો લાગે છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આગામી ૧૦ વર્ષમાં મહારાષ્ટ્રના રત્નાગિરિ ખાતે ૧૦ હજાર કરોડના રોકાણથી જંગી ડિફેન્સ પ્રોજેક્ટ નાખવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ એની સબસિડિયરી રિલાયન્સ ડિફેન્સ કાર્યરત કરશે. આ જાહેરાતમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૬૭ બંધ રહ્યો છે. રિલાયન્સ પાવર પણ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૪૦ ઉપર બંધ હતો. અંબર એન્ટરપ્રાઇઝિસ ખોટમાંથી નફામાં આવતાં શૅર ૬૮૧૫ના શિખરે જઈ ૧૨.૭ ટકા કે ૭૧૯ના ઉછાળે ૬૩૯૯ થયો છે. દીપક ફર્ટિલાઇઝર્સનાં પરિણામ ૨૯મીએ છે. શૅર ૯ ગણા કામકાજે સાડાસોળ ટકા કે ૧૫૮ના જમ્પમાં ૧૧૧૭ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. ફર્સ્ટ સૉર્સ સૉલ્યુશન્સ ૩૬૧ની નવી ટૉપ બતાવી બાર ટકા ઊચકાઈ ૩૫૧ વટાવી ગયો છે. ચેન્નઈ પેટ્રો નફામાંથી ભારે ખોટમાં સરી પડતાં ભાવ નીચામાં ૭૫૧ થઈ સાડાદસ ટકા તૂટી ૭૮૬ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર હતો. એબીબી ઇન્ડિયાનાં પરિણામ ૪ નવેમ્બરે છે, શૅર ૫.૭ ટકા કે ૪૬૪ લથડી ૭૭૧૦ રહ્યો છે. સિમેન્સ પણ પાંચ ટકા કે ૩૬૩ની ખરાબીમાં ૬૮૭૨ હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૮૦૬ પૉઇન્ટ કે સવા ટકો કટ થયો એમાં આ બે શૅરનો ફાળો ૩૧૭ પૉઇન્ટ હતો. જોકે લાર્સન અત્રે ૩૫૬ પૉઇન્ટ નડ્યો હતો. એનાં રિઝલ્ટ ૩૦મીએ છે. કોચીન શિપયાર્ડ સાડાત્રણ ટકા વધુ નબળો પડ્યો છે પણ ગાર્ડન રિચ સવાબે ટકા અને માઝગાવ ડૉક પોણો ટકો પ્લસ હતા.

હેલ્થકૅરમાં વૉકહાર્ટ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૦૭૨ બંધ આપી મોખરે હતો. સનફાર્માનાં પરિણામ ૨૮મીએ છે ત્યારે ભાવ પોણાત્રણ ટકા ગગડી ૧૮૩૪ની અંદર ઊતરી ગયો છે. યુનિકેમ લૅબ સાડાછ ટકા પટકાઈ ૮૦૦ હતો. જિયો ફાઇનૅન્સ વીમા ક્ષેત્રે ઝંપલાવવા બજાજ ગ્રુપની હાલની પાર્ટનર એલાયન્ઝ સાથે જોડાણ કરવા સક્રિય બની હોવાના અહેવાલ છે. શૅર જોકે નજીવો સુધરી ૩૧૫ હતો. મહિન્દ્ર ફાઇનૅન્સ પરિણામ પાછળ પાંચેક ટકા બગડી ૨૬૮ હતો. લાર્સન ફાઇનૅન્સમાં બ્રોકરેજ હાઉસ HSBCનો બેરિશ વ્યુ આવ્યો છે પણ શૅર સવાબે ટકા વધી ૧૫૦ બંધ હતો.

 

sensex nifty hyundai reliance stock market share market bombay stock exchange ipo gold silver price business news