24 November, 2026 02:44 PM IST | Italy | Gujarati Mid-day Correspondent
કાર્લોસ અલ્કારાઝ
ઇટલીમાં આયોજિત અસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP) ફાઇનલ્સ જીતીને સ્પેનના કાર્લોસ અલ્કારાઝે ઇતિહાસ રચ્યો છે. ટૉપ એઇટ મેન્સ ટેનિસ-પ્લેયર્સ વચ્ચે સીઝનના અંતમાં રમાતી આ ટુર્નામેન્ટ કાર્લોસ અલ્કારાઝે પહેલી વખત જીતી છે.
ATP ફાઇનલ્સની ચૅમ્પિયનશિપ મૅચમાં કાર્લોસ અલ્કારાઝે વર્લ્ડ નંબર વન ઍલેક્ઝૅન્ડર ઝ્વેરેવ સામે ૬–૨, ૭–૬ની સ્કોરલાઇન સાથે જીત નોંધાવી હતી. ટેનિસ-કરીઅરમાં ચારેય ગ્રૅન્ડ સ્લૅમની સાથે ATP ફાઇનલ્સ ટ્રોફી જીતનાર કાર્લોસ અલ્કારાઝ ચોથો અને યંગેસ્ટ પ્લેયર બન્યો છે.
આન્દ્રે અગાસીએ ૧૯૯૯માં ૨૯ વર્ષ ૩૮ દિવસની ઉંમરે, નોવાક જૉકોવિચે ૨૦૧૬માં ૨૯ વર્ષ ૧૪ દિવસની ઉંમરે અને રૉજર ફેડરરે ૨૦૦૯માં ૨૭ વર્ષ ૩૦૩ દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. વર્લ્ડ નંબર થ્રી કાર્લોસ અલ્કારાઝ ૨૩ વર્ષ ૨૦૧ દિવસની ઉંમરે આ વિશિષ્ટ ક્લબમાં સામેલ થયો છે. તેણે હમણાં સુધી ૭ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યાં છે.