21 December, 2024 11:25 AM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
રોબિન ઉથપ્પાની ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ (Indian Cricket)માં ખળભળાટ મચી ગયો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા (Robin Uthappa) વિરુદ્ધ ધરપકડ વોરંટ (Robin Uthappa Arrest Warrant) જારી કરવામાં આવ્યું છે. ઉથપ્પા સામેનું વોરંટ પ્રોવિડન્ટ ફંડ કેસ (Provident Fund Fraud Case)માં તેના પર લાગેલા આરોપોને અનુસરે છે. PF પ્રાદેશિક કમિશનર શદક્ષરી ગોપાલ રેડ્ડી (PF Regional Commissioner Shadakshari Gopal Reddy)એ વોરંટ જારી કર્યું છે, જેમણે પુલકેશનગર (Pulakeshinagar), Bengaluru (બેંગલુરુ) પોલીસને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ (Centuries Lifestyle Brand Private Limited)ને મેનેજ કરે છે. તેના પર કામ કરતા લોકોના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ – પીએફ (PF)ના પૈસા કાપી લેવાનો અને તેમના પીએફ ખાતામાં જમા ન કરવાનો આરોપ છે. કુલ ૨૩ લાખ રુપિયાની હેરાફેરીનો આરોપ છે. રોબિન ઉથપ્પાએ તેના કર્મચારીઓના પગારમાંથી પીએફ કાપી નાખ્યો, પરંતુ તે રકમ તેના કર્મચારીઓના ખાતામાં જમા કરાવી ન હતી. જે બાદ તેની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટર પર કુલ ૨૩ લાખ રૂપિયાની ઉચાપતનો આરોપ છે.
૪ ડિસેમ્બરના રોજ કમિશનર રેડ્ડીએ પોલીસને રોબિન ઉથપ્પા વિરુદ્ધ વોરંટ જારી કરવા કહ્યું, પરંતુ તે પોલીસ પાસે પાછું આવ્યું કારણ કે ઉથપ્પાએ તેનું સરનામું બદલી નાખ્યું હતું. અધિકારીઓ હવે તેનું નવું સરનામું શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નિયમો અનુસાર, કોઈપણ કંપની જે તેના કર્મચારીઓના પીએફ પે-કટ કાપે છે તેણે આ ભંડોળ તેમના પીએફ ખાતામાં જમા કરાવવું પડશે. જો આમ ન થાય તો તેને કાયદાનું ઉલ્લંઘન અને પૈસાનો દુરુપયોગ ગણવામાં આવે છે. ઉથપ્પાએ પણ આવું જ કર્યું છે. અત્યારે પોલીસ રોબિન ઉથપ્પાને શોધવામાં વ્યસ્ત છે.
તમને જણાવી દઈએ કે, રોબિન ઉથપ્પાએ ભારતીય ટીમ માટે લાંબો સમય સુધી રમવાની સાથે ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premiere League)માં કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે રમ્યો હતો. વર્ષ ૨૦૨૨માં ઉથપ્પાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે નિવૃત્ત ખેલાડીઓની લીગમાં રમતા જોવા મળે છે. તાજેતરમાં તેણે હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટ (Hong Kong Sixes tournament)માં ભાગ લીધો હતો અને શાનદાર બેટિંગ કરી હતી. ઉથપ્પાએ ભારત માટે 48 ODI મેચ રમી છે અને 934 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 90.59 રહ્યો છે. જ્યારે તેણે ભારત માટે કુલ 13 T20 મેચ રમી છે અને 249 રન બનાવ્યા છે. તેણે વનડેમાં છ અડધી સદી અને વનડેમાં એક અડધી સદી ફટકારી છે.