ટેસ્ટ-ક્રિકેટમાંથી રોહિત શર્મા નિવૃત્તિ લે તો નવાઈ નહીં : શાસ્ત્રી

03 January, 2025 10:49 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

અહેવાલ અનુસાર સિડની ટેસ્ટમાં રોહિત શર્મા કૅપ્ટન્સી છોડી શકે છે

રવિ શાસ્ત્રી, રોહિત શર્મા

ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી કહે છે કે ‘રોહિત શર્મા સિડનીમાં પોતાની ટેસ્ટ-ક્રિકેટ કરીઅર વિશે નિર્ણય લેશે, પરંતુ જો રોહિત શર્મા નિવૃત્ત થાય છે તો મને જરાય આશ્ચર્ય થશે નહીં, કારણ કે તેની ઉંમર વધી રહી છે. જો હું રોહિત શર્માની નજીક હોત તો તેને કહેત કે મેદાન પર જાઓ અને વિરોધી ટીમ સામે આક્રમક બૅટિંગ કરો. હાલમાં તેની રમતમાં સારા ફુટવર્કનો અભાવ છે. હજી આપણે સિરીઝ હાર્યા નથી, બૉર્ડર-ગાવસકર ટ્રોફી જાળવી રાખવા માટે આ સિડની ટેસ્ટ-મૅચ જીતવાનો પ્રયાસ કરો.’ 

સિડનીમાં ભારતીય ક્રિકેટમાં નવાજૂનીની શક્યતા

સિડની ટેસ્ટ-મૅચ દરમ્યાન ભારતીય ક્રિકેટ માટે મોટા સમાચાર આવવાની સંભાવના છે. ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન કૅપ્ટન રોહિત શર્માએ વધારે પ્રૅક્ટિસ કરી નહોતી. તે હેડ કોચ ગૌતમ ગંભીર અને વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહ સાથે સિડનીના સ્ટેડિયમમાં પિચ અને સ્ટૅન્ડમાં લાંબા સમય સુધી ચર્ચા કરતો જોવા મળ્યો હતો. ગંભીરે ફાસ્ટ બોલર બુમરાહ સાથે પણ એકાંતમાં લાંબી ચર્ચા કરી હતી. અહેવાલ અનુસાર સિડની ટેસ્ટમાં રોહિત શર્મા કૅપ્ટન્સી છોડી શકે છે. કેટલાક અહેવાલ અનુસાર રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી પોતાને બહાર પણ કરી શકે છે. 

ravi shastri rohit sharma test cricket indian cricket team border gavaskar trophy sydney cricket news sports sports news