25 January, 2025 08:40 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent
ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં શરૂ થયેલા હૅમસ્ટ્રિંગના દુખાવાને કારણે સેમી ફાઇનલ મૅચમાંથી ખસી ગયો નોવાક જૉકોવિચ.
સર્બિયાના ૩૭ વર્ષના ટેનિસ-સ્ટાર નોવાક જૉકોવિચે ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ઓપનની મેન્સ સિંગલ્સ સેમી ફાઇનલમાંથી અધવચ્ચેથી ખસી જઈને સૌને ચોંકાવી દીધા હતા. જર્મનીના પ્લેયર ઍલેક્ઝાન્ડર ઝેરેવ સામે પહેલો સેટ હાર્યા બાદ તેણે નેટની આસપાસ ચક્કર લગાવ્યા અને મૅચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. આ પહેલાં ક્વૉર્ટર ફાઇનલ મૅચ દરમ્યાન જૉકોવિચની હૅમસ્ટ્રિંગમાં દુખાવો થયો હતો. સેમી ફાઇનલ મૅચમાં તેનો દુખાવો વધી જતાં તેણે આ નિર્ણય લેવો પડ્યો હતો.
આ મૅચમાં ઊતરતાંની સાથે તે ગ્રૅન્ડ સ્લૅમની ૫૦ સેમી ફાઇનલ મૅચ રમનાર જગતનો પહેલો ટેનિસપ્લેયર બન્યો છે. સૌથી વધુ ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર જૉકોવિચ પોતાના ૧૧મા ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ અને એકંદરે પચીસમા ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલની નજીક હતો. પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર આ સ્ટાર પ્લેયરે ગયા વર્ષે ઘૂંટણની ઈજાને કારણે ફ્રેન્ચ ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાંથી પણ ખસી જવું પડ્યું હતું.