31 October, 2024 08:50 AM IST | Mumbai | Mayur Mehta
સોનાની પ્રતીકાત્મક તસવીર
સોનાના ભાવમાં દિવાળી ધમાકો જોવા મળ્યો હતો. મુંબઈ સહિત સમગ્ર વર્લ્ડમાં સોનાનો ભાવ નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ૨૦૨૪માં અત્યાર
સુધીમાં ૩૪ ટકા વધ્યો છે જે પણ નવો રેકૉર્ડ છે.
અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન અગાઉના અનિશ્ચિતતાના માહોલથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં વર્લ્ડ માર્કેટમાં ફરી એક વખત સોનાનો ભાવ નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૭૯૦.૧૦ ડૉલર અને ચાંદી વધીને ૧૨ વર્ષની ઊંચાઈએ ૩૪.૫૭ ડૉલરે પહોંચી હતી. અમેરિકાની અગ્રણી બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની ગોલ્ડમૅન સાક્સે ૨૦૨૫ના આરંભે સોનું વધીને ૨૯૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી તેમ જ અન્ય ઍનલિસ્ટોએ અગાઉ સોનું ૨૦૨૫માં વધીને ૩૦૦૦ ડૉલરની આગાહી કરી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીનો ભાવ સતત ત્રીજે દિવસે વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૩૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૬૭ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના જૉબ-ઓપનિંગ નંબર્સ સપ્ટેમ્બરમાં ૪.૧૮ લાખ ઘટીને ૪૪ મહિનાની નીચી સપાટીએ ૭૪.૪૩ લાખે પહોંચ્યા હતા જે ઑગસ્ટમાં ૭૮.૬૧ લાખ હતા અને માર્કેટની ૭૯.૯૦ લાખની ધારણા કરતાં ઘણા ઓછા આવ્યા હતા. ખાસ કરીને હેલ્થકૅર, સોશ્યલ અસિસ્ટન્ટ અને ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જૉબ-ઓપનિંગ ઘટ્યાં હતાં. અમેરિકામાં જૉબ ગુમાવનારાઓની સંખ્યા સપ્ટેમ્બરમાં ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ ૩૦.૭૧ લાખે પહોંચી હતી જે ઑગસ્ટમાં ૩૧.૭૮ લાખ હતી. પ્રોફેશનલ અને બિઝનેસ સર્વિસિસમાં સૌથી વધુ જૉબ ગુમાવનારા હતા, પણ રિયલ એસ્ટેટ, લીઝિંગ અને ગવર્નમેન્ટ પ્રોફેશનમાં જૉબ ગુમાવનારાઓની સંખ્યા ઘટી હતી.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ નજીવી વધ-ઘટ સાથે ત્રણ મહિનાની ઊંચાઈએ ૧૦૪.૨૯ પૉઇન્ટે જળવાયેલો હતો. નબળા જૉબ-ઓપનિંગ રિપોર્ટ સામે લે-ઑફ રિપોર્ટ અને કન્ઝ્યુમર કૉન્ફિડન્સ રિપોર્ટ સ્ટ્રૉન્ગ આવ્યો હોવાથી ડૉલર પર મિક્સ ઇફેક્ટ પડી હતી, પણ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ટ્રમ્પના જીતવાના ચાન્સ મજબૂત હોવાથી ડૉલરને સપોર્ટ મળ્યો હતો તેમ જ બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં ફેરફાર થવાના કોઈ ચાન્સ દેખાતાં ન હોવાથી ડૉલરની મજબૂતી જળવાયેલી હતી.
અમેરિકાના ટૉપ લેવલનાં વીસ શહેરોમાં રહેણાક મકાનોના ભાવ ઑગસ્ટમાં ૫.૨ ટકા વધ્યા હતા જે વધારો છેલ્લા દસ મહિનાનો સૌથી ઓછો હતો. જુલાઈમાં રહેણાક મકાનોના ભાવ ૫.૪ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૫.૧ ટકા વધારાની હતી. અમેરિકાની ગુડ્સ ટ્રેડ ડેફિસિટ સપ્ટેમ્બરમાં વધીને બે વર્ષની ઊંચાઈએ ૧૦૮.૨ અબજ ડૉલરે પહોંચી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીનની ટૉપ લેવલની પૉલિટિકલ કમિટીની મીટિંગ ૪થી ૮ નવેમ્બરના રોજ યોજાવાની છે. આ મીટિંગમાં ૧.૪ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરના સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત થવાની સંભાવના ટૉપ લેવલના મીડિયાહાઉસ દ્વારા બતાવાઈ રહી છે, જેમાં આઇડલ લૅન્ડ અને પ્રૉપટીને ખરીદવા માટેના પૅકેજનો પણ સમાવેશ થશે. ખાસ કરીને જો અમેરિકન પ્રેસિડન્ટપદે ટ્રમ્પ ચૂંટાશે તો આ પૅકેજ વધુ મોટું આવવાની સંભાવના પણ છે, કારણ કે ટ્રમ્પે ઇલેક્શન કૅમ્પેનમાં ચીનની પ્રોડક્ટ પર ૬૦ ટકા ટૅરિફ લાદવાની ઘોષણા કરી હતી જેને કારણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડને મોટી અસર પડી શકે છે જેનો સીધો ફટકો ચાઇનીઝ ઇકૉનૉમીને પડશે. ચાઇનીઝ માર્કેટમાં વધુ ને વધુ નાણાં ઠલવાય એ માટેના પ્રયત્ન આ પૅકેજમાં કરવામાં આવશે. ચીન વર્લ્ડનું ટૉપ લેવલનું સોના-ચાંદીનું વપરાશકાર અને આયાતકાર હોવાથી આ પૅકેજ બાદ સોના-ચાંદીની તેજીને એક વધારાનો સપોર્ટ મળશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૯,૫૮૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ); ૭૯,૨૬૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૮,૦૪૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)