સમીર રિઝવીએ ૯૭ બૉલમાં ૧૩ ચોગ્ગા, ૨૦ છગ્ગાની મદદથી ૨૦૧ રન ફટકાર્યા

22 December, 2024 08:54 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

હાલમાં IPL મેગા ઑક્શનમાં થયું હતું ૭.૪૫ કરોડ રૂપિયાનું નુકસાન

સમીર રિઝવી

ડોમેસ્ટિક ટુર્નામેન્ટ અન્ડર-23 સ્ટેટ A ટ્રોફીમાં ઉત્તર પ્રદેશના ૨૧ વર્ષના કૅપ્ટન સમીર રિઝવીએ ઇતિહાસ રચ્યો છે. ગઈ કાલે ઉત્તર પ્રદેશે ૫૦ ઓવરમાં ૪૦૫ રનનો જંગી સ્કોર ફટકાર્યો હતો. જવાબમાં ત્રિપુરાની ટીમ ૨૫૩ રન બનાવી શકી જેને કારણે ઉત્તર પ્રદેશે ૧૫૨ રનથી જીત મેળવી હતી.

ઉત્તર પ્રદેશના કૅપ્ટન સમીર રિઝવીએ ૯૭ બૉલમાં આ ટુર્નામેન્ટના ઇતિહાસની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી નોંધાવી છે. તેણે ૯૭ બૉલમાં ૨૦૭.૨૨ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૩ ચોગ્ગા અને ૨૦ છગ્ગાની મદદથી ૨૦૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને આ સિદ્ધિ મેળવી છે. આ ટુર્નામેન્ટમાં ચાર મૅચમાં ૫૧૮ રન સાથે તે હાઇએસ્ટ રન-સ્કોરર છે. ગઈ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૮.૪૦ કરોડ રૂપિયામાં રમનાર આ પ્લેયરને આ સીઝનના મેગા ઑક્શનમાં દિલ્હી કૅપિટલ્સે માત્ર ૯૫ લાખ રૂપિયામાં ખરીદ્યો છે જેને કારણે તેને IPL સૅલેરીમાં ૭.૪૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

uttar pradesh tripura indian premier league cricket news sports news sports