VPL-T20 2026ની ફાઇનલમાં આજે જામશે વિમલ વિક્ટર્સ અને સ્કૉર્ચર્સ વચ્ચે ટૉપની ટક્કર

22 March, 2026 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાહકોને ગ્રાઉન્ડમાં આવીને ક્રિકેટને માણવા પ્રોત્સાહિત કરવા માટે લકી ડ્રૉ દ્વારા ૧૧ ચાહકોને ઇનામ આપવામાં આવશે.

ટી. કે. રુબી VPL-T20 2026

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં સાંજે ખરાખરીનો જંગ જામવાનો છે. આજે સાંજે પાંચ વાગ્યાથી સાંતાક્રુઝ-ઈસ્ટના વાકોલામાં આવેલા ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ પર રમાનારી ફાઇનલમાં લીગ રાઉન્ડના અંતે ટૉપમાં રહેલી બે ટીમો નંબર વન સ્કૉર્ચર્સ અને નંબર ટૂ વિમલ વિક્ટર્સ વચ્ચે આ સીઝનના ચૅમ્પિયન બનવાનો જંગ જામવાનો છે. બન્ને ટીમો પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે અને બન્નેનો આ સીઝનનો પર્ફોર્મન્સ પણ દમદાર રહ્યો હોવાથી સમગ્ર વાગડવાસીઓ અને ક્રિકેટપ્રેમીઓમાં આજે કોણ બાજી મારશે એને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવા ચૅમ્પિયનને વધાવવા આજે બધા ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ પર પહોંચી જવા અધીરા બન્યા છે. આજે ફાઇનલ જંગ પહેલાં બન્ને ફાઇનલિસ્ટ ટીમના તમામ ખેલાડીઓને મેડલ પહેરાવવામાં આવશે તેમ જ ઇનિંગ્સ-બ્રેક દરમ્યાન તમામ સ્પૉન્સર્સ અને દરેક ટીમના ટીમ-ઓર્નરનું મેમેન્ટો આપીને બહુમાન કરવામાં આવશે. ફાઇનલ સુધીની દરેક મૅચના પ્લેયર ઑફ ધ મૅચ ઉપરાંત હૅટ-ટ્રિક કે સેન્ચુરી જેવા કમાલના પર્ફોર્મન્સને બિરદાવવામાં આવશે. ફાઇનલ બાદ ક્લોઝિંગ સેરેમનીમાં ચૅમ્પિયન અને રનરઅપ ઉપરાંત પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ, બેસ્ટ બૅટર, બેસ્ટ બોલર અને બેસ્ટ ફીલ્ડરને ટ્રોફી અને પ્રાઇઝ આપીને સન્માનિત કરવામાં આવશે. એ ઉપરાંત શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા એક નવી પહેલ તરીકે સમાજના જેમણે ક્રિકેટનું બીજ રોપ્યું હતું અને હજારો યુવાનોને ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યા હતા એવા સમાજના ક્રિકેટપ્રેમીઓ અને લેજન્ડ ક્રિકેટરોને ‘ક્રિકેટ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ’ આપીને સન્માનિત કરવામાં આવશે. યુવા ખેલાડીઓ ક્રિકેટ રમવા વધુ પ્રેરિત થાય એ માટે આ સીઝનના બેસ્ટ યુવા ખેલાડીને ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર 2026નો અવૉર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સીઝનને મળેલી અદ્ભુત સફળતાથી ખુશખુશાલ શ્રી વાગડ કલા કેન્દ્રની ક્રિકેટ કમિટીના ચૅરમૅન દામજીભાઈ બુરીચાએ ફાઇનલની પૂર્વસંધ્યાએ જણાવ્યું હતું કે ‘ફાઇનલની બન્ને ટીમના સપોર્ટરો ખૂબ ઉત્સાહમાં છે અને ખેલાડીઓ પણ ફૉર્મમાં હોવાથી આજની ફાઇનલ ચાહકો માટે યાદગાર બની રહેવાની આશા છે. ચાહકોને ગ્રાઉન્ડમાં આવીને ક્રિકેટને માણવા પ્રોત્સાહિત કરવા માટે લકી ડ્રૉ દ્વારા ૧૧ ચાહકોને ઇનામ આપવામાં આવશે.’

cricket news gujarati mid day sports news sports t20