૧૯ વર્ષની મીરા ઍન્ડ્રીવાએ પોતાના ડૉગીને સાથે રાખીને કરી પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ જીતવાની ઉજવણી

08 June, 2026 03:06 PM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

તેની મોટી બહેન એરિકા ઍન્ડ્રીવા પણ પ્રોફેશનલ ટેનિસ-પ્લેયર છે.

મીરા ઍન્ડ્રીવાના એક હાથમાં ટ્રોફી અને બીજા હાથમાં પોતાનો ડૉગી, રનરઅપ ખેલાડીના શીલ્ડ સાથે માયા ચ્વાલિન્સ્કા.

પૅરિસમાં આયોજિત ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રૅન્ડ સ્લૅમની વિમેન્સ સિંગલ્સ ફાઇનલમાં રશિયાની ૧૯ વર્ષની મીરા ઍન્ડ્રીવા ટાઇટલ જીતી હતી. આઠમો વિશ્વક્રમાંક ધરાવતી મીરા રોલેન્ડ ગેરોસની રેડ ક્લે કોર્ટ પર પોલૅન્ડની ૧૧૪મા વિશ્વક્રમાંકની માયા ચ્વાલિન્સ્કા સામે ૬-૩, ૬-૨થી ફાઇનલ મૅચ જીતી હતી. તેણે ટ્રોફી સાથે ઉજવણી દરમ્યાન એક હાથમાં પોતાના ડૉગીને સાથે રાખીને આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. કરીઅરનું પહેલવહેલું ગ્રૅન્ડ સ્લૅમ જીતીને મીરા ઍન્ડ્રીવા સ્ટાર ખેલાડી મારિયા શારાપોવા (૨૦૧૪) બાદ ફ્રેન્ચ ઓપન જીતનાર બીજી રશિયન મહિલા બની છે. ૧૯૯૨માં મોનિકા સેલેસ (૧૮ વર્ષ) પછી આ ખિતાબ જીતનાર સૌથી નાની ઉંમરની મહિલા ચૅમ્પિયન બની છે. ૨૦૦૫ પછી જન્મેલા ખેલાડીઓમાં ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર તે વિશ્વની સૌથી પહેલી ટેનિસ-સ્ટાર બની છે. મીરાની ટેનિસ-જર્નીમાં તેનાં મમ્મી-પપ્પાએ મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. મીરાનાં ફન્ડ અને સ્પૉન્સરશિપ સહિતનાં કામ તેનાં મમ્મી-પપ્પા જ સંભાળે છે. તેની મોટી બહેન એરિકા ઍન્ડ્રીવા પણ પ્રોફેશનલ ટેનિસ-પ્લેયર છે.

french open tennis news russia sports sports news paris