બ્રિજભૂષણને હોદ્દા પરથી હટાવવાની તેમ જ ડબ્લ્યુએફઆઇનું વિસર્જન કરવાની રેસલર્સની માગણી છે
દિલ્હીના જંતર મંતર ખાતે ગઈ કાલે વહેલી સવારે કાતિલ ઠંડી વચ્ચે બેઠેલા કુસ્તીબાજો (ડાબેથી) બજરંગ પુનિયા, અંશુ મલિક, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને અન્ય રેસલર્સ. તસવીર એ.એફ.પી.
ત્રણ વખત કૉમનવેલ્થ ગેમ્સનું મેડલ જીતી ચૂકેલી અને બીજેપીની નેતા બબીતા ફોગાટ કેન્દ્ર સરકાર પાસેથી મળેલા ‘સંદેશ’ સાથે ગઈ કાલે દિલ્હીમાં જંતર મંતર ખાતે આંદોલન કરી રહેલા દેશના કુસ્તીબાજો પાસે આવી હતી અને તેમને ખાતરી આપી હતી કે ‘હું તમારી માગણી પૂરી કરાવવા પૂરો પ્રયાસ કરીશ.’
લગભગ એક દાયકાથી રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ડબ્લ્યુએફઆઇ)ના પ્રમુખસ્થાને રહેલા બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહ સરમુખત્યાર જેવું વલણ રાખે છે અને
મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરે છે એવો આક્ષેપ બુધવારે કુસ્તીબાજોએ કર્યો હતો. આંદોલનમાં સામેલ કુસ્તીબાજોમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા, અંશુ મલિક વગેરેનો સમાવેશ છે. મોટા ભાગના રેસલર્સ હરિયાણામાંથી આવતા હોય છે અને આ રાજ્યને થોડા સમયથી અન્યાય થઈ રહ્યો હોવાનો કુસ્તીબાજોનો આક્ષેપ છે.
બ્રિજભૂષણને હોદ્દા પરથી હટાવવાની તેમ જ ડબ્લ્યુએફઆઇનું વિસર્જન કરવાની રેસલર્સની માગણી છે. આ માગણી નહીં સંતોષાય ત્યાં સુધી કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ નહીં લઈએ એવી પણ કુસ્તીબાજોની ડિમાન્ડ છે. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ બબીતા ફોગાટે કુસ્તીબાજોને એવું પણ કહ્યું કે ‘હું પહેલાં રેસલર અને પછી રાજકારણી છું. કુસ્તીબાજોની તકલીફોથી હું બરાબર વાકેફ છું. હું તેમની માગણીઓનો ઉકેલ લાવવાની કોશિશ કરીશ.’
સરકારે બ્રિજભૂષણ સામેના આક્ષેપોની તપાસ માટે ત્રણ મેમ્બર્સની કમિટી રચી છે.
રેસલર્સ રાતે મંદિરમાં રહ્યા, નાસ્તામાં પ્રસાદ ખાધો
આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ઑલિમ્પિયન રેસલર્સ બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને અન્ય ટોચના કુસ્તીબાજો બુધવારે દિલ્હીના જંતર મંતર મેદાનમાં આંદોલન શરૂ કર્યા બાદ એ દિવસે રાતે ચાંદની ચૌકના એક મંદિરમાં રહ્યાં હતાં અને સવારે બ્રેકફાસ્ટમાં ત્યાંનો પ્રસાદ લીધા પછી પાછા જંતર મંતર ગ્રાઉન્ડ પર આવી ગયાં હતાં.
મારી સામેના આક્ષેપો વિશે સીબીઆઇની કે પોલીસની તપાસ થાય એ સામે મને કોઈ વાંધો નથી. મારા તરફથી કોઈ જ સરમુખત્યારશાહીભર્યું વલણ નથી. મોતની ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર રેસલર વિનેશ ફોગાટ એ વખતે પોલીસ પાસે કેમ ન ગઈ? કેમ પીએમને કે સ્પોર્ટ્સ મિનિસ્ટરને ન મળી? કેમ હવે આવા આક્ષેપો કરે છે? બ્રિજભૂષણ શરણ સિંહ