13 December, 2025 08:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
રીટેલ ઇન્ફ્લેશનના મુદ્દે ગઈ કાલે જાહેર કરાયેલા કામચલાઉ ડેટા અનુસાર ગયા વર્ષના નવેમ્બર મહિનાની તુલનામાં નવેમ્બર ૨૦૨૫માં ભારતનો છૂટક ફુગાવો વધીને ૦.૭૧ ટકા થયો હતો.
ઑક્ટોબરની તુલનામાં આ ૪૬૬ બેસિસ પૉઇન્ટનો વધારો દર્શાવે છે. આ વધારો મુખ્યત્વે શાકભાજી, ઈંડાં, માંસ અને માછલી, મસાલા, ઈંધણ અને વીજળીના ઊંચા ભાવને કારણે થયો હતો. નવેમ્બરમાં ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં ફુગાવો વધ્યો હતો.
કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI)માં નવેમ્બરમાં ૩.૯૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, પણ ઑક્ટોબરમાં ૫.૦૨ ટકાનો વધુ તીવ્ર ઘટાડો નોધાયો હતો. ગ્રામીણ ખાદ્ય ફુગાવો માઇનસ ૪.૦૫ ટકા પર આવ્યો, જ્યારે શહેરી ખાદ્ય ફુગાવો માઇનસ ૩.૬૦ ટકા પર રહ્યો હતો.
ખાદ્ય પદાર્થોના ડિફ્લેશનમાં ૧૧૧ બેસિસ પૉઇન્ટનો ઘટાડો દર્શાવે છે કે મહિના દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને નાશવંત વસ્તુઓ વધુ મોંઘી થઈ હતી.
આ ડેટા સંકેત આપે છે કે એકંદરે ફુગાવો નીચો રહે છે, પરંતુ ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો સૂચવે છે કે પાછલા મહિનાઓમાં જોવા મળેલો ઘટાડો સપાટ થઈ રહ્યો છે. શાકભાજી અને પ્રોટીનની વસ્તુઓએ આ વધારામાં સૌથી મોટો ફાળો આપ્યો હતો અને આગામી કેટલાક મહિનાઓમાં એમની ગતિ નક્કી કરશે કે આ વલણ ચાલુ રહેશે કે નહીં. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ આંકડાઓથી રિઝર્વ બૅન્કનું નીતિગત વલણ તાત્કાલિક બદલાવાની શક્યતા નથી, પરંતુ ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો એને સાવધ રાખી શકે છે.