મારે અને ગિલે જવાબદારી લેવી જોઈતી હતી, હંમેશાં અભિષેક શર્મા પર જ આધાર ન રખાય

13 December, 2025 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે કારમી T20 હાર બાદ કૅપ્ટન સૂર્યાએ સ્વીકાર્યું...મારે અને શુભમન ગિલે જવાબદારી લેવી જોઈતી હતી, હંમેશાં અભિષેક શર્મા પર જ આધાર ન રાખી શકાય

ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ

સાઉથ આફ્રિકા સામે બીજી T20 મૅચમાં મળેલી ૫૧ રનની હાર બાદ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મોટું નિવેદન આપ્યું છે. મૅચ બાદ તેણે કહ્યું હતું કે ‘મારે અને વાઇસ કૅપ્ટન શુભમન ગિલે તથા અન્ય બૅટ્સમેનોએ સારી શરૂઆત અપાવવી જોઈતી હતી, કારણ કે હંમેશાં અભિષેક શર્મા પર આધાર ન રાખી શકાય. કોઈક વખત તેનો પણ દિવસ ખરાબ હોઈ શકે. મારે, શુભમન ગિલે એ જવાબદારી લેવી જોઈતી હતી અને થોડી ઊંડાણપૂર્વક બૅટિંગ કરવી જોઈતી હતી.’ 

ભારતના ટૉપ આ‌ૅર્ડરનો આ વર્ષનો રેકૉર્ડ કેવો રહ્યો? 
અભિષેક શર્માએ આ વર્ષે ૧૯ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૧ સદી અને પાંચ ફિફ્ટીના આધારે ૭૯૦ રન કર્યા છે. આ વર્ષે તેણે ૪૩.૮૮ની ઍવરેજ અને ૧૯૫.૦૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી છે.
વાઇસ કૅપ્ટન શુભમન ગિલે ૧૪ મૅચમાં એક પણ ૫૦ પ્લસના સ્કોર વિના ૨૬૩ રન કર્યા છે. તેણે ૨૩.૯૦ની ઍવરેજથી બૅટિંગ કરી છે. 
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૧૯ મૅચની ૧૭ ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી ફટકાર્યા વિના ૨૦૧ રન કર્યા છે. તેની બૅટિંગ-ઍવરેજ ૧૪.૩૫ની રહી છે. 

 જો તમારા મુખ્ય બૅટ્સમેન સારા ફૉર્મમાં ન હોય તો તમે ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે વર્લ્ડ કપમાં નહીં જઈ શકો. બૅટિંગમાં વારંવાર ફેરફારથી કાંઈ ખોટું થશે તો સૂર્યા અને ગૌતમ ગંભીર બન્ને પર વિપરીત અસર થશે.
- ભારતનો ભૂતપૂર્વ બૅટર રૉબિન ઉથપ્પા 

13
ભારત સામે આટલી સૌથી વધુ T20 ઇન્ટરનૅશનલ મૅચ જીતનાર ટીમ બની સાઉથ આફ્રિકા. 

suryakumar yadav sports news cricket news sports team india south africa indian cricket team shubman gill