✕

વિરાટ કોહલીનો નવો રેકૉર્ડ : વન-ડેમાં ત્રીજા નંબરે ૧૩,૦૦૦ રન બનાવનારો વિશ્વનો પ્રથમ બૅટર બન્યો

05 November, 2026 09:16 AM IST  |  Auckland | Gujarati Mid-day Correspondent

આ ઐતિહાસિક મુકામ પર પહોંચવા માટે કોહલીને મૅચ પહેલાં ફક્ત ૧૨ રનની જરૂર હતી, કારણ કે તે ૧૨,૯૮૮ રન સાથે મેદાનમાં ઊતર્યો હતો. પોતાની ઇનિંગ્સના ૧૩મા બૉલ પર કાઇલ જૅમિસનની ઑફ સ્ટમ્પ બહારની ગુડ-લેન્થ.

વિરાટ કોહલીએ ગઈ કાલે આક્રમક ૭૪ રન ફટકાર્યા હતા

વિરાટ કોહલી જ્યારે પણ ક્રીઝ પર બૅટિંગ કરવા ઊતરે છે ત્યારે કોઈ ને કોઈ મોટો રેકૉર્ડ તૂટે છે અથવા વધુ મજબૂત બને છે. ઈડન પાર્ક ખાતે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે મૅચ દરમ્યાન આ ભારતીય દિગ્ગજ બૅટરે વન-ડે ક્રિકેટમાં ત્રીજા ક્રમે ૧૩,૦૦૦ રન પૂરા કરવાનો અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે કર્યો છે. ક્રિકેટ ઇતિહાસમાં આ સ્થાન પર આટલા રન બનાવનારો તે વિશ્વનો પ્રથમ બૅટર બની ગયો છે.

આ ઐતિહાસિક મુકામ પર પહોંચવા માટે કોહલીને મૅચ પહેલાં ફક્ત ૧૨ રનની જરૂર હતી, કારણ કે તે ૧૨,૯૮૮ રન સાથે મેદાનમાં ઊતર્યો હતો. પોતાની ઇનિંગ્સના ૧૩મા બૉલ પર કાઇલ જૅમિસનની ઑફ સ્ટમ્પ બહારની ગુડ-લેન્થ ડિલિવરી પર ડીપ બૅકવર્ડ સ્ક્વેર લેગ તરફ સિંગલ લઈને તેણે આ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

ત્રીજા ક્રમની બૅટિંગ વિશે વાત નીકળે ત્યારે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગનું નામ હંમેશાં આગળ આવે છે. પૉન્ટિંગે ૩૩૦ ઇનિંગ્સમાં ૪૨.૪૮ની સરેરાશથી ૨૯ સદી અને ૭૪ અડધી સદી સાથે ૧૨,૬૬૨ રન બનાવ્યા હતા. કોહલીએ આ વર્ષે જાન્યુઆરીમાં ઇન્દોર ખાતે ન્યુ ઝીલૅન્ડ સામે રમાયેલી ત્રીજી વન-ડેમાં જ પૉન્ટિંગને પાછળ છોડી દીધો હતો. હવે કોહલીએ આ પોઝિશન પર પોતાની ૨૫૧મી ઇનિંગ્સમાં ૧૩,૦૦૦ રનનો આંકડો વટાવી લીધો છે. ત્રીજા નંબરે રમતાં તેની સરેરાશ ૬૧.૬૧ની રહી છે, જેમાં ૪૮ સદી અને ૬૯ અડધી સદી સામેલ છે. પૉન્ટિંગ કરતાં ૭૯ ઇનિંગ્સ ઓછી રમવા છતાં તેના કરતાં ૩૦૦થી વધુ રન બનાવ્યા હોવાની બાબત કોહલીના સાતત્યપૂર્ણ ફૉર્મની સાબિતી આપે છે.

આ લિસ્ટમાં શ્રીલંકાનો કુમાર સંગકારા ૨૩૮ ઇનિંગ્સમાં ૯૭૪૭ રન સાથે ત્રીજા સ્થાને છે. કોહલી સંગકારા કરતાં માત્ર ૧૩ ઇનિંગ્સ વધુ રમ્યો છે, પરંતુ તેના કરતાં ૩૨૦૦થી વધુ રન આગળ નીકળી ગયો છે.

સચિન નંબર વન

કોઈ એક ચોક્કસ બૅટિંગ-પોઝિશન પર સૌથી વધુ વન-ડે રન બનાવવાનો ઓવરઑલ રેકૉર્ડ સચિન તેન્ડુલકરના નામે છે, જેણે ઓપનિંગમાં ૧૫,૩૧૦ રન બનાવ્યા હતા. કોહલી હવે આ ઑલ-ટાઇમ લિસ્ટમાં બીજા સ્થાને છે. આ પહેલાં સનથ જયસૂર્યાના ૧૨,૭૪૦ રનનો રેકૉર્ડ તોડીને તે બીજા ક્રમે પહોંચ્યો હતો. કોહલીની કુલ પંચાવન વન-ડે સદીઓમાંથી ૪૮ સદી ત્રીજા ક્રમે રમતાં આવી છે, જે તેની કુલ સદીઓના ૮૭ ટકા જેટલી થાય છે. તેણે સપ્ટેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૫,૦૦૦ વન-ડે રન પણ પૂરા કર્યા હતા.

virat kohli kumar sangakkara one day international odi team india new zealand auckland australia sri lanka ricky ponting indian cricket team cricket news sports news sports