17 March, 2026 03:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઑલટાઇમ RCB ઇલેવન જાહેર કરી વિરાટ કોહલીએ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ હાલમાં પોતાના સૌથી અનુભવી ખેલાડી વિરાટ કોહલીનો રસપ્રદ વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં વિરાટ કોહલીને ઑલટાઇમ RCB ઇલેવન માટે ૧૧ ખેલાડીઓ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. IPLની તમામ 18 સીઝનમાં વિરાટ કોહલી અનેક ખેલાડીઓ સાથે RCB માટે રમ્યો હોવાથી પસંદગી દરમ્યાન તેણે ઘણો વિચાર કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ ઑલટાઇમ RCB ઇલેવન માટે પોતાની સાથે ક્રિસ ગેઇલને ઓપનર તરીકે સિલેક્ટ કર્યો હતો. તેણે ક્રિસ ગેઇલને બેસ્ટ T20 ઓપનર પણ ગણાવ્યો હતો. તેણે ત્રીજા ક્રમે એ.બી. ડિવિલિયર્સ, ચોથા ક્રમે કે. એલ. રાહુલ અને પાંચમા ક્રમે રજત પાટીદારને સ્થાન આપ્યું હતું; જ્યારે વિકેટકીપર-બૅટર તરીકે દિનેશ કાર્તિકને સામેલ કર્યો હતો. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર તરીકે તેણે હર્ષલ પટેલને સાતમા ક્રમે રાખ્યો હતો. અંતિમ ૪ પ્લેયર્સમાં બોલિંગ-વિકલ્પો તરીકે અનિલ કુંબલે, મિચલ સ્ટાર્ક, ડેલ સ્ટેન અને યુઝવેન્દ્ર ચહલને પસંદ કર્યા હતા. ૨૦૧૭માં ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી કૅપ્ટન અને અનિલ કુંબલે હેડ કોચ હતા ત્યારે બન્ને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સંઘર્ષ જોવા મળ્યો હતો. જૂન ૨૦૧૭માં અનિલ કુંબલેએ પોતાના પદ પરથી રાજીનામું પણ આપ્યું હતું.