એપ્રિલ મહિનામાં GST કલેક્શન ઑલટાઇમ હાઈ ૨.૪૨ લાખ કરોડ રૂપિયાને પાર

02 May, 2026 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુનિયાભરમાં ઊથલપાથલ પણ ભારતનું અર્થતંત્ર ફૂલગુલાબી, નવા નાણાકીય વર્ષના પહેલા જ મહિનામાં મળ્યા ગુડ ન્યુઝ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વૈશ્વિક ઊથલપાથલ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારની તિજોરી ભરાઈ રહી છે. એપ્રિલ મહિનામાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નું કલેક્શન ૨.૪૨ લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે જે તમામ રેકૉર્ડ તોડી નાખે છે. આમ ભારતના અર્થતંત્રે નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ની શરૂઆત સકારાત્મક રીતે કરી છે. એપ્રિલ ૨૦૨૬માં GST કલેક્શનના આંકડા ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૮.૭ ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો દર્શાવે છે કે વૈશ્વિક પડકારો છતાં સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ સ્થિર રહી છે અને બજારની માગણી અકબંધ રહે છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં GST કલેક્શન ૨.૨૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. GST કલેક્શન અર્થતંત્રના સ્વાસ્થ્યને પ્રતિબિંબિત કરે છે. કલેક્શન વધારે છે એ સૂચવે છે કે હાઈ-વૅલ્યુ ખરીદીમાં વધારો થયો છે, ફૅક્ટરી-ઉત્પાદનમાં વધારો થયો છે અને લોકો પ્રામાણિકતાથી કરની ચુકવણી કરે છે.

ઇમ્પોર્ટથી થતી આવકમાં ૨૫.૮ ટકાનો વધારો

આ વર્ષે GST વૃદ્ધિમાં વિદેશી વેપાર અથવા આયાતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. કુલ આયાત આવક ૨૫.૮ ટકા વધીને ૫૭,૫૮૦ કરોડ રૂપિયા થઈ હતી. દરમ્યાન, કુલ સ્થાનિક આવકમાં ૪.૩ ટકાનો સાધારણ વધારો થયો હતો અને એ ૧.૮૫ લાખ કરોડ રૂપિયા રહી હતી.

એપ્રિલ કલેક્શન હંમેશાં વધારે

દર વર્ષે એપ્રિલમાં GST કલેક્શન વધારે હોય છે કારણ કે માર્ચમાં નાણાકીય વર્ષના અંતે કંપનીઓ આખા વર્ષ માટે એમના હિસાબોનું સમાધાન કરે છે. 

રીફન્ડ પછીની આવક

કુલ રીફન્ડ ગયા વર્ષની સરખામણીમાં ૧૯.૩ ટકા વધીને ૩૧,૭૯૩ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. રીફન્ડ બાદ કર્યા પછી સરકારની ચોખ્ખી આવક ૨,૧૦,૯૦૯ કરોડ રૂપિયા થઈ હતી.

મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત મોખરે

ટૅક્સ કલેક્શનમાં રાજ્યોની કામગીરીમાં સુધારો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત જેવાં મોટાં રાજ્યોએ સરકારી તિજોરીમાં સૌથી વધુ ફાળો આપ્યો હતો. ઉત્તર અને દક્ષિણ ભારતનાં ઘણાં રાજ્યોમાં પણ ટૅક્સ કલેક્શનના આંકડામાં વધારો જોવા મળ્યો છે.

goods and services tax india maharashtra gujarat indian economy business news