12 December, 2024 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેવિડ મિલર, શાહીન શાહ આફ્રિદી
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ૧૦ ડિસેમ્બરની રાત્રે ત્રણ મૅચની T20 સિરીઝની શરૂઆત થઈ હતી. પહેલી મૅચમાં ૧૧ રને જીત મેળવીને યજમાન ટીમ સાઉથ આફ્રિકાએ સિરીઝમાં લીડ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકાએ ૯ વિકેટ ગુમાવીને ૧૮૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાની ટીમ ૮ વિકેટે ૧૭૨ રન બનાવી શકી હતી.
સાઉથ આફ્રિકાએ છેલ્લે એપ્રિલ ૨૦૨૧માં પાકિસ્તાન સામે આ ફૉર્મેટની મૅચમાં જીત મેળવી હતી. ત્યાર બાદ રમાયેલી ત્રણ મૅચમાં પાકિસ્તાને જ જીત મેળવી છે. છેલ્લી બે T20 સિરીઝથી સાઉથ આફ્રિકા પર પાકિસ્તાની ટીમ ભારે પડી છે. પાકિસ્તાનને આ હરીફ ટીમ સામે સળંગ ત્રીજી T20 સિરીઝ જીતવા માટે બીજી મૅચમાં જોરદાર કમબૅક કરવું પડશે.
સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે ૪૦ બૉલમાં ચાર ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી ૮૨ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. પડકારજનક ટાર્ગેટની સામે પાકિસ્તાનના માત્ર ત્રણ બૅટ્સમેન કૅપ્ટન મોહમ્મદ રિઝવાન (૭૪ રન), સૈમ અયુબ (૩૧ રન) અને તૈયબ તાહિર (૧૮ રન) બે આંકડા સુધી પહોંચી શક્યા હતા.
ત્રણેય ફૉર્મેટમાં વિકેટની સેન્ચુરી કરનાર પાકિસ્તાનનો પહેલો બોલર બન્યો શાહીન શાહ આફ્રિદી
પહેલી T20 મૅચમાં ચાર ઓવરમાં બાવીસ રન આપીને ત્રણ વિકેટ લેનાર પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ઇતિહાસ રચ્યો છે. તે ઇન્ટરનૅશનલ ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં પાકિસ્તાન માટે ૧૦૦ વિકેટ લેનાર પહેલો બોલર બન્યો છે. તેણે ટેસ્ટમાં ૧૧૬, વન-ડેમાં ૧૧૨ અને T20માં ૧૦૦ વિકેટ ઝડપી છે. તેના પહેલાં ન્યુ ઝીલેન્ડનો ટિમ સાઉધી, બંગલાદેશનો શાકિબ-અલ-હસન અને શ્રીલંકાનો લસિથ મલિંગા ત્રણેય ફૉર્મેટમાં વિકેટની સેન્ચુરીની સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ૨૪ વર્ષનો શાહીન શાહ આફ્રિદી આ સિદ્ધિ મેળવનાર સૌથી યંગેસ્ટ બોલર પણ
બન્યો છે.