22 January, 2023 07:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રિજભૂષણને હમણાં હટાવી દીધા છે, કમિટી તપાસ કરશે
જાતીય સતામણી અને શોષણના આક્ષેપોનો સામનો કરી રહેલા રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને હમણાં તેમના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે અને ઓવરસાઇટ કમિટી તપાસ માટે નીમવામાં આવી છે, જે ચાર અઠવાડિયાંની અંદર રિપોર્ટ આપી દેશે, એવી જાહેરાત કેન્દ્રના સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે ગઈ કાલે કરી હતી.
શુક્રવારની આખી રાત ઠાકુરની રેસલર્સના આગેવાનો સાથે મંત્રણા ચાલી હતી અને સરકાર તરફથી ફેડરેશન ચીફ બ્રિજભૂષણને હમણાં હટાવી દેવા સહિતનાં જે પગલાં લેવાયાં એનાથી સંતુષ્ટ થઈને દિલ્હીમાં વિરોધી દેખાવો કરતા કુસ્તીબાજોએ આંદોલન પાછું ખેંચી લેવાનો નિર્ણય તો બતાડ્યો, પણ ગઈ કાલે મોડેથી આઇએએનએસના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે અનુરાગ ઠાકુર સાથેની વાટાઘાટનું જે પરિણામ આવ્યું એ વિશે કુસ્તીબાજો ખુશ નથી. કુસ્તીબાજોને એવું લાગી રહ્યું છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને એટલે જ બ્રિજભૂષણને ફેડરેશનમાંથી સાવ કાઢી ન નાખવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રાખવામાં આવશે. બીજું, લખનઉમાં તેમના વગર નૅશનલ ટ્રાયલ ચાલુ રાખવામાં આવી એનાથી પણ કુસ્તીબાજો નારાજ છે.
રેસલર્સનું આંદોલન ખાસ ઇરાદાથી, કોઈ છુપા દોરીસંચારથી ઃ ફેડરેશન
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને હમણાં તો પદ પરથી હટાવી દેવાયા છે, પરંતુ ફેડરેશને ગઈ કાલે દાવો કર્યો હતો કે કુસ્તીબાજોનું આ આંદોલન કોઈ ખાસ આશયથી કરવામાં આવી રહ્યું છે અને એ પાછળ કોઈ છુપા પરિબળનો દોરીસંચાર છે. ફેડરેશને સરકારને જણાવ્યું હતું કે ‘બ્રિજભૂષણ સામેના તમામ આક્ષેપો ખોટા છે. ફેડરેશનમાં હુકમશાહી અને ગેરવ્યવસ્થા તેમ જ જાતીય સતામણી સંભવ જ નથી.’
આ પણ વાંચો: ફેડરેશનના ચીફ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી કરે છે : વિનેશ ફોગાટ
ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત હાર્યું
ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપમાં ગઈ કાલે ભારતીય ટીમ સુપર સિક્સમાં પહેલી મૅચ ઑસ્ટ્રેલિયા સામે ૭ વિકેટે હારી ગઈ હતી. ભારત ૮૭ રનમાં આઉટ થયા પછી ઑસ્ટ્રેલિયાની ટીમે ૩ વિકેટે ૮૮ રન બનાવી લીધા હતા. ભારતે હવે આજે (સાંજે ૫.૧૫ વાગ્યાથી) સતત બીજા દિવસે શ્રીલંકા સામે આકરી કસોટી આપવાની છે.