05 March, 2021 10:47 AM IST | Antiga
કિરોન પોલાર્ડ
શ્રીલંકા-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝમાંની પહેલી મૅચ વેસ્ટ ઇન્ડીઝે કૅપ્ટન કિરોન પોલાર્ડની શાનદાર ઇનિંગ્સને લીધે ૪ વિકેટે જીતીને સિરીઝમાં ૧-૦ની લીડ લઈ લીધી હતી.
વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો અને તેમના બોલરોની જબરદસ્ત બોલિંગને લીધે શ્રીલંકા ૯ વિકેટે ૧૩૧ રન બનાવી શકી હતી. શ્રીલંકાનો કોઈ પણ પ્લેયર ૪૦ રનનો આંકડો પાર નહાતો કરી શક્યો. પથુમ નિસાન્કાએ સૌથી વધારે ૩૯ રન બનાવ્યા હતા, જ્યારે ઓપનર નિરોશન ડિકવેલા ૩૩ રન બનાવીને આઉટ થયો હતો.
૧૩૨ રનના લક્ષ્યને હાંસલ કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝે જબરદસ્ત શરૂઆત કરતાં ૩.૧ ઓવરમાં ૫૧ રન બનાવી લીધા હતા, પણ ત્યાર બાદના ત્રણ બૉલમાં સતત ત્રણ વિકેટ ગુમાવીને ટીમ ચિંતામાં મુકાઈ ગઈ હતી. એવિન લુઇસને ૨૮ રને આઉટ કર્યા બાદ ક્રિસ ગેઇલ અને નિકોલસ પૂરન ડક-આઉટ થતાં અકિલા ધનંજયે હૅટ-ટ્રિક લીધી હતી. ત્યાર બાદ આ હૅટ-ટ્રિકનો બદલો વાળતાં ઇનિંગની છઠ્ઠી ઓવર નાખવા આવેલા ધનંજયની ઓવરના તમામ છએછ બૉલમાં સિક્સર ફટકારીને પોલાર્ડે ટીમની જીત નક્કી કરી નાખી હતી. આ પરાક્રમ કરીને તેણે યુવરાજ સિંહ અને હર્ષલ ગિબ્સના રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી. જોકે સાતમી ઓવરના ચોથા બૉલમાં પોલાર્ડ ૩૮ રનના સ્કોરે વનિંદુ હસનરંગાનો શિકાર બન્યો હતો. જેસન હોલ્ડર અણનમ ૨૯ રને અને લેન્ડલ સિમોન્સ ૨૬ રને આઉટ થયા હતા. બન્ને દેશ વચ્ચે બીજી ટી૨૦ આજે રમાશે.
આવો રૅકાર્ડ બનાવનાર પોલાર્ડ પહેલો કૅપ્ટન
ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં છ બૉલમાં છ સિક્સ ફટકારી કિરોન પોલાર્ડ પહેલો કૅપ્ટન બન્યો હતો. પોતે આ છ સિક્સરોનો વરસાદ વરસાવતી વખતે શું વિચારી રહ્યો હતો એ અંગે પોલાર્ડે કહ્યું કે ‘ત્રીજી સિક્સ ફટકાર્યા બાદ મેં છ બૉલમાં છ સિક્સ ફટકારવાનો વિચાર કર્યો હતો. પિચ કેવી રીતે વર્તી રહી હતી એ હું સમજી ગયો હતો અને પોતાને હું એ રીતે તૈયાર કરી રહ્યો હતો. મૅચમાં સકારાત્મક રહી એવી પિચ પર પોતાના શોટ રમવા જરૂરી છે. મને ખુશી છે કે મેં ટીમની જીતમાં પોતાનું યોગદાન આપ્યું.’
આ ઉપરાંત એક જ મૅચમાં હેટ્રિક લઈ અને છ બૉલમાં છ સિક્સરની ફટકાર ખાનારો ધનંજય દુનિયાનો પહેલો પ્લેયર બન્યો છે.
યુવરાજ અને ગિબ્સે આપ્યાં અભિનંદન
૬ બૉલમાં ૬ સિક્સર ફટકારીને યુવરાજ સિંહ અને હર્ષલ ગિબ્સની ક્લબમાં સામેલ થતાં બન્ને હસ્તીઓએ કિરોન પોલાર્ડનું પોતાની ક્લબમાં સ્વાગત કર્યું હતું. યુવરાજે કહ્યું કે ‘અમારી ક્લબમાં તારું સ્વાગત છે પોલાર્ડ.’
ઉલ્લેખનીય છે કે યુવરાજે ટી૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામે સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરમાં પહેલી વાર ૬ બૉલમાં ૬ સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ ગિબ્સે ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપમાં નેધરલૅન્ડ્સના ડાન વૅન બુન્ગેની ઓવરમાં આ પરાક્રમ કર્યું હતું. આ ઉપરાંત ગિબ્સે એક સંયોગ જણાવતાં ટ્વીટ કરી હતી કે ‘મેં ૨૦૦૭ની ૧૬ માર્ચે અને પોલાર્ડે ૨૦૨૧ની ૩ માર્ચે પોતપોતાનાં આ પરાક્રમ એક જ મહિનામાં જ નોંધાવ્યાં છે.