પી. વી. સિંધુએ ૨૬ મહિના અને લક્ષ્ય સેને ૧૬ મહિના બાદ ટાઇટલના દુકાળનો અંત આણ્યો

02 December, 2024 07:49 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

સિંધુએ ત્રીજી વાર અને લક્ષ્ય સેને પહેલી વાર સૈયદ મોદી બૅડ્‌મિન્ટન ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું

પી. વી. સિંધુ, લક્ષ્ય સેન

ઉત્તર પ્રદેશના લખનઉમાં આયોજિત સૈયદ મોદી ઇન્ટરનૅશનલ બૅડ્‌મિન્ટન ટુર્નામેન્ટની ૧૩મી સીઝનથી ભારતના સ્ટાર બૅડ્‌મિન્ટન પ્લેયર્સ ફૉર્મમાં પરત ફર્યા છે. સિંધુએ ૪૭ મિનિટ ચાલેલી વિમેન્સ સિંગલ્સ ફાઇનલ મૅચમાં ચીનની પ્લેયર્સ સામે ૨૧-૧૪, ૨૧-૧૬થી જીત મેળવી છે, જ્યારે લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સ ફાઇનલ મૅચમાં સિંગાપુરના પ્લેયર સામે ૩૧ મિનિટમાં ૨૧-૬, ૨૧-૭થી જીત મેળવી છે.

પી. વી. સિંધુએ ૨૬ મહિના અને લક્ષ્ય સેને ૧૬ મહિના બાદ ટાઇટલના દુકાળને સમાપ્ત કર્યો છે. સિંધુએ છેલ્લે જુલાઈ ૨૦૨૨માં સિંગાપુર ઓપન અને લક્ષ્ય સેને છેલ્લે જુલાઈ ૨૦૨૩માં કૅનેડા ઓપનનું ટાઇટલ જીત્યું હતું. લક્ષ્ય સેનનું આ ટુર્નામેન્ટનું પહેલું ટાઇટલ છે. ૨૦૧૭ અને ૨૦૨૨ બાદ ત્રીજી વાર આ ટાઇટલ જીતીને સિંધુએ સાઇના નેહવાલના રેકૉર્ડની બરાબરી કરી છે જેણે ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૫ એમ સૌથી વધુ ત્રણ વાર વિમેન્સ સિંગલ્સનું આ ટાઇટલ જીત્યું હતું.

આ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીતનાર ગાયત્રી ગોપીચંદ અને ત્રીસા જૉલી પહેલી ભારતીય જોડી બની છે. મિક્સ ડબલ્સ અને મેન્સ ડબલ્સમાં ભારતીય પ્લેયર્સ ટાઇટલની ખૂબ નજીક પહોંચીને હાર્યા હતા. આ ટુર્નામેન્ટમાં ૨૦૦૯ અને ૨૦૧૭ બાદ ત્રીજી વાર ભારતીય ટીમે ત્રણ-ત્રણ ટાઇટલ જીત્યાં છે. 

badminton news pv sindhu p.v. sindhu sports sports news