24 August, 2024 08:04 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
નેહા સાંગવા
કુસ્તીબાજ વિનેશ ફોગાટના વતન હરિયાણાના બલાલી ગામની ૧૬ વર્ષની રેસલર નેહા સાંગવાને જૉર્ડનના અમ્માનમાં યોજાયેલી અન્ડર-17 વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ૫૭ કિલોગ્રામ વજન કૅટેગરીમાં તેણે ૨૨ ઑગસ્ટે યોજાયેલી ફાઇનલ મૅચમાં જપાનની હરીફ સામે ૧૦-૦થી જીત મેળવી હતી. આ રેસલરે જપાનની હરીફ સામે ટેક્નિકલ સુપિરિયોરિટી દર્શાવી હતી. ફાઇનલ મૅચમાં નેહા સાંગવાને જપાનની હરીફ પર ડબલ-લેગ અટૅક કર્યો હતો. તેના આ પ્રકારના અટૅકથી હરીફ પાસે બચાવનો કોઈ મોકો નહોતો. આ જીત સાથે ઇન્ટરનૅશનલ રેસલિંગમાં ભારતને એક ખાસ સફળતા મળી છે.
વિનેશ ફોગાટના પગલે આ ગામની છોકરીઓ રેસલર બનવાનાં જ સપનાં જોતી રહે છે. નેહાએ આ ચૅમ્પિયનશિપ પહેલાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘અમારા ગામની વિનેશદીદી એ પ્રકારની રેસલર બની છે જ્યાં સુધી હજી બીજું કોઈ પહોંચ્યું નથી. અમારા માટે તેણે ઑલિમ્પિકનો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. વિનેશદીદીની જેમ અમે પણ બલાલીનો રેસલિંગ વારસો આગળ ધપાવવા માગીએ છીએ.’
અન્ય રેસલર પણ ઝળકી
આ અન્ડર-17 વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં અદિતિ કુમારી ૪૩ કિલોગ્રામ અને પુલકિત ૬૫ કિલોગ્રામ કૅટેગરીમાં ચૅમ્પિયન બની હતી. અદિતિ કુમારીએ ફાઇનલ મૅચમાં ગ્રીસની મારિયા લુઇઝા ગિકિકાને ૭-૦થી પરાજિત કરી હતી. પુલકિતે ન્યુટ્રલ ઍથ્લીટ ડારિયા ફ્રોલોવાને ૬-૩થી હરાવી હતી. આ સિવાય માનસી લાઠેરે ૭૩ કિલોગ્રામ કૅટેગરીમાં ફાઇનલ મૅચમાં હાના પિરસ્કાયાને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.