21 May, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવનું આ A સ્ટાઇલનું સેલિબ્રેશન મમ્મી માટે હતું
વૈભવ સૂર્યવંશીએ મંગળવારે હાફ સેન્ચુરી બાદ કરેલું અંગ્રેજી આલ્ફાબેટ A દેખાડતું સેલિબ્રેશન ખૂબ જ વાઇરલ થયું હતું અને બધા એનો અર્થ શું હોઈ શકે એના વિશે વિચારતા થઈ ગયા હતા.
વૈભવના આ સેલિબ્રેશન માટે અનેક તર્ક-વિતર્ક ચર્ચાવા લાગ્યા હતા. બે દિવસ પહેલાં જ વૈભવનું ઇન્ડિયા A ટીમમાં પ્રથમ વાર સિલેક્શન થયું હતું એટલે કોઈએ તર્ક લગાડ્યો હતો કે આ સેલિબ્રેશન એના માટે હતું તો કોઈકે એને લખનઉના બોલર આકાશ સિંહને આપેલો જવાબ ગણાવ્યો હતો. આકાશ સિંહે યશસ્વી જાયસવાલને આઉટ કરીને ખૂબ જ જોશભેર ઉજવણી કરી હતી. કદાચ વૈભવને એ નહીં ગમ્યું હોય એવું અમુકને લાગ્યું હતું.
મૅચ બાદ પ્રેઝન્ટેશન વખતે પણ મુરલી કાર્તિકે વૈભવને તેના આ અનોખા સેલિબ્રેશન વિશે ખાસ પૂછ્યું હતું પણ તેણે કોઈ જ સ્પષ્ટતા નહોતી કરી અને બસ દરેક મૅચમાં કંઈક નવું કરવા માટે આવું કર્યું હતું એવો ઉડાઉ જવાબ આપી દીધો હતો.
જોકે ત્યાર બાદ રાજસ્થાન રૉયલ્સે શૅર કરેલા એક વિડિયોમાં વૈભવના આ સેલિબ્રેશન અંગે ફોડ પડ્યો હતો. આ વિડિયોમાં ટીમના મૅનેજર રોમી ભિંડરે જ્યારે તેને સેલિબ્રેશન અંગે પૂછ્યું ત્યારે વૈભવે કહ્યું હતું કે ‘આ મારી મમ્મીને સમર્પિત હતું. મમ્મીનું નામ A અક્ષર પરથી શરૂ થાય છે. હું નહોતો ઇચ્છતો કે આ અંગે બધાને જણાવું, કેમ કે હું આ સેલિબ્રેશનને જાળવી રાખવા ઇચ્છું છું.’
વૈભવનું મમ્મીનું નામ આરતી સૂર્યવંશી છે. વૈભવે અગાઉ ઘણી વાર તેની ઉપલબ્ધિને તેની મમ્મીને સમર્પિત કરી છે.