10 March, 2021 10:01 AM IST | Lucknow
પ્લેયર ઑફ ધ મૅચ ઝુલન ગોસ્વામી
પહેલી વન-ડેમાં સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સામે પરાજિત થયા બાદ ગઈ કાલે ભારતીય મહિલા ટીમે શાનદાર કમબૅક કરીને ૯ વિકેટે વિજયી બનાવી પાંચ વન-ડે મૅચની સિરીઝ ૧-૧ની બરાબરી પર લાવી દીધી હતી.
ભારતે ટૉસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો અને બોલરોએ કૅપ્ટન મિતાલી રાજના ભરોસાને જાળવી રાખીને ૪૧ ઓવરમાં વિરોધી ટીમને માત્ર ૧૫૭ રનમાં પૅવિલિયનભેગી કરી દીધી હતી.
ત્યાર બાદ ભારતે માત્ર એક વિકેટ ગુમાવીને ૯ વિકેટે મૅચ જીતી લીધી હતી. ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ૪૨ રનમાં ચાર વિકેટ લીધી હતી. પહેલાં બૅટિંગ કરવા ઊતરેલી વિમેન્સ સાઉથ આફ્રિકાની શરૂઆત નબળી રહી હતી અને ૯૯ રનમાં જ તેમણે ૪ વિકેટ ગુમાવી દીધી હતી. લારા ગુડૉલ અને કૅપ્ટન સુન લુસે અનુક્રમે ૪૯ અને ૩૬ રન બનાવ્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય ટીમની કોઈ પ્લેયર ૧૫ રનનો આંકડો પાર કરી શકી નહોતી.
રાજેશ્વરી ગાયકવાડ ત્રણ, માનસી જોશી બે અને સોમવારે ૩૨ વર્ષની થયેલી હરમનપ્રીત કૌર એક વિકેટ લેવામાં સફળ રહી હતી.
૧૫૮ રનનો ટાર્ગેટ મળ્યા પછી ભારતની પહેલી વિકેટ ૨૨ રને જેમાઇમા રૉડ્રિગ્સ (૯ રન)ની પડી હતી, પણ ઓપનર સ્મૃતિ મંધાના અને પૂનમ રાઉતે અણનમ ૮૦ અને ૬૨ રન કરીને ટીમને ૯ વિકેટ શેષ રાખી વિજયના દ્વાર સુધી પહોંચાડી હતી. સ્મૃતિએ ૬૪ બૉલમાં ૧૦ ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી, જ્યારે પૂનમના ૮૯ બૉલમાં ૮ ચોગ્ગા હતા. બન્ને પ્લેયર્સે ચોગ્ગો ફટકારી પોતપોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના આ કમબૅકને લીધે સિરીઝ ૧-૧ની બરાબરીએ પહોંચી ગઈ છે.
ઝુલનને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. ત્રીજી વન-ડે ૧૨ માર્ચે રમાશે.
રન ચેઝ કરતી વખતે સ્મૃતિ મંધાનાએ સતત કુલ 10 વાર ૫૦ કે એનાથી વધારે રન બનાવવાનો વિક્રમ કર્યો છે અને આમ કરનારી તે વિશ્વની પહેલી ક્રિકેટર બની છે. પુરુષોમાં પણ આ વિક્રમ નથી રચાયો. આ પહેલાં ૨૦૧૫ અને ૨૦૧૭ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડની સુઝી બેટ્સે નવ વાર ૫૦થી વધારે રન બનાવ્યા હતા.
આઇસીસી ટી૨૦ રૅન્કિંગ્સમાં શેફાલી બીજા સ્થાને પહોંચી ગઈ ઃ મંધાના સાતમા અને જેમાઇમા નવમા ક્રમે
આઇસીસી ટી૨૦ મહિલા પ્લેયરોની નવી યાદી મુજબ શેફાલી વર્મા ૭૪૪ રેટિંગ સાથે બીજા ક્રમે પહોંચી ગઈ છે, જ્યારે ઑસ્ટ્રેલિયાની બેથ મુની ૭૪૮ રેટિંગ સાથે પહેલા ક્રમે છે. મહિલા ટી૨૦ બૅટ્સમેનોની યાદીમાં ૬૯૩ અને ૬૪૩ના રેટિંગ સાથે સ્મૃતિ મંધાના અને જેમાઇમા રૉડ્રિગ્સ અનુક્રમે સાતમા અને નવમા ક્રમે પહોંચી છે. આમ ટૉપ-ટેનમાં ત્રણ ભારતીય મહિલાઓ છે.
મહિલા ટી૨૦ની બોલરોની યાદીમાં દીપ્તિ શર્મા, રાધા યાદવ અને પૂનમ યાદવ અનુક્રમે ૭૧૬, ૭૦૫ અને ૬૯૮ના રેટિંગ સાથે અનુક્રમે છઠ્ઠા, આઠમા અને નવમા ક્રમે સ્થાન ધરાવે છે. ઑલરાઉન્ડર્સની ટૉપ-ટેન યાદીમાં એકમાત્ર દીપ્તિ શર્મા ૩૦૨ રેટિંગ સાથે ચોથા ક્રમે વેસ્ટ ઇન્ડીઝની સ્ટેફની ટેલર સાથે છે.