અન્ડર-19 પાસેથી પ્રેરણા લઈને સિનિયર ટીમ ભારતને વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ જિતાડી આપશે?

12 February, 2023 10:32 AM IST  |  Mumbai | Yashwant Chad

આવતી કાલે વિમેન્સ પ્રીમિયર લીગ માટેની ખેલાડીઓની હરાજી થશે, જેના થકી મળનારી મોટી રકમ આપણી મહિલા ખેલાડીઓનું ધ્યાન ન ભટકાવે એવી આશા રાખીએ

શેફાલી વર્મા અને હરમનપ્રીત કૌર

૧૯ વર્ષથી ઓછી ઉંમર ધરાવતી ગર્લ્સ ટી૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં વીરેન્દર સેહવાગ જેવી આક્રમક બૅટિંગ કરનાર શેફાલી વર્માના નેતૃત્વ હેઠળ ભારતની મહિલા ટીમે પ્રથમ વાર આઇસીસી ટ્રોફી જીતીને ખાતું ખોલાવ્યું એનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં. શુક્રવારથી સાઉથ આફ્રિકામાં આઇસીસીની વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ સ્પર્ધા શરૂ થઈ ચૂકી છે. મહિલા ક્રિકેટ ભારત ઉપરાંત વિશ્વમાં લોકપ્રિય થઈ રહી છે. હવે જ્યારે શેફાલી વર્માના નેતૃત્વમાં ૧૯ વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓએ પ્રથમ વર્લ્ડ કપ સ્પર્ધા જ્યારે જીતી લીધી છે ત્યારે તેમના પગલે-પગલે શું ટી૨૦ની ભારતીય મહિલાઓની સિનિયર ટીમ વર્લ્ડ કપ સ્પર્ધા જીતી શકશે એવી ચર્ચા ક્રિકેટરસિકોમાં ચાલી રહી છે. આ તો ઊલટી ગંગા થઈ, સિનિયર ટીમ ગર્લ્સ ટીમથી પ્રેરિત થાય, કેમ ખરુંને. સામાન્ય રીતે ઊભરતા ક્રિકેટરો પછી મહિલા હોય કે પુરુષ ખેલાડીઓ, તેઓ મોટેરાઓના પગલે અનુસરતા હોય, જેમ કે ૧૯૮૩માં કપિલ દેવની ટીમે વર્લ્ડ કપ જીતવાથી ભારતીય ક્રિકેટનું ધોરણ ઊંચું થતું ગયું, જ્યારે અહીં ભારતની ૧૯ વર્ષથી નાની વયની કન્યાઓએ મોટેરાઓને માર્ગ ચીંધ્યો છે.

વિમેન્સ પ્રીમિયર લીગની બોલી

ટી૨૦ વિશ્વ કપ સ્પર્ધા જે સાઉથ આફ્રિકામાં યોજાઈ રહી છે એમાં આજે ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાનની મહિલા ટીમ સામે છે. આ મૅચ ભારતીય ટીમને વિશ્વ કપ જીતવા વિશ્વાસ અપાવશે અને આવી કટોકટીભરી સ્પર્ધા ચાલી રહી છે ત્યારે આવતી કાલથી વિમેન્સ મહિલાઓ માટેની પ્રીમિયર લીગની ખેલાડીઓ માટેની બોલી પાંચ ટીમના સત્તાધીશો બોલશે એથી વિશ્વ કપ રમનાર મહિલાઓનું ચિત્તભ્રમ ન થાય એવું ઇચ્છીએ. ડબ્લ્યુપીએલ રમવા માટે વિશ્વભરની કુલ ૧૫૨૫ મહિલા ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હતું એમાંથી ભાગ લેનાર પાંચ ટીમે ખેલાડીઓની છટણી કરીને છેલ્લે ૪૦૯ મહિલા ખેલાડીઓને ઑપ્શનમાં બોલી બોલવાય એ માટે નામાવલિ જાહેર કરી છે. 

મુંબઈની ત્રણ ગુજરાતી પ્લેયર

યાદીમાં મુંબઈની એક કે બે નહીં, ત્રણ-ત્રણ ગુજ્જુ કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પુરવાર કરે છે કે ગુજ્જુ કન્યાઓએ પણ મેદાન ગજવવા માટે મહિલાઓની પ્રીમિયર લીગ દ્વારા કારકિર્દી માટે નવી દિશા અને નવો રાહ અપનાવ્યો છે. મુંબઈ ક્રિકેટ અસોસિએશન સાથે સંકળાયેલી ખુશી શાહ, મહેક પોકાર અને હર્લી ગાલાનો પણ ૪૦૯ શૉર્ટલિસ્ટ થયેલી મહિલાઓમાં સમાવેશ થયો છે. તેમને ‘મિડ-ડે’ વતી બેસ્ટ ઑફ લક કહીએ છીએ. ખુશી શાહ મીડિયમ પેસ બોલર અને બૅટર છે, જ્યારે મહેક પોકાર વિકેટકીપર-બૅટર છે, તો ૧૬ વર્ષની  હર્લી ગાલા ફાસ્ટ બોલર છે અને બૅટિંગ કરી જાણે છે. આ ત્રણેત્રણ પ્લેયર હજી સુધી ભારત માટે એક પણ મૅચ નથી રમી, પણ તેમની ડબ્લ્યુપીએલ માટે બેસ્ટ પ્રાઇસ ઓછામાં ઓછી ૧૦ લાખ રૂપિયા રાખવામાં આવી છે. સાઉથ આફ્રિકા ગયેલી ભારતીય મહિલા ટીમ ટી૨૦ વર્લ્ડ કપની ટ્રોફી ઘરઆંગણે લઈ આવીને મહિલાઓને ક્રિકેટ રમવા વધારે પ્રોત્સાહિત કરી શકે. મહિલાઓ માટે નવી કારકિર્દીનાં દ્વાર ખૂલી શકે એ માટે ટીમને ફરી પાછા ‘બેસ્ટ ઑફ લક’ કહીએ છીએ.

sports news sports cricket news t20 international indian womens cricket team u-19 world cup t20 world cup harmanpreet kaur