26 December, 2024 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર તેના પિતા સાથે
ભારતના સર્વોચ્ચ સ્પોર્ટ્સ અવૉર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની યાદીમાંથી શૂટર મનુ ભાકરનું નામ ગાયબ થયેલું જોઈને તેના પપ્પા રામ કિશને ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘છેલ્લાં પાંચ વર્ષમાં જેને અવૉર્ડ મળ્યા તેમણે અપ્લાય પણ નહોતું કર્યું, હવે મનુ પાસે અપ્લાય કરવાની આશા કેમ રાખો છો? તે છેલ્લાં ચાર વર્ષથી અપ્લાય કરે છે પણ કાંઈ નથી થયું. બધું ઉચ્ચ અધિકારીઓ નક્કી કરે છે. હું દેશના તમામ વાલીઓને કહીશ કે પોતાનાં બાળકોને રમતગમતમાં ન ધકેલશો. પૈસા જોઈતા હોય તો ક્રિકેટમાં ધકેલી દો, નહીંતર તમારાં બાળકોને IAS જેવા અધિકારી બનાવો. આપણે ૨૦૩૬માં યોજાનારી ઑલિમ્પિક્સની યજમાનીની વાત કરી રહ્યા છીએ, પરંતુ બીજી તરફ તમે તમારા જ પ્લેયર્સના આત્મવિશ્વાસને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છો. મને લાગે છે કે તમામ માતા-પિતાએ તેમનાં બાળકોને IAS અથવા UPSCની એક્ઝામની તૈયારી કરાવવી જોઈએ જેથી તેમના હાથમાં એ નક્કી કરવાની સત્તા હોય કે કોને ખેલ રત્ન અવૉર્ડ મળવો જોઈએ.’
મનુ ભાકરના કોચ જસપાલ રાણાએ પણ આ સમગ્ર મામલે રમતગમત મંત્રાલયની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ બધા દોષી છે. તમે કેવી રીતે કહી શકો કે મનુએ અપ્લાય નથી કર્યું? એક જ ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી તે દેશની પ્રથમ મહિલા શૂટર છે. તેનું નામ પહેલેથી જ આપોઆપ યાદીમાં હોવું જોઈએ. આવી વાતો તમને આગળ વધતાં અટકાવે છે.’
વકરતા વિવાદ વચ્ચે રમતગમત મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સિલેક્શન કમિટી દ્વારા યાદી ફાઇનલ કરવાની હજી બાકી છે. એમાં સુધારા કરવામાં આવશે.
પૅરા તીરંદાજે લગાવ્યો ભેદભાવનો આરોપ
પૅરાલિમ્પિક્સમાં ભારતને તીરંદાજીનો પહેલો ગોલ્ડ અપાવનાર હરવિન્દર સિંહે પણ ખેલ રત્ન પુરસ્કારમાં તેની અવગણના થતાં રોષ વ્યક્ત કર્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરતાં કહ્યું કે ‘રમતમાં ભેદભાવ. ટોક્યો ૨૦૨૦ પૅરાલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતાઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, પરંતુ પૅરિસ ૨૦૨૪ પૅરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતાઓનું શું? એ જ સ્પર્ધા, એ જ ગોલ્ડ, એ જ કીર્તિ પણ એ પુરસ્કાર કેમ નહીં?’ આ ટુર્નામેન્ટનો તીરંદાજીનો પહેલો મેડલ પણ તેના નામે છે. તે ટોક્યોમાં પોતાના અને દેશના પહેલા પૅરાલિમ્પિક્સ મેડલ તરીકે બ્રૉન્ઝ જીત્યો હતો.