એપ્રિલથી જુલાઈમાં ભારતની નાણાકીય ખાધ ઓછી થઈને ૪.૫૫ લાખ કરોડ રૂપિયા નોંધાઈ

01 September, 2026 07:09 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રાખેલા લક્ષ્યાંકના ૨૬.૮ ટકા જેટલી જ ખાધ નોંધાઈ

નિર્મલા સીતારમણ

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ (FY૨૭)ના પ્રથમ ૪ મહિનામાં એટલે કે એપ્રિલથી જુલાઈ વચ્ચે ભારતની નાણાકીય ખાધ ૪.૫૫ લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે. સરકારી આંકડાઓ અનુસાર આ ખાધ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા વાર્ષિક બજેટના લક્ષ્યાંકના ૨૬.૮ ટકા જેટલી છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં ૨૯.૯ ટકા હતી. આમ દેશની નાણાકીય ખાધમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ સમયગાળા દરમ્યાન સરકારની કુલ આવક ૧૩.૦૭ લાખ કરોડ રૂપિયા અને કુલ ખર્ચ ૧૭.૬૨ લાખ કરોડ રૂપિયા રહ્યો છે. કુલ આવકમાં ૮.૪૫ લાખ કરોડ રૂપિયાની ટૅક્સની આવક અને ૪.૨૩ લાખ કરોડ રૂપિયાની નૉન-ટૅક્સ આવકનો સમાવેશ થાય છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા કેન્દ્ર સરકારને ૨.૮૭ લાખ કરોડ રૂપિયાનું જંગી ડિવિડન્ડ ચૂકવવામાં આવતાં નૉન-ટૅક્સ આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે જેણે ખાધ ઘટાડવામાં મોટી મદદ કરી છે.

ઉલ્લેખનીય છે કે નાણાપ્રધાને બજેટમાં દેશની નાણાકીય ખાધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના ૪.૩ ટકા સુધી સીમિત રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે એપ્રિલથી જુલાઈમાં અનાજ, ખાતર અને પેટ્રોલિયમ સહિતની સબસિડી પાછળ ૧.૫૪ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે જે વાર્ષિક અંદાજના ૩૭ ટકા છે. 

business news nirmala sitharaman indian economy india finance news finance ministry