08 February, 2025 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિકી પૉન્ટિંગ
ઑસ્ટ્રેલિયાના વિશ્વવિજેતા કૅપ્ટન રિકી પૉન્ટિંગે ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર અને પંજાબ કિંગ્સના ૧૭મા કૅપ્ટન શ્રેયસ ઐયર વિશે મોટી વાત કહી છે. પૉન્ટિંગે ICC રિવ્યુમાં કહ્યું કે ‘મને થોડું આશ્ચર્ય થયું છે કે તે છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય ટીમની બહાર છે. ભારતમાં તેમનો વર્લ્ડ કપ (વર્ષ ૨૦૨૩) શાનદાર રહ્યો, જેમાં તેણે મિડલ ઑર્ડરમાં શાનદાર પ્રદર્શન કર્યું. ત્યારે મને લાગ્યું કે તેણે લગભગ તે પદ સુરક્ષિત કરી લીધું છે. જોકે પછી તેને થોડી ઈજા થઈ. પીઠની ઈજાને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે તેની ડોમેસ્ટિક સીઝન શાનદાર રહી છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તે સારું પ્રદર્શન કરશે. આપણે જાણીએ છીએ કે તે ધીમી વિકેટ પર સ્પિન બોલિંગ કેટલી સારી રીતે રમે છે.’
પૉન્ટિંગ IPLમાં દિલ્હી કૅપિટલ્સની ફ્રૅન્ચાઇઝીમાં શ્રેયસ ઐયર સાથે કામ કરી ચૂક્યો છે અને હવે આ હેડ કોચ અને કૅપ્ટનની જોડી પંજાબ કિંગ્સને પહેલું IPL ટાઇટલ જિતાડવા માટે ફરી એક વાર એકસાથે રણનીતિ બનાવતી જોવા મળશે.