પુતિને ટ્રમ્પ સાથે રશિયા-યુક્રેન યુદ્ધ-સમાપ્તિની મંત્રણાની ઉત્સુકતા બતાવતાં સોનું ઘટ્યું

24 December, 2024 08:23 AM IST  |  Mumbai | Mayur Mehta

ટ્રમ્પના શાસનમાં ટૅરિફવૉર ફાટી નીકળવાના ભયે ડૉલર ઇન્ડેક્સની મજબૂતીથી સોનામાં સુસ્ત ખરીદી : મુંબઈમાં એકધારા ઘટાડા બાદ નીચા મથાળે ખરીદી વધતાં સોના-ચાંદી વધ્યાં

પ્રતીકાત્મક તસવીર

રશિયન પ્રેસિડન્ટ પુતિને રશિયા-યુક્રેન યુદ્ધ-સમાપ્તિ બાબતે ટ્રમ્પ સાથે મુલાકાત માટે ઉત્સુકતા બતાવતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૬૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૩૫૫ રૂપિયા વધ્યો હતો. ગયા સપ્તાહે સોનામાં ૧૫૪૫ રૂપિયા અને ચાંદીમાં ૪૮૪૩ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર હેડલાઇન પ્રાઇસ ડેટા નવેમ્બરમાં સતત બીજે મહિને વધીને ૨.૪ ટકાએ પહોંચ્યા હતા જે ઑક્ટોબરમાં ૨.૩ ટકા હતા અને માર્કેટની ધારણા ૨.૫ ટકાની હતી. જ્યારે કોર પ્રાઇસ ડેટા ૨.૮ ટકાએ સ્ટેડી રહ્યા હતા, પણ ૨.૯ ટકાની ધારણા કરતાં ઓછા રહ્યા હતા. પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર ડેટા ઘટીને આવતાં ૨૦૨૫માં રેટ-કટના ચાન્સ ફરી વધતાં ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૭.૬૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, પણ ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો વધુ ટક્યો નહોતો, કારણ કે ટ્રમ્પના ટૅરિફવૉરને કારણે ઇન્ફ્લેશન વધતાં ૨૦૨૫માં બે વખત
રેટ-કટનું પ્રોજેક્શન છતાં ફેડ રેટ-કટ કરી શકશે કે કેમ એ વિશે શંકા હોવાથી ડૉલર ઇન્ડેક્સ ફરી વધીને ૧૦૮.૧૭ પૉઇન્ટે પહોંચ્યા બાદ સાંજે ૧૦૮.૧૨ પૉઇન્ટે સ્ટેડી રહ્યો હતો.

અમેરિકન પબ્લિકનું પર્સનલ સ્પે​ન્ડિંગ નવેમ્બરમાં ૦.૪ ટકા વધ્યું હતુ જે ઑક્ટોબરમાં પણ ૦.૪ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૫ ટકા વધવાની હતી. અમેરિકન પબ્લિકની પર્સનલ ઇન્કમ નવેમ્બરમાં ૦.૩ ટકા વધી હતી જે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી ઓછો વધારો હતો અને ઑક્ટોબરમાં ૦.૭ ટકાના વધારા કરતાં ઘણો ઓછો વધારો હતો. વળી માર્કેટની ધારણા પણ ૦.૪ ટકા વધારાની હતી એના કરતાં પણ વધારો ઓછો થયો હતો.

અમેરિકાનો કન્ઝ્યુમર સે​ન્ટિમેન્ટ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં વધીને આઠ મહિનાની ઊંચી સપાટીએ ૭૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૭૧.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૭૩.૩ પૉઇન્ટની હતી. અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટતાં કન્ઝ્યુમરમાં ગ્રોથ માટે વિશ્વાસ વધ્યો હતો. અમેરિકાનું આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઘટીને ૨.૮ ટકા રહ્યું હતું જે એક મહિના અગાઉ ૨.૯ ટકા હતું તેમ જ આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઘટીને ત્રણ ટકા રહ્યું હતું જે એક મહિના અગાઉ ૩.૧ ટકા હતું અને બે મહિના પહેલાં ૩.૨ ટકા હતું.

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ સતત બીજે મહિને બેન્ચમાર્ક લૅ​ન્ડિંગ રેટ જાળવી રાખ્યા હતા. એક વર્ષ માટેના લોન પ્રાઇમ રેટ ૩.૧ ટકા અને પાંચ વર્ષના લોન પ્રાઇમ રેટ ૩.૬ ટકા જાળવી રાખ્યા હતા.

જપાનનું હેડલાઇન ઇન્ફ્લેશન નવેમ્બરમાં વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ૨.૯ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ૨.૩ ટકા હતું, જ્યારે કોર ઇન્ફ્લેશન પણ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૨.૭ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ૨.૩ ટકા હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બનશે ત્યાર બાદ અનેક કન્ટ્રોવર્શિયલ અને ટ્રેડવૉરને લગતા નિર્ણયો લેશે એવું નિશ્ચિત મનાય રહ્યું છે, પણ પ્રેસિડન્ટ બન્યા પહેલાં પણ દરરોજ નવા-નવા ફણગા ફૂટી રહ્યા છે. સોમવારે ટ્રમ્પે જાહેર કર્યું હતું કે રશિયન પ્રેસિડન્ટ પુતિન યુક્રેન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા બાબતે મને ઝડપથી મળવા આતુર છે. ટ્રમ્પે અગાઉ રશિયન-યુક્રેન યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થાય એ માટે સક્રિય ભૂમિકા ભજવવાનું ચૂંટણીઢંઢેરામાં જણાવ્યું હતું અને રશિયા-યુક્રેન યુદ્ધ બાબતે બાઇડનની પૉલિસીની ભારે ટીકા કરી હતી. આમ જો ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ રશિયા અને યુક્રેનનું યુદ્ધ સમાપ્ત થશે તો સોનામાં સેફ હેવન ડિમાન્ડ ઘટતાં પ્રત્યાઘાતી ઘટાડો આવી શકે છે.

ભાવ તાલસોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૫,૯૪૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૫,૬૪૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૮૭,૪૮૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

 

business news gold silver price election commission of india gujarati mid-day