30 January, 2024 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉમેશ યાદવ
ઉમેશ યાદવ હાલ ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪ રમી રહ્યો છે. ઉમેશ યાદવ રણજી ટ્રોફીમાં વિદર્ભ ટીમ તરફથી રમી રહ્યો છે. તે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એવું કહી શકાય કે ઉમેશ યાદવ રણજીમાં તબાહી મચાવી રહ્યો છે. તેણે અત્યાર સુધી કુલ ૩ મૅચ રમી છે, જેમાં ૧૭.૧૬ની ઍવરેજથી ૧૮ વિકેટ ઝડપી છે. તેના આ શાનદાર પ્રદર્શનથી તેણે ફરી એક વાર ટીમ ઇન્ડિયાના દરવાજા ખટખટાવ્યા છે.
ઉમેશ છેલ્લે ડબ્લ્યુટીસી ૨૦૨૩ની ફાઇનલ મૅચ રમ્યો હતો
ઉમેશ યાદવને ભારતીય ટેસ્ટ ટીમમાં છેલ્લા એક વર્ષથી જગ્યા મળી નથી રહી. ઉમેશ યાદવ છેલ્લે ટીમ ઇન્ડિયા માટે જૂન ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. જે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ હતી. ત્યાર બાદ ભારતે ઘણી ટેસ્ટ મૅચ રમી છે, પણ ઉમેશને ટીમમાં સ્થાન નથી મળ્યું.
રણજીની ૩ મૅચમાં ૧૮ વિકેટ
ઉમેશ યાદવના રણજી ટ્રોફીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે સર્વિસ સામે રમેલી પહેલી મૅચમાં કુલ ૫ વિકેટ ઝડપી હતી. આ મૅચમાં તેણે ૩૨ રન પણ ફટકાર્યા હતા. બીજી મૅચમાં સૌરાષ્ટ્ર ટીમ સામે ઉમેશ યાદવે તરખાટ મચાવ્યો હતો. તેણે કુલ ૭ વિકેટ ઝડપી હતી, જ્યારે ત્રીજી મૅચ ઝારખંડ સામે હાલમાં રમી હતી, જેમાં તેણે કુલ ૬ વિકેટ ઝડપી હતી. આમ રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪માં ઉમેશ યાદવ ૩ મૅચમાં ૧૮ વિકેટ ઝડપી ચૂક્યો છે.
ટીમ ઇન્ડિયામાં કમબૅકની આશા
ટીમ ઇન્ડિયામાં અત્યારની પરિસ્થિતિ જોતાં એવું કહેવામાં ખોટું નથી કે ઉમેશ યાદવને ટેસ્ટ ટીમમાં ફરી સ્થાન બનાવવા માટે ઘણી મુશ્કેલી પડી શકે છે. હાલ ભારત પાસે ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની ત્રિપુટી છે. ઉમેશને આમાંથી કોઈની ગેરહાજરીમાં જ તક મળી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરીને કારણે જ ઉમેશ યાદવને ટીમમાં રમવાની તક મળી હતી.
ઉમેશ યાદવની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
ઉમેશ યાદવ ભારત માટે ૫૭ ટેસ્ટ, ૭૫ વન-ડે અને ૯ ટી૨૦ મૅચ રમી ચૂક્યો છે, જેમાં ટેસ્ટમાં ૧૧૨ ઇનિંગ્સમાં ૧૭૦, ૭૩ વન-ડે ઇનિંગ્સમાં ૧૦૬ અને ૯ ટી૨૦ ઇનિંગ્સમાં ૧૨ વિકેટ ઝડપી ચૂક્યો છે.