WTCમાં હવે સાઉથ આફ્રિકા નંબર વન, ઑસ્ટ્રેલિયાએ એક જ દિવસમાં ગુમાવ્યું ટૉપરનું સ્થાન

10 December, 2024 09:28 AM IST  |  Pretoria | Gujarati Mid-day Correspondent

બીજી ટેસ્ટમાં શ્રીલંકા સામે મળેલી ૧૦૯ રનની જીતથી સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ્સ-ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગયું છે. એની પૉઇન્ટ ટકાવારી ૫૯.૨૬થી વધીને ૬૩.૩૩ થઈ છે

પેટ કમિન્સ

ગઈ કાલે બીજી ટેસ્ટમાં શ્રીલંકા સામે મળેલી ૧૦૯ રનની જીતથી સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ્સ-ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગયું છે. એની પૉઇન્ટ ટકાવારી ૫૯.૨૬થી વધીને ૬૩.૩૩ થઈ છે અને એક સ્થાનનો ફાયદો થયો છે, જ્યારે ચોથા ક્રમની શ્રીલંકન ટીમની પૉઇન્ટ ટકાવારી ૫૦.૦૦થી ઘટીને ૪૫.૪૫ થઈ ગઈ છે. ઑસ્ટ્રેલિયા હવે બીજા ક્રમે સરકી ગયું છે, જ્યારે ભારતીય ટીમ ત્રીજા ક્રમે જળવાઈ રહી છે.

WTCની ફાઇનલની રેસમાં ભારત માટે વિલન બન્યું સાઉથ આફ્રિકા 
WTCની વર્તમાન સીઝનમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામે હજી ત્રણ મૅચ રમવાની છે. ઑસ્ટ્રેલિયા ભારત સામેની ત્રણ મૅચ સિવાય ફેબ્રુઆરી ૨૦૨૫માં શ્રીલંકા સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝ પણ રમશે, જ્યારે સાઉથ આફ્રિકા ૨૬ ડિસેમ્બરથી પાકિસ્તાન સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે. સાઉથ આફ્રિકન ટીમે ફાઇનલિસ્ટ બનવાની રેસમાં જોરદાર દાવેદારી નોંધાવતાં ભારતીય ટીમની સફર મુશ્કેલ બની છે. 

શ્રીલંકન ટીમની સફર WTCમાં સમાપ્ત થઈ છે. ૪૫.૪૫ની પૉઇન્ટ ટકાવારી સાથે એની ફાઇનલમાં પહોંચવાની શક્યતા માત્ર ૨૦ ટકા જ છે. સાઉથ આફ્રિકાની ફાઇનલમાં પહોંચવાની સંભાવના ૮૫ ટકા, ઑસ્ટ્રેલિયાની ૬૦ ટકા અને ભારતીય ટીમની સંભાવના માત્ર ૩૫ ટકા છે. ભારતીય ટીમે પોતાની આગામી ત્રણેય મૅચ જીતવી પડશે અને સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા તેમની આગામી ટેસ્ટ હારે એવી આશા રાખવી પડશે.

sri lanka south africa australia pat cummins cricket news sports news sports world test championship