ભારતીય ઍથ્લેટિક્સના ત્રણ મોટા રેકૉર્ડ બન્યા એક કલાકમાં

25 May, 2026 09:22 AM IST  |  Ranchi | Gujarati Mid-day Correspondent

૧૦૦ મીટર અને ૪૦૦ મીટર રેસ સહિત ડૅકૅથ્લૉનમાં ફાસ્ટેસ્ટ ભારતીય મળ્યા...

ઐતિહાસિક પ્રદર્શન બાદ ગુરિન્દર સિંહે દેખાડેલી ચબરખીમાં લખ્યું હતું ઃ ‘કાર્ય હજી પૂરું થયું નથી. ૧૦.૧૦ સેકન્ડ? રાહ જુઓ, હું હજી ઊભો છું

રાંચીમાં શનિવારનો દિવસ ભારતીય ઍથ્લેટિક્સ માટે ઐતિહાસિક રહ્યો હતો. નૅશનલ સિનિયર ઍથ્લેટિક્સ ફેડરેશન કપ 2026 દરમ્યાન એક કલાકની અંદર ૧૦૦ મીટર અને ૪૦૦ મીટર રેસ સહિત ડૅકૅથ્લૉનમાં ત્રણ ભારતીયોએ રેકૉર્ડબ્રેક પ્રદર્શન કર્યું હતું. પંજાબના ૨૫ વર્ષના ગુરિન્દરવીર સિંહ, તામિલનાડુના ૨૩ વર્ષના વિશાલ ટી. કે. અને દિલ્હીના ૨૭ વર્ષના તેજસ્વિન શંકરે ભારતીય ઍથ્લેટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.

ગુરિન્દરવીર સિંહ ૧૦૦ મીટરમાં ૧૦.૧૦ સેકન્ડનો અવરોધ તોડનાર પ્રથમ ભારતીય બન્યો હતો. તેણે ફાઇનલ મૅચમાં ૧૦૦ મીટર દોડ ૧૦.૦૯ સેકન્ડમાં પૂરી કરી હતી. સેમી-ફાઇનલ મૅચમાં અનિમેષ કુજુરે ૧૦.૧૫ સેકન્ડમાં ૧૦૦ મીટરની રેસ પૂરી કરવાનો નૅશનલ રેકૉર્ડ કર્યો હતો.

વિશાલ ટીકેએ ગયા વર્ષે ૪૦૦ મીટરમાં ૪૬.૧૯ સેકન્ડનો રાષ્ટ્રીય રેકૉર્ડ બનાવ્યો હતો. એ સિદ્ધિ પછી તરત જ તેણે હિંમતભેર જાહેર કર્યું હતું કે હું ૪૦૦ મીટર રેસમાં ૪૫ સેકન્ડનો અવરોધ તોડનાર પ્રથમ ભારતીય બનીશ. ૯ મહિના પછી તેણે એ વચન પૂર્ણ કર્યું હતું. ૪૦૦ મીટરની ફાઇનલમાં ૪૪.૯૮ સેકન્ડમાં તેણે રેસ પૂરી કરી હતી.

તેજસ્વિન શંકર ૮૦૦૦ પૉઇન્ટનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય ડૅકૅથ્લીટ બન્યો હતો. ડૅકૅથ્લૉનને માનવ સહનશક્તિ અને વૈવિધ્યતાની અંતિમ કસોટી તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે. આ રેસમાં ખેલાડી ૧૦૦ મીટર, ૪૦૦ મીટર, ૧૫૦૦ મીટરની દોડ, હાઈ જમ્પ સહિતની ૧૦ જેટલી કસોટીમાંથી પસાર થાય છે. તેજસ્વિન શંકરે આ તમામ કસોટીમાંથી બહાર આવીને ૮૦૫૭નો ટોટલ સ્કોર કર્યો હતો. 

ranchi athletics sports news news